વર્લ્ડકપ 2019: વિલિયમસનની અણનમ સદી, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું
આઈસીસી વિશ્વકપની 25મી મેચમાં કેપ્ટન વિલિયમસનની શાનદાર અણનમ સદી અને કોલિન ડિ ગ્રાન્ડહોમની અડધી સદીની મદદથી આફ્રિકાને 4 વિકેટે પરાજય આપ્યા છે.
Trending Photos
બર્મિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019ની રોમાંચક મેચમાં કેપ્ટન કેન વિલિયમસન (106)ની શાનદાર અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે રોમાંચક મેચમાં 4 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 241 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 48.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કેન વિલિયમસને 138 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો 12 રનના સ્કોર પર લાગ્યો હતો. કોલિન મુનરો (9)ને કગિસો રબાડાએ તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ માર્ટિન ગુપ્ટિલ (35)એ કેન વિલિયમસન સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ગુપ્ટિલ 59 બોલમાં 5 બાઉન્ડ્રી ફટકારીને ફેહલુકવાયોની બોલિંગમાં હિટ વિકેટ આઉટ થયો હતો. ત્યારબાદ રોસ ટેલર (1)ને ક્રિસ મોરિસે વિકેટકીપરના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ ટોમ લાથમ (1) પણ મોરિસનો શિકાર બન્યો હતો. જેમ્સ નિશમ (23)ને ક્રિસ મોરિસે આઉટ કરીને ન્યૂઝીલેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. કીવી ટીમે 137 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી હતી.
ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ડિ કોક (5)ને ટ્રેન્ટ બોલ્ટે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ (23) અને હાશિમ અમલાએ બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 59 રન હતો ત્યારે ફાફ ડુ પ્લેસિસને ફર્ગ્યુસને બોલ્ડ કરીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો.
137 રન પર પાંચમી વિકેટ ગુમાવ્યા બાદ કોલિન ડિ ગ્રાન્ડહોમ (60)એ કેન વિલિયમસન સાથે પાંચમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ ટીમને જીતની નજીક પહોંચાડી હતી. ગ્રાન્ડહોમે 47 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. લુંગી એનગિડીએ તેને આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો.
હાશિમ અમલાએ વનડેમાં પૂરા કર્યાં 8 હજાર રન
હાશિમ અમલાએ અડધી સદી ફટકારી હતી. તેણે માર્કરમ સાથે ત્રીજી વિકેટ માટે 52 રનની પાર્ટનરશિપ કરી હતી. અમલા (55) રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. તેણે 83 બોલનો સામનો કરતા 4 બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન અમલાએ વનડે ક્રિકેટમાં પોતાના 8 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. આ માટે તેણે 176 ઈનિંગ લીધી હતી. એડન માર્કરમ (38)ને કોલિન ડિ ગ્રાન્ડહોમે મુનરોના હાથે કેચ કરાવીને આફ્રિકાને ચોથો ઝટકો આપ્યો હતો.
મિલર અને ડુસેન વચ્ચે 72 રનની ભાગીદારી
આફ્રિકાએ 136 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડેવિડ મિલર અને રુસી વાન ડેર ડુસેને પાંચમી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ડેવિડ મિલર (36) લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. તેણે 37 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તો ડુસેને પોતાના વનડે કરિયરની છઠ્ઠી અડધી સદી પૂરી કરી હતી. વિશ્વકપમાં તેની બીજી અડધી સદી છે. ફેહલુકવાયો (0) પર લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. ડુસેન 64 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 67 રન બનાવી અણનમ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુશને 3, બોલ્ટ, સેન્ટનર અને કોલિન ડિ ગ્રાન્ડહોમે એક-એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે