INDvsAUS: બીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 191/7, અશ્વિનની ત્રણ વિકેટ
એડિલેડમાં ચાલી રહેતી પ્રથમ ટેસ્ટમાં ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 191 રન બનાવ્યા છે.
Trending Photos
એડિલેડઃ India vs Australia (IND vs AUS) 1st Test, Day 2. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો એડિલેડ ઓવલમાં ચાલી રહ્યો છે. કાંગારૂ બોલરોએ ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 250 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવી લીધા છે. દિવસના અંતે ટ્રેવિસ હેડ (61) અને મિશેલ સ્ટાર્ક (8) રન બનાવી ક્રિઝ પર હતા. ભારત તરફથી અશ્વિને ત્રણ તથા બુમરાહ અને ઈશાંતે બે-બે વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કર્યો છે. પહેલી ઓવરમાં એરોન ફિન્ચ (0)ને ઈશાંત શર્માએ બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી. પર્દાપણ કરી રહેલ માર્કસ હૈરિસ અને ઉસ્માન ખ્વાજા ક્રિઝ પર છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. ઓસ્ટ્રલિયાએ ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઈનિંગની 22મી ઓવરમાં અશ્વિને માર્કર હૈરિસ (26)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હૈરિસ કેચઆઉટ થયો હતો.
અશ્વિને ડાબોડી બેટ્સમેનો પર કહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. તેણે માર્કસ હૈરિસ બાદ શોન માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર બે રન બનાવી અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને હેડ્સકોંબે ચોથી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. ત્યારે ફરી અશ્વિન ત્રાટક્યો અને સેટ થઈ ગયેલા ખ્વાજાને પંચના હાથે કેચઆઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની પણ એક બાદ એક વિકેટ પડાવનું ચાલું રહ્યું હતું. હેડ્સકોંબ 34, ટિમ પેન 5 અને પેટ કમિન્સ 10 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રએલિયાએ 177 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી છે.
ટ્રેવિસ હેડની બીજી અડધી સદી
ટ્રેવિસ હેડે કરિયરની બીજી અડધી સદી ફટકારી છે. આ તેનો ત્રીજો ટેસ્ટ મેચ છે. ઓસ્ટ્રેલિયાએ તેને ઓલરાઉન્ડર મિશેલ માર્શની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે. હેડ સિવાય ઓસ્ટ્રેલિયાના અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા.
ટી-બ્રેકઃ ઓસ્ટ્રેલિયા 117/4
બીજા દિવસે ટી સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 117 રન છે. તેણે ચાર વિકેટ ગુમાવી દીધી છે. પીટર હૈંડસ્કોમ્બ 33 અને ટ્રેવિસ હેડ 17 રને રમતમાં છે. ભારત તરફથી અશ્વિને ત્રણ અને ઈશાંતે એક વિકેટ ઝડપી છે.
લંચ પહેલા ભારતને બે સફળતા
બીજા દિવસે ભારતે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાને બે ઝટકા આપ્યા હતો. ઈશાંત શર્માએ પ્રથમ ઓવરમાં એરોન ફિન્ચ (0)ને બોલ્ડ કરીને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને માર્કસ હૈરિસે ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. મેચની 22મી ઓવરમાં અશ્વિને હૈરિસને કેચઆઉટ કરાવીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. લંચ સમયે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા અને શોર્ન માર્શ બેટિંગ કરી રહ્યાં છે.
ભારત 250 રન બનાવી ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 250 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડઃ લોકેશ રાહુલ 2, મુરલી વિજય 11, ચેતેશ્વર પૂજારા 123, વિરાટ કોહલી 3, રોહિત શર્મા 37, રિષભ પંત 25, અશ્વિન 25, ઈશાંત શર્મા 4, શમી 6, બુમરાહ 0 (અણનમ).
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક, કમિન્સ અને નાથન લિયોનને બે-બે સફળતાઓ મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે રમત પૂર્ણ થતા 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા.
મેચનો પ્રથમ દિવસ
ચેતેશ્વર પૂજારાએ તે કર્યું જે તેને સૌથી સારી રીતે આવડે છે, વિકેટ પર ઉભા રહેવું. એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ પૂજારાએ તેનું કામ કર્યું હતું. તેણે બોલરોને થકાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બોલર તેને આઉટ ન કરી શક્યો. અંતમાં તે 123 રન બનાવી રન આઉટ થયો હતો. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા ભારતે 9 વિકેટના નુકસાન પર 250 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી તમામ મુખ્ય બોલર (મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લાયન) બે-બે વિકેટ ઝડપી હતી.
વિકેટ બેટિંગ માટે સારી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ તેને ગંભીરતાથી ન લીધી. તેના શોટ સિલેક્શન ખરાબ હતા. પ્રથમ સત્રમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારીને ભારતની સ્થિતિમાં થોડો સુધારો કર્યો હતો. પૂજારા અને અશ્વિને 62 રનની ભાગીદારી કરી જેણે ભારતને ઘણી રાહત આપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ઓવલમાં રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત સતત વિકેટ ગુમાવી રહ્યું છે. પ્રથમ દિવસે લંચ સમયે ભારતે 27 ઓવરમાં 56 રન બનાવી ચાર વિકેટ ગુમાવી દીધી છે. લંચ સમયે ચેતેશ્વર પૂજારા 11 અને રોહિત શર્મા 15 રન બનાવી ક્રિઝ પર હતા. ઓસ્ટ્રેલિયન બોલરોએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા ભારતના ટોપ ઓર્ડરને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે તથા સ્ટાર્ક અને કમિન્સે એક-એક વિકેટ ઝડપી હતી.
લંચ બાદ પૂજારા અને રોહિતે આગળ રમવાનું શરૂ કર્યું હતું. રોહિત સારી લયમાં દેખાતો હતો. રોહિતે 3 સિક્સ પણ ફટકારી હતી. બંન્નેએ 45 રન જોડ્યા હતા. ત્યારબાદ નાથન લાયનની ઓવરમાં સિક્સ ફટકારવા જતા રોહિત શર્મા કેચઆઉટ થયો હતો. આ સાથે 86 રનના કુલ સ્કોરે ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલ યુવા બેટ્સમેન રિષભ પંતે પણ કેટલાક આકર્ષક શોટ ફટકાર્યા હતા. પંતે પૂજારા સાથે મળીને ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ટીમનો કુલ સ્કોર 127 રન હતો ત્યારે રિષભ પંત (25) રન બનાવી આઉટ થયો હતો. નાથન લાયને તેને વિકેટકીપરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં બે ફોર અને એક સિક્સ ફટકારી હતી. ટી સમયે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 143 રન બનાવ્યા હતા. ટી બાદ ચેતેશ્વર પૂજારાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન કુલ 151 બોલનો સામનો કર્યો હતો. આ તેના ટેસ્ટ કરિયરની 20મી અડધી સદી છે.
એકતરફ ભારતની વિકેટ પડવાનું શરૂ રહ્યું બીજીતરફ પૂજારાએ ધૈર્ય સાથે બેટિંગ કરી હતી. તેણે 230 બોલમાં ટેસ્ટ કરિયરની 16મી અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પણ પૂરા કર્યા હતા.
પૂજારા અને અશ્વિન શાનદાર બેટિંગ કરી રહ્યાં હતા. બંન્ને વચ્ચે 58 રનની ભાગીદારી થઈ હતી ત્યારે પેટ કમિન્સે અશ્વિનને આઉટ કરીને ભારતને સાતમો ઝટકો આપ્યો હતો. અશ્વિને 1 બાઉન્ડ્રીની મદદથી 25 રન બનાવ્યા હતા. પૂજારાએ ઈશાંત શર્મા સાથે મળીને ભારતનો સ્કોર 200ને પાર કરાવ્યો હતો.
આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે અંતિમ ઈલેવનમાં રોહિત શર્માને તક આપી છે. ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને મુરલી વિજયે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ મેચની બીજી ઓવરમાં જ જોશ હેઝલવુડે ભારતીય ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ રાહુલ માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન બોલર સામે બંન્ને ખેલાડીઓ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઈનિંગની સાતમી ઓવરમાં મિશેલ સ્ટાર્કે મુરલી વિજય (11)ને ટિમ પેનના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને 10 ઓવર બાદ પેટ કમિન્સને આક્રમણ માટે બોલ આપ્યો હતો. કમિન્સે તેની પ્રથમ ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (3)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ સ્લીપમાં શાનદાર કેચ દ્વારા કોહલીની ઈનિંગનો અંત કર્યો હતો. ભારતે માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રહાણે અને પૂજારાએ ચોથી વિકેટ માટે 22 રન જોડ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને હેઝલવુડને બીજા સ્પેલ માટે બોલાવ્યો હતો. હેઝલવુડ પણ કેપ્ટનના નિર્ણયનો યોગ્ય સાબિત કરતા રહાણે (13)ને સ્લીપમાં કેચઆઉટ કરવાની ભારતને ચોથો ઝટકો આપ્યો હતો.
ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમ (અંતિમ ઇલેવન):
માર્કસ હૈરિસ, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસ્કોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે