World Cup 2019: ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે બાંગ્લાદેશી ટાઇગર

બાંગ્લાદેશનો કેપ્ટન મુશરફે મુર્તજા ટીમનો સૌથી મોટો અને અનુભવી ખેલાડી છે. 35 વર્ષના આ ફાસ્ટ બોલરે 208 વનડે મેચ રમી છે. તેને ત્રણ વિશ્વ કપમાં બાંગ્લાદેશ માટે રમવાનો અનુભવ છે.

 World Cup 2019: ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે બાંગ્લાદેશી ટાઇગર

નવી દિલ્હીઃ યુવા અને અનુભવી ખેલાડીઓથી ભરેલી બાંગ્લાદેશની ટીમ વિશ્વકપની દાવેદાર તો નથી, પણ તે સેમીફાઇનલમાં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આઈસીસી ટેસ્ટ દરજ્જો પ્રાપ્ત કોઈ પણ એવી ટીમ નથી જેને બાંગ્લાદેશે પરાજય ન આપ્યો હોય. ભારત, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવા દેશોને તેણે વનડે સિરીઝમાં પરાજય આપ્યો છે. આ ટીમ ત્રણ વખત એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. 2007ના વિશ્વ કપમાં બાંગ્લાદેશે ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. ટીમની સંભાવનાઓનો એક રિપોર્ટ..

સુકાની મુશરફે મુર્તજા જોશથી ભરપૂર
બાંગ્લાદેશનો કેપ્ટન મુશરફે મુર્તજા ટીમનો સૌથી મોટો અને અનુભવી ખેલાડી છે. 35 વર્ષના આ ફાસ્ટ બોલરે 208 વનડે મેચ રમી છે. તેને ત્રણ વિશ્વ કપમાં બાંગ્લાદેશ માટે રમવાનો અનુભવ છે. 2007માં પોતાની ટીમ માટે સૌથી મોટા અપસેટવાળા વિશ્વ કપ મેચમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ટીમને જોશીલું નેતૃત્વ આપવામાં તેનો કોઈ જવાબ નથી. અંતિમ સમય સુધી જોશ સાથે લડવાનો જુસ્સો તેની સૌથી મોટી તાકાત છે. 

મુશફીકુર રહીમ
31 વર્ષનો વિકેટકીપર બેટ્સમેન રહીમને 204 વનડેનો અનુભવ છે. બેટ્સમેનના રૂપમાં તે ટીમને સંભાળે છે તો વિકેટની પાછળ તે ચપળ છે. નાના કદના આ ખેલાડીએ કેટલિક કમાલની ઈનિંગ રમી છે. 2007ના વિશ્વ કપમાં ભારતીય ટીમને બહાર કરાવવામાં તેનો મોટો ફાળો હતો. 

મુસ્તાફિઝુર રહમાન
બાંગ્લાદેશની યુવા સનસની મુસ્તાફિઝુરની ધારદાર બોલિંગની દુનિયા દિવાની છે. આઈપીએલમાં ચમક્યા બાદ વિશ્વભરની ટી20 લીગોમાં તેણે ધમાલ મચાવી હતી. 23 વર્ષના આ બોલરે માત્ર 43 વનડે મેચ રમી છે અને તેમાં 83 વિકેટ ઝડપી છે. 

શાકિબ અલ હસન
વિશ્વભરમાં બીજો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર શાકિબ 2006થી રાષ્ટ્રીય ટીમમાં છે. તે જેટલી જવાબદારીથી બેટિંગ કરે છે, એટલી ચતુરાઇ સાથે વિકેટ પણ ઝડપે છે. 32 વર્ષના આ બેટ્સમેને 198 વનડે મેચોમાં 35ની એવરેજથી સાડા પાંચ હજાર કરતા વધુ રન બનાવ્યા છે. આ સાથે તેણે 248 વિકેટ પણ ઝડપી છે. 

તમીમ ઇકબાલ છે આક્રમક ઈનિંગનો ઉસ્તાદ
ડાબા હાથનો બેટ્સમેન તમીમ કોઈપણ આક્રમણ વિરુદ્ધ ઝડપથી રન બનાવવાની ક્ષમતા રાખે છે. 2011ના વિશ્વ કપમાં તેણે બ્રેટ લી, મિચેલ જોનસન અને વોટસન પર 62 બોલમાં 88 રન ફટકાર્યા હતા. 

રેન્કિંગમાં મજબૂત
7 નંબર પર આઈસીસીની વનડે રેન્કિંગમાં બાંગ્લાદેશની ટીમ. વિશ્વ વિજેતા રહેલી શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ કરતા આગળ. 
2 નંબર પર શાકિબ ઉલ હસન બાંગ્લાદેશનો સૌથી સફળ ઓલરાઉન્ડર
11 નંબર પર બોલરોના રેન્કિંગમાં મુસ્તાફિઝુર રહમાન છે. 16 નંબર પર બેટિંગ રેન્કિંગમાં મુશફીકુર રહીમ. તમીમ ઇકબાલ 20માં સ્થાને. 

બાંગ્લાદેશ ટીમ
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.

આ ખેલાડીઓ પર રહેશે દારોમદાર
બેટ્સમેન 
તમીમ ઇકબાલ
મુશફીકુર રહીમ
મહમદુલ્લાહ

બોલર
મુશરફે મોર્તુજા
મુસ્તાફીઝુર રહમાન
સોબેલ હુસૈન

વિશ્વ કપમાં બાંગ્લાદેશની સફર

1999માં પ્રથમ વખત મળી વિશ્વકપમાં એન્ટ્રી
બાંગ્લાદેશને 1999માં આઈસીસીના એસોસિએટ મેમ્બરના રૂપમાં પ્રથમ વખત વિશ્વકપમાં એન્ટ્રી મળી હતી. તેણે પાંચમાંથી ત્રણ મેચ ગુમાવી, પરંતુ સ્કોટલેન્ડને બરાવ્યા બાદ તેણે અંતિમ મેચમાં 1992ના ચેમ્પિયન પાકિસ્તાનને હરાવીને સનસની મચાવી દીધી હતી. પાકિસ્તાન પર 62 રનની આ ધમાકેદાર જીતથી તેને આગામી વર્ષે આઈસીસીએ ટેસ્ટ રમવાનો દરજ્જો પણ આપી દીધો. 

2003માં રહ્યું ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન
બાંગ્લાદેશનું સૌથી ખરાબ પ્રદર્શન 2003માં રહ્યું. આ વિશ્વકપમાં તેણે પોતાની તમામ પાંચ મેચ ગુમાવી. આ ટૂર્નામેન્ટ પહેલા પણ બાંગ્લાદેશે 26 મેચોમાં પરાજયનો સામનો કર્યો હતો. 

2007માં સુપર આઠ સુધી પહોંચ્યું
બાંગ્લાદેશ 2007માં વિન્ડીઝમાં રમાયેલા વિશ્વકપમાં સુપર-8 સુધી પહોંચ્યું. તેણે નવમાંથી ત્રણ મેચમાં વિજય મળ્યો. તણે ગ્રુપ મેચમાં ભારતને હરાવ્યું હતું. આ વિશ્વ કપમાં તેની સૌથી મોટી જીત રહી. ભારત બહાર થઈ ગયું હતું. બાંગ્લાદેશે સુપર-8માં દક્ષિણ આફ્રિકાને પણ હરાવીને તમામને ચોંકાવી દીધા હતા. 

2011માં પોતાના ઘરમાં રમવાની તક
આ વિશ્વકપમાં બાંગ્લાદેશને પોતાના ઘરમાં રમવાની તક મળી. પરંતુ તેને વધુ ફાયદો ન થયો. તેણે ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને નેધરલેન્ડને હરાવ્યું પરંતુ ભારત, વિન્ડીઝ અને આફ્રિકા સામે હારતા તેને ક્વાર્ટર ફાઇનલની ટિકિટ ન મળી. 

2015માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં રમાયેલા વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ વાર નોકઆઉટ રાઉન્ડ (ક્વાર્ટર ફાઇનલ) સુધી પહોંચી. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે તેને પરાજય આપ્યો હતો. તેણે સાતમાંથી ત્રણ મેચ જીતી અને એક મેચ રદ્દ થયો. આ વિશ્વ કપમાં 14 ટીમો સામેલ હતો. પોતાના પ્રથમ મેચમાં બાંગ્લાદેશે 318 રનના સ્કોરનો પીછો કરતા સ્કોટલેન્ડને હરાવ્યું હતું, જે વિશ્વકપમાં લક્ષ્ય બીજો સૌથી સફળ પીછો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news