INDvsBAN: બાંગ્લાદેશે ભારતની સામે મેળવી પ્રથમ ટી20 જીત, કોટલામાં 7 વિકેટે હરાવ્યું
દિલ્હી ટી20 મેચમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બાંગ્લાદેશે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ભારતને સાત વિકેટે પરાજય આપીને ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ભારતનો પ્રથમ પરાજય છે. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી 8 મેચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે મુશફિકુર રહીમ (60*)ની શાનદાર બેટિંગની મદદથી 19.3 ઓવરમાં 3 વિકેટે ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે 3 મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 7 નવેમ્બરે રાજકોટમાં રમાશે.
બાંગ્લાદેશની ઈનિંગ, રહીમ પડ્યો ભારે
મેચની બીજી ઈનિંગમાં ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરે પોતાની ટીમને ઝડપથી સફળતા અપાવી હતી. તેણે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને 7 રન પર આઉટ કર્યો હતો. મહેમાન ટીમે પ્રથમ વિકેટ 8 રનના સ્કોર પર ગુમાવી હતી. મહેમાન ટીમને બીજો ઝટકો મોહમ્મદ નઈમના રૂપમાં લાગ્યો તે 26 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. બાંગ્લાદેશને ત્રીજો ઝટકો સૈમ્ય સરકારના રૂપમાં લાગ્યો હતો. સરકારને 39 રનના સ્કોર પર ખલીલ અહમદે બોલ્ડ કર્યો હતો. મુશફિકુર રહીમે 43 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 60 રન ફટકાર્યા હતા. મહમૂદુલ્લાહ 7 બોલમાં 1 ચોગ્ગો અને એક છગ્ગા સાથે 15 રન બનાવી અણનમ રહ્યો હતો.
ભારતની ઈનિંગ
ભારતીય ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો જે માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. રાહુલ 17 બોલમાં 15 રન બનાવી અમિનુલ ઇસ્લામના બોલ પર કેચ આઉટ થયો હતો. ભારતીય ટીમને ત્રીજો ઝટકો શ્રેયસ અય્યરના રૂપમાં લાગ્યો જે 22 રન બનાવી અમીનુલ ઇસ્લામનો શિકાર બન્યો હતો.
શિખર ધવનના રૂપમાં ભારતીય ટીમે ચોથી વિકેટ ગુમાવી હતી. ધવન 41 રન બનાવી આઉટ થયો હતો. યજમાન ટીમે શિવમ દુબેના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. તે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંતે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમ માટે વોશિંગટન સુંદર અને ક્રુણાલ પંડ્યાએ અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવીને ટીમ ઈન્ડિયાનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. સુંદરે 2 છગ્ગાની મદદથી 5 બોલમાં 14 રન બનાવ્યા તો પંડ્યાએ એક ચોગ્ગા અને એક છગ્ગાની સાથે 8 બોલ પર 15 રનની ઈનિંગ રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે