Pro Kabaddi: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો દબંગ દિલ્હી સામે ભારે રસાકસી બાદ 34-30થી પરાજય

ગુજરાતનો આ સિઝનમાં 10મો પરાજય છે. ગુજરાતે બીજા હાફમાં શાનદાર વાપસી કરી પરંતુ પરાજયને ટાળવામાં નિષ્ફળ રહ્યું હતું. 
 

Pro Kabaddi: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો દબંગ દિલ્હી સામે ભારે રસાકસી બાદ 34-30થી પરાજય

પુણેઃ પ્રો કબડ્ડી 2019 (Pro Kabaddi)ની 91મી મેચમાં દબંગ દિલ્હીએ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને (Gujarat Fortune Giants vs Dabang Delhi KC) 34-30થી પરાજય આપ્યો છે. આ જીતની સાથે દબંગ દિલ્હીની ટીમ 64 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. તો ગુજરાતની ટીમ 35 પોઈન્ટ સાથે આઠમાં સ્થાને છે. ગુજરાતનો આ સિઝનમાં 10મો પરાજય છે. ગુજરાતે બીજા હાફમાં શાનદાર વાપસી કરી પરંતુ પરાજયને ટાળવામાં નિષ્ફળ રહ્યું હતું. 

પ્રથમ હાફમાં દબંગ દિલ્હીની ટીમ હાવી રહી હતી. દબંગ દિલ્હીના ડિફેન્સ અને નવીન કુમારે પ્રથમ હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 10 મિનિટની અંદર દિલ્હીએ ગુજરાતને ઓલઆઉટ કરી દીધું હતું. નવીન કુમારે એક રેડમાં ગુજરાતના ત્રણ ખેલાડીને આઉટ કરીને ટીમને ઓલઆુટ કરી હતી. અહીંથી દિલ્હીએ  7 પોઈન્ટની લીડ  મેળવી હતી. પ્રથમ હાફના અંતમાં નવીન કુમારે ફરી બે પોઈન્ટ લઈને ગુજરાતને ઓલઆઉટ નજીક પહોંચાડી દીધું હતું. પ્રથમ હાફમાં સ્કોર 20-9થી દિલ્હીના પક્ષમાં રહ્યો અને નવીન કુમારે 8 પોઈન્ટ લીધા હતા. 

બીજા હાફમાં ગુજરાતે પણ દબંગ દિલ્હીને ઓલઆઉટ કરીને શાનદાર વાપસી કરી હતી. 30મી મિનિટ સુધી દિલ્હીની લીડ માત્ર ચાર પોઈન્ટ રહી ગઈ હતી. પરંતુ અંતિમ સમયે દિલ્હીએ વાપસી કરતા મેચ પોતાના નામે કરી હતી. દબંગ દિલ્હી માટે નવીન 'એક્સપ્રેસે' ફરી એકવાર સુપર 10 લગાવ્યું હતું. આ તેનું સતત 13મું સુપર 10 છે. તો ગુજરાત માટે રોહિત ગુલિયાએ સુપર 10 પૂરા કરતા 13 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ તે ટીમની હાર બચાવી ન શક્યો. 

દબંગ દિલ્હી આગામી મુકાબલામાં 16 સપ્ટેમ્બરે તેલુગૂ ટાઇટન્સ સામે ટકરાશે. તો ગુજરાતની આગામી મેચ 21 સપ્ટેમ્બરે જયપુર પિંક પેન્થર્સ સામે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news