તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ, ધોનીને પણ પાછળ છોડ્યો
Australia vs England ODI Series: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે સિરીઝમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. આ સાથે બ્રૂકે કોહલી અને ધોનીને પાછળ છોડી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ એમએસ ધોનીની ગણના વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તે ટી20 વિશ્વકપ, વનડે વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણેય આઈસીસી ટૂર્નામેન્ટ જીતનાર એકમાત્ર કેપ્ટન છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમે અનેક સિદ્ધિઓ મેળવી હતી. બીજીતરફ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ના ફાઈનલમાં પહોંચી અને વનડે વિશ્વકપ 2019ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન બનેલા હેરી બ્રૂકે મોટો કમાલ કર્યો છે.
હેરી બ્રૂકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં બનાવ્યા 312 રન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં જોસ બટલર ઈજાને કારણે રમ્યો નહીં. ત્યારબાદ તેના સ્થાને ઈંગ્લેન્ડે હેરી બ્રૂકને કેપ્ટન બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી વનડે મેચમાં બ્રૂકે શાનદાર બેટિંગ કરી અને મેદાનની ચારે તરફ સ્ટ્રોક ફટકાર્યા હતા. તેણે 52 બોલમાં 72 રન બનાવ્યા, જેમાં 3 ફોર અને 7 સિક્સ સામેલ છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બ્રૂકે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝમાં રનનો વરસાદ કર્યો છે. તેણે સિરીઝમાં 39, 4, 110, 87 અને 72 રનની ઈનિંગ રમી અને સિરીઝમાં કુલ 312 રન બનાવ્યા છે.
આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે ODI દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. બ્રૂકે વિશ્વભરના દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તેણે વિરાટ કોહલીનો કીર્તિમાન ધ્વસ્ત કરી દીધો છે અને એમએસ ધોનીને પાછળ છોડ્યો છે. કોહલીએ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે દ્વિપક્ષીય સિરીઝમાં 310 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ વર્ષ 2009માં 285 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન
312 - હેરી બ્રુક (ઇંગ્લેન્ડ, 2024)
310 - વિરાટ કોહલી (ભારત, 2019)
285 - મહેન્દ્ર સિંહ ધોની (ભારત, 2009)
278 - ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ, 2015)
276 - બાબર આઝમ (પાકિસ્તાન, 2022)
પ્રથમ વખત કેપ્ટનશીપની જવાબદારી મળી
જોસ બટલરની ગેરહાજરીમાં હેરી બ્રુકને પ્રથમ વખત ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેણે પોતાની પ્રથમ શ્રેણીમાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે વર્ષ 2023માં ઈંગ્લેન્ડ તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 20 ODI મેચોમાં 719 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તેણે ઈંગ્લેન્ડ માટે 18 ટેસ્ટ મેચોમાં 1558 રન અને 39 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 707 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે