IPL 2022: પોતાની જૂની ટીમ સામે વોર્નરનું વાવાઝોડુ, દિલ્હીએ હૈદરાબાદને 21 રને પરાજય આપ્યો
દિલ્હી કેપિટલ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું છે. તો કેન વિલિયમસનની ટીમે સતત ત્રીજી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
Trending Photos
મુંબઈઃ ડેવિડ વોર્નર (અણનમ 92 રન) અને રોવમૈન પોવેલ (67*) ની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલના 50મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 21 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તો સનરાઇઝર્સ હૈદરાબાદે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવી શકી છે.
પોતાની જૂની ટીમ સામે ડેવિડ વોર્નરનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નર આજે પોતાની જૂની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતર્યો હતો. ઈનિંગની શરૂઆતથી વોર્નર લયમાં જોવા મળ્યો અને તેણે શાનદાર બેટિંગ કરી હતી. વોર્નરે પહેલાં પંત સાથે ભાગીદારી કરી હતી. વોર્નરે આઈપીએલ-2022માં પોતાની ચોથી અડધી સદી ફટકારી હતી. વોર્નર 58 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 92 રન બનાવી અણનમ રહ્યો હતો.
મુંબઈમાં જોવા મળ્યો પોવેલનો પાવર
એક સમયે દિલ્હી કેપિટલ્સે 85 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડેવિડ વોર્નર સાથે ઈનિંગને આગળ વધારવા રોવમેન પોવેલ જોડાયો હતો. પોવેલે આજે કેરેબિયન પાવર દેખાડ્યો હતો. પોવેલે 35 બોલમાં 6 છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. પોવેલ અને વોર્નરે ચોથી વિકેટ માટે અણનમ 122 રનની ભાગીદારી કરી હતી.
દિલ્હીની ખરાબ શરૂઆત
દિલ્હી તરફતી આજે વોર્નર અને મનદીપ સિંહના રૂપમાં નવી ઓપનિંગ જોડી જોવા મળી હતી. મનદીપ સિંહ પાંચ બોલ રમી ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. તો મિશેલ માર્શ 7 બોલમાં બે ચોગ્ગા સાથે 10 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન રિષભ પંત 16 બોલમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગા સાથે 26 રન બનાવી શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો.
હૈદરાબાદની ઓપનિંગ જોડી ફેલ
દિલ્હીએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા માત્ર 7 રન બનાવી ખલીલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નોર્ત્જેએ કેન વિલિયમસન (4) ને આઉટ કરી દિલ્હીને મોટી સફળતા અપાવી હતી. હૈદરાબાદે પાવરપ્લેમાં બે વિકેટે 35 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી 22 રન બનાવી મિશેલ માર્શનો શિકાર બન્યો હતો.
પૂરનની સતત બીજી અડધી સદી
24 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ નિકોલસ પૂરન અને એડન માર્કરમે ઈનિંગ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. માર્કરમ 25 બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. નિકોલસ પૂરને 34 બોલમાં 6 સિક્સ અને 2 ફોર સાથે 62 રન બનાવ્યા હતા. આ સિવાય દિલ્હીના કોઈ બેટર ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે