IPL 2019, qualifier 2: અય્યરના જોશ પર ભાડે પડ્યો ધોનીનો અનુભવ, ચેન્નઈ ફાઇનલમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે દિલ્હીનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું છે. 
 

IPL 2019, qualifier 2: અય્યરના જોશ પર ભાડે પડ્યો ધોનીનો અનુભવ, ચેન્નઈ ફાઇનલમાં

વિશાખાપટ્ટનમઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શેન વોટસન (50) અને ફાફ ડુ પ્લેસિસ (50)ની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-12ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સેને 6 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે (12 મેએ) હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં તે આઈપીએલના ટાઇટલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. જ્યારે દિલ્હીની યુવા ટીમનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાઇ ગયું છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 19 ઓવરમાં 151 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી. અંબાતી રાયડૂ (20) અને બ્રાવો (4) રન બનાવી અણનમ રહ્યાં હતા. ચેન્નઈની ટીમ 8મી વખત આઈપીએલના ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

ચેન્નઈ આઠમી વખત ફાઇનલમાં
ચેન્નઈ સુપર કિંગ્સે 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018 અને 2019માં ફાઇનલ સુધીની સફર પૂરી કરી છે. જેમાંથી 2010, 2011 અને 2018માં તેણે ટાઇટલ જીત્યું છે. સુપર કિંગ્સને મોટા મેચોમાં રમવાની આદત છે, તે ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ જીતી ચુકી છે. જ્યારે ચાર વખત ધોનીની સેના ઉપ-વિજેતા રહી ચુકી છે. 

ચેન્નઈના બંન્ને ઓપનરોએ ફટકારી અડધી સદી 
149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ફાફ ડુ પ્લેસિસે વધુ આક્રમક બેટિંગ કરી હતી. બંન્નેએ પ્રથમ પાવરપ્લેમાં 42 અને પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 50 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. બાઉન્ડ્રી પર કીમો પોલે તેનો કેચ ઝડપ્યો હતો. ચેણે 39 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ફાફ આઉટ થયા બાદ શેન વોટસને આક્રમણ શરૂ કર્યું હતું અને પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોટસન 32 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 50 રન ફટકારીને અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. 

ચેન્નઈને સુરેશ રૈનાના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. રૈના 13 બોલમાં 11 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એમએસ ધોની 9 બોલમાં 9 રન બનાવી ઈશાંત શર્માની બોલિંગ આઉટ થયો હતો. 

પંત દિલ્હીનો હાઇ-સ્કોરર
રિષભ પંત ફરી આજે દિલ્હી તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 25 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તેને ઈનિંગની 19મી ઓવરમાં દીપક ચહરે ડ્વેન બ્રાવોના હાથે કેચ કરાવીને ડગઆઉટમાં પરત મોકલી આપ્યો હતો. 

દિલ્હીના બંન્ને ઓપનરો ફેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. એલિમિનેટર મેચનો હીરો પૃથ્વી શો (5) રન બનાવી દીપક ચહરનો શિકાર બન્યો હતો. ઈનિંગની ત્રીજી ઓવરમાં દીપકે તેને LBW આઉટ કરીને ચેન્નઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હરભજન સિંહે ઈનિંગની છઠ્ઠી ઓવરમાં શિખર ધવન (18)ને આઉટ કરીને ચેન્નઈને મોટી સફળતા અપાવી હતી. ધવને 14 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી ફટકારી હતી. આ દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા. 

મુનરો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
પૃથ્વી શો આઉટ થયા બાદ આજે કોલિન મુનરો ક્રીઝ પર આવ્યો હતો. તે પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈનિંગની 9મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા મુનરો (27)ને ડ્વેન બ્રાવોના હાથે કેચઆઉટ કરાવીને દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો હતો. મુનરોએ 24 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મુનરો આઉટ થયા બાદ ઇમરાન તાહિરે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર (13)ને સુરેશ રૈનાના હાથે કેચ આઉટ કરાવીને દિલ્હીને વધુ એક ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ડ્વેન બ્રાવોએ અક્ષર પટેલ (3)ને તાહિરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. દિલ્હીએ 80 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી.  

કીમો પોલ અને રદરફોર્ડ ફ્લોપ
વેસ્ટ ઈન્ડીઝના બે યુવા ખેલાડીઓ કીમો પોલ અને શેફરને રદરફોર્ડ પણ પંતનો સાથ આપવામાં નિષ્ફળ રહ્યાં હતા. રદરફોર્ડ (10)ને હરભજન સિંહે વોટસનના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ કીમો પોલ (3)ને બ્રાવોએ બોલ્ડ કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ડ (6)ને જાડેજાએ બોલ્ડ કર્યો હતો. 

ચેન્નઈના 4 બોલરોએ ઝડપી 2-2 વિકેટ
ચેન્નઈ તરફથી દીપક ચહર, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરને એક સફળતા મળી હતી. હરભજને શેરફેન રદરફોર્ડના રૂપમાં આઈપીએલમાં પોતાની 150મી વિકેટ પૂરી કરી હતી. તે આઈપીએલમાં 150થી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર છે. આ પહેલા લસિથ મલિંગા (169 વિકેટ) અને અમિત મિશ્રા (156 વિકેટ) આ સિદ્ધિ પોતાના નામે કરી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news