Hockey World Cup 2023: 16 ટીમ, 4 ગ્રુપ, બે સ્ટેડિયમ, ભારતમાં 13 જાન્યુઆરીથી શરૂ થશે હોકી વિશ્વકપ

hockey world cup 2023 india complete schedule: ભારતની યજમાનીમાં 13 જાન્યુઆરીથી હોકીનો વિશ્વકપ શરૂ થવાનો છે. હોકીની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઈ રહી છે. ભારતીય ટીમ પણ બીજીવાર વિશ્વ વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે. ઓડિશાના બે શહેરોમાં કુલ 44 મેચ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ 29 જાન્યુઆરીએ રમાશે. જાણો હોકી વિશ્વકપના ઈતિહાસથી લઈને આ વિશ્વકપની દરેક માહિતી. 

Hockey World Cup 2023: 16 ટીમ, 4 ગ્રુપ, બે સ્ટેડિયમ, ભારતમાં 13 જાન્યુઆરીથી શરૂ થશે હોકી વિશ્વકપ

ભુવનેશ્વરઃ ઓડિશામાં 13 જાન્યુઆરીથી હોકી વિશ્વકપ (Hockey World Cup 2023) શરૂ થઈ રહ્યો છે. ભારત ચોથી વખત હોકીની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના મુકાબલા ભુવનેશ્વર અને રાઉરકેલામાં રમાશે. 

આ ટૂર્નામેન્ટની 15મી એડિશન છે. 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. 16 ટીમોને 4-4 ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતને ગ્રુપ-4માં ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે રાખવામાં આવ્યું છે. તેનો પહેલો મુકાબલો 13 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે સ્પેન સામે છે. 17 દિવસ ચાલનાર ટૂર્નામેન્ટમાં 44 મેચ રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 29 જાન્યુઆરીએ રમાશે. જાણો હોકીની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ વિશે દરેક માહિતી...

આવો જાણીએ ટૂર્નામેન્ટની શરૂઆત, અત્યાર સુધીના ચેમ્પિયન્સ, વર્તમાન સીઝનનું ફોર્મેટ, દાવેદાર અને ભારતના વિશ્વ ચેમ્પિયન બનવાના ચાન્સ..

સૌથી પહેલા વાત કરીએ શરૂઆતની
હોકી વિશ્વકપની શરૂઆત 52 વર્ષ પહેલા 1971માં થઈ હતી. ત્યારે આ ટૂર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. પાકિસ્તાને ફાઇનલમાં સ્પેનને 1-0થી હરાવી પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ટેગ હાસિલ કર્યો હતો. ત્યારે ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

ભારતમાં 1982, 2010, 2018 સીઝન યોજાઈ
ભારત ચોથી વખત ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. અગાઉ ભારતે 1982, 2010 અને 2018માં વિશ્વકપનું આયોજન કર્યું હતું. પ્રથમ વર્લ્ડ કપ 1971માં રમાયો હતો. તે પછી 1975 સુધી દર 2 વર્ષે તેનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારબાદ 1981 સુધી 3 વર્ષના અંતરાલમાં વર્લ્ડ કપ થયો. ત્યારપછી 1986 થી 4 વર્ષના અંતરાલમાં સતત વર્લ્ડ કપ થઈ રહ્યો છે. 2022 માં, કોવિડને કારણે ટૂર્નામેન્ટ ખસેડવામાં આવી હતી. હવે તેનું આયોજન જાન્યુઆરી 2023માં કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન સૌથી સફળ ટીમ
પાકિસ્તાન ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. તેના નામે ચાર ટાઇટલ છે. પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડે 3-3 ટાઈટલ જીત્યા છે. જર્મની બે વખત ચેમ્પિયન બન્યું છે. તો બેલ્જિયમે પણ ભારતની જેમ એક વખત ટ્રોફી ઉઠાવી છે. 

હવે ટૂર્નામેન્ટનું ફોર્મેટ સમજો
ચારેય ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કરશે. જ્યારે દરેક ગ્રુપમાં બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમો ક્રોસઓવર રાઉન્ડ રમશે. ક્રોસઓવર મેચ જીતનારી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ક્વાર્ટરફાઇનલ રાઉન્ડ જીતનારી ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. 27 જાન્યુઆરીએ બે સેમીફાઇનલ મુકાબલા રમાશે. સેમીફાઇનલ જીતનારી ટીમો 29 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં સાંજે 7 કલાકે ફાઇનલ રમશે. 

29 જાન્યુઆરીએ થર્ડ પ્લેસ મેચ રમાશે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલા દરમિયાન 5થી 16માં નંબર પર રહેનારી ટીમોની મેચ પણ રમાશે. 

44 મેચ રમશે 16 ટીમો
વિશ્વકપના મુકાબલા ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1 કલાકે, 3 કલાકે, સાંજે 5 કલાકે અને સાંજે 7 કલાકે શરૂ થશે. ફાઇનલ સુધી તમામ ટીમો વચ્ચે કુલ 44 મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં 16 ટીમને ચાર-ચારના ગ્રુપમાં રાખવામાં આવી છે. 

હોકી વર્લ્ડ કપ-2023 ગ્રુપ
ગ્રુપ-એઃ આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા
ગ્રુપ-બીઃ ચિલી, મલેશિયા, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ
ગ્રુપ-સીઃ બેલ્જિયમ, જર્મની, જાપાન, કોરિયા
ગ્રુપ-ડીઃ ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન, વેલ્સ.

ભારતની પહેલી મેચ સ્પેન સામે
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્પેનની સાથે ગ્રુપ-4માં છે. 13 જાન્યુઆરીએ આર્જેન્ટીના-સાઉથ આફ્રિકા વચ્ચે બપોરે 1 કલાકે મેચની સાથે ટૂર્નામેન્ટની શરૂઆત થશે. 13 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે ભારત સ્પેન સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. 15 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી અને 19 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે વેલ્સ સામે ભારત ત્રીજી મેચ રમશે. 

હોકી વિશ્વકપમાં અત્યાર સુધીના ચેમ્પિયન્સ
1971- પાકિસ્તાન
1973- નેધરલેન્ડ
1975- ભારત
1978- પાકિસ્તાન
1981- પાકિસ્તાન
1986- ઓસ્ટ્રેલિયા
1990- નેધરલેન્ડ
1994- પાકિસ્તાન
1998- નેધરલેન્ડ
2002- જર્મની
2006- જર્મની
2010- ઓસ્ટ્રેલિયા
2014- ઓસ્ટ્રેલિયા
2018- બેલ્જિયમ

હોકી વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
પીઆર શ્રીજેશ, ક્રિષ્ના પાઠક, અરમાનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઇસ કેપ્ટન), નીલમ સંજીવ જેસ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ , મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજીત સિંહ, રાજકુમાર પાલ અને જુગરાજ સિંહ.

Hockey World Cup 2023 India Schedule: જાણો હોકી વિશ્વકપનો કાર્યક્રમ

13 જાન્યુઆરી
આર્જેન્ટિના vs દક્ષિણ આફ્રિકા (ભુવનેશ્વર) - બપોરે 1:00 વાગ્યે
ઓસ્ટ્રેલિયા vs ફ્રાન્સ (ભુવનેશ્વર) - બપોરે 3:00 વાગ્યે
ઇંગ્લેન્ડ vs વેલ્સ (રાઉરકેલા) - સાંજે 5:00 વાગ્યે
ભારત vs સ્પેન (રાઉરકેલા) - સાંજે 7:00 વાગ્યે

14 જાન્યુઆરી
ન્યુઝીલેન્ડ vs ચિલી (રાઉરકેલા) - બપોરે 1:00 કલાકે
નેધરલેન્ડ vs મલેશિયા (રાઉરકેલા) - બપોરે 3:00 વાગ્યા સુધી
બેલ્જિયમ vs કોરિયા (ભુવનેશ્વર) - સાંજે 5:00
જર્મની vs જાપાન (ભુવનેશ્વર) - સાંજે 7:00

15 જાન્યુઆરી
સ્પેન vs વેલ્સ (રાઉરકેલા) - સાંજે 5:00 વાગ્યે
ઈંગ્લેન્ડ vs ભારત (રાઉરકેલા) - સાંજે 7:00 વાગ્યે

16 જાન્યુઆરી
મલેશિયા vs ચિલી (રાઉરકેલા) - બપોરે 1:00 વાગ્યે
ન્યુઝીલેન્ડ vs નેધરલેન્ડ્સ (રાઉરકેલા) - બપોરે 3:00 વાગ્યે
ફ્રાન્સ vs દક્ષિણ આફ્રિકા (ભુવનેશ્વર) - સાંજે 5:00
આર્જેન્ટિના vs ઓસ્ટ્રેલિયા (ભુવનેશ્વર) - સાંજે 7:00

17 જાન્યુઆરી
કોરિયા vs જાપાન (ભુવનેશ્વર) - સાંજે 5:00
જર્મની vs બેલ્જિયમ (ભુવનેશ્વર) - સાંજે 7:00

19 જાન્યુઆરી
મલેશિયા vs ન્યુઝીલેન્ડ (ભુવનેશ્વર) - બપોરે 1:00 વાગ્યે
નેધરલેન્ડ vs ચિલી (ભુવનેશ્વર) - બપોરે 3:00 વાગ્યે
સ્પેન vs ઈંગ્લેન્ડ (ભુવનેશ્વર) - સાંજે 5:00 વાગ્યે
ભારત vs વેલ્સ (ભુવનેશ્વર) - સાંજે 7:00

20 જાન્યુઆરી
ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા (રાઉરકેલા) - બપોરે 1:00 વાગ્યે
ફ્રાન્સ vs અર્જેન્ટીના (રાઉરકેલા) - બપોરે 3:00 વાગ્યે
બેલ્જિયમ vs જાપાન (રાઉરકેલા) - સાંજે 5:00
કોરિયા vs જર્મની (રાઉરકેલા) - સાંજે 7:00 વાગ્યે

24 જાન્યુઆરી
પ્રથમ ક્વાર્ટર ફાઈનલ: ભુવનેશ્વર - સાંજે 4:30
ક્વાર્ટર ફાઈનલ 2: ભુવનેશ્વર - સાંજે 7 વાગ્યે

25 જાન્યુઆરી
ત્રીજી ક્વાર્ટર-ફાઇનલ: ભુવનેશ્વર - સાંજે 4:30
ચોથી ક્વાર્ટર-ફાઇનલ: ભુવનેશ્વર - સાંજે 7

26 જાન્યુઆરી
પ્લેસમેન્ટ મેચ (9થી 16માં સ્થાન માટે)

27 જાન્યુઆરી
પ્રથમ સેમી-ફાઇનલઃ ભુવનેશ્વર- સાંજે 4.30 કલાકે
બીજી સેમી-ફાઇનલઃ ભુવનેશ્વર- સાંજે 7 કલાકે

29 જાન્યુઆરી
બ્રોન્ઝ મેડલ મેચ- સાંજે 4.30 કલાકે
ગોલ્ડ મેડલ મેચ- સાંજે 7 કલાકે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news