GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે વરસાદને કારણે ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઇટ રાઈડર્સ વચ્ચે મુકાબલો ટોસ થયા વગર રદ્દ થઈ ગયો છે. મેચ રદ્દ થવાની સાથે ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં બપોર બાદ વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે અમદાવાદમાં રમાનારી આઈપીએલ મેચ રદ્દ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી આઈપીએલ-2024ની 63મી મેચ રદ્દ થઈ ગઈ છે. આ મેચ રદ્દ થતાં ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે કોલકત્તાની ટીમ ક્વોલીફાયર-1 રમશે તે નક્કી થઈ ગયું છે.
વરસાદને કારણે મેચ રદ્દ
અમદાવાદમાં આજે બપોર બાદ ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે મેચમાં સમય પ્રમાણે ટોસ થયો નહીં. ત્યારબાદ પણ સતત વરસાદ પડવાનું ચાલું રહ્યું હતું. અંતમાં 10.35 કલાકે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના 19 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે ગુજરાત ટાઈટન્સના 11 પોઈન્ટ છે.
ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
અમદાવાદમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે મેચ રદ્દ થવાની સાથે ગુજરાત ટાઈટન્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ સમાપ્ત થઈ ગયું છે. ગુજરાતના 13 મેચમાં 11 પોઈન્ટ છે અને એક મેચ રમવાની બાકી છે. બીજીતરફ કોલકત્તાના 19 પોઈન્ટ છે. ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પણ બહાર થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે