ENG vs IND: રૂટની સિરીઝમાં ત્રીજી સદી, ભારત પર ઈનિંગથી હારનો ખતરો, ઈંગ્લેન્ડ 423/8, કુલ લીડ 345 રન

લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું છે. બીજા દિવસની રમતના અંતે યજમાન ટીમે 423 રન બનાવી લીધા છે. જો રૂટે શાનદાર સદી ફટકારી છે. 

ENG vs IND: રૂટની સિરીઝમાં ત્રીજી સદી, ભારત પર ઈનિંગથી હારનો ખતરો, ઈંગ્લેન્ડ 423/8, કુલ લીડ 345 રન

હેડિંગ્લેઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટે 423 રન બનાવી લીધા છે. મહત્વનું છે કે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગના આધાર પર 345 રનની લીડ મેળવી લીધી છે અને તેની બે વિકેટ બાકી છે. ભારત માટે લીડ્સ ટેસ્ટના પ્રથમ બે દિવસ ખરાબ રહ્યાં છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે ફરી સદી ફટકારતા 121 રન બનાવ્યા છે. આ સિરીઝમાં રૂટની ત્રીજી સદી છે. 

જો રૂટની સિરીઝમાં ત્રીજી સદી
ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 2021માં દમદાર ફોર્મમાં છે. રૂટે પ્રથમ બે ટેસ્ટમાં પણ શાનદાર સદી ફટકારી હતી, તો આજે લીડ્સમાં પણ રૂટે સદી ફટકારી છે. તેણે 165 બોલનો સામનો કરતા 121 રન બનાવ્યા હતા. રૂટે આ દરમિયાન 14 ચોગ્ગા ફટકાર્યા છે. આ સિરીઝમાં રૂટની સતત ત્રીજી સદી છે. આ સાથે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સાતમી સદી ફટકારી છે. રૂટ 121 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરે ભારતના બોલરોને હંફાવ્યા
ભારત સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઓપનિંગ જોડીમાં પરિવર્તન કર્યા બાદ ઈંગ્લેન્ડને મજબૂત શરૂઆત મળી હતી. ઈંગ્લેન્ડના બંને ઓપનરોએ 135 રનની ભાગીદારી કરી હતી. રોરી બર્ન્સ 61 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ભારતને બીજી સફળતા હસીમ હમીદના રૂપમાં મળી હતી. હમીદ 68 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 

ડેવિડ મલાનની શાનદાર વાપસી
આશરે બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ડેવિડ મલાને પણ ભારત સામે સારૂ પ્રદર્શન કર્યુ છે. મલાને કેપ્ટન જો રૂટની સાથે ત્રીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. મલાને 128 બોલમાં 11 ચોગ્ગા સાથે 70 રન બનાવ્યા હતા. મલાનને સિરાજે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જોની બેયરસ્ટો 29 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. શમીએ જોસ બટલર (7)ને ઈશાંતના હાથે કેચઆઉટ કરાવી ભારતને સાતમી સફળતા અપાવી હતી. મોઇન અલી 8 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. સેમ કરન (15) ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. 

જેમ્સ એન્ડરસન સામે ભારતીય બેટ્સમેનો ફેલ
લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત મેળવી લીડ્સ પહોંચેલી ભારતીય ટીમ પાસે મોટી આશાઓ હતી. પરંતુ અનુભવી બોલર જેમ્સ એન્ડરસનની રણનીતિ સામે ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યાં. પ્રથમ ઓવરમાં જ કેએલ રાહુલ માત્ર શૂન્ય રન બનાવી વિકેટની પાછળ જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ભારતે 1 રને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. 

ટીમ ઈન્ડિયા આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા એન્ડરસને ચેતેશ્વર પૂજારા (1)ને પણ બટલરના હાથે કેચઆઉટ કરાવી ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો આપ્યો હતો. હવે બધી આશા કેપ્ટન કોહલી અને રોહિત શર્મા પાસે હતી. જેમ્સ એન્ડરસને ફરી વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોહલી માત્ર 7 રન બનાવી વિકેટની પાછળ કેચઆઉટ થયો હતો. આમ ભારતે માત્ર 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. 

ત્યારબાદ રહાણે અને રોહિતે ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. બંને સેટ થઈ ગયા તેમ લાગી રહ્યું હતું, પરંતુ લંચના બે બોલ પહેલા રહાણે (18) ને રોબિન્સને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. આમ પ્રથમ સત્ર ઈંગ્લેન્ડના નામે રહ્યું હતું. લંચ બાદ પણ ઈંગ્લેન્ડના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. રિષભ પંત 2 રન બનાવી રોબિન્સનનો શિકાર કર્યો હતો. ટીમે 58 રન પર પાંચમી વિકેટ ગુમાવી હતી. 

રોહિત શર્મા 105 બોલનો સામનો કરી 19 રન બનાવી ક્રિસ ઓવરટનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમી 0 રન બનાવી ઓવરટનની ઓવરમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા (4) અને બુમરાહ (0)ને સેમ કરને એક ઓવરમાં આઉટ કરી ભારતની આશા પર પાણી ફેરવી દીધું હતું. અંતમાં સિરાજ 3 રન બનાવી ઓવરટનનો શિકાર બન્યો હતો. 

ઈંગ્લેન્ડને દમદાર બોલિંગ
ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 8 ઓવરમાં 6 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ક્રિગ ઓવરટને 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. સેમ કરન અને ઓલી રોબિન્સનને પણ બે-બે વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news