World Cup 2019 ENGvsAUS: બેહરેનડોર્ફ-સ્ટાર્કની બોલિંગ સામે ઈંગ્લેન્ડ ધરાશાયી, ઓસિ સેમીમાં

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વકપ-2019ની 32મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

World Cup 2019 ENGvsAUS: બેહરેનડોર્ફ-સ્ટાર્કની બોલિંગ સામે ઈંગ્લેન્ડ ધરાશાયી, ઓસિ સેમીમાં

લંડનઃ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વકપ-2019ની 32મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વિશ્વકપ-2019ની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્સની સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફે 44 રન આપીને પાંચ તથા સ્ટાર્કે 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના 7 મેચોમાં 6 જીત સાથે 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે ઈંગ્લેન્ડની સેમીફાઇનલની રાહ વધુ મુશ્કેલ બની ગઈ છે. 

આ પહેલા જેસન બેહરેનડોર્ફે પહેલી ઓવરના બીજા બોલ પર જેમ્સ વિન્સને બોલ્ડ કરી દીધો. ત્યારબાદ મિશેલ સ્ટાર્કે જો રૂટને LBW આઉટ કર્યો હતો. રૂટે 8 રન બનાવ્યા હતા. ઇયોન મોર્ગન 4 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટાર્કની બોલિંગમાં પેટ કમિન્સને કેચ આપી બેઠો હતો. જોની બેયરસ્ટોને જેસન બેહરેનડોર્ફે આઉટ કર્યો હતો. તેણે 27 રન બનાવ્યા હતા. સ્ટોક્સે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે જોસ બટલર સાથે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બટલર 25 રન બનાવીને સ્ટોઇનિસની બોલિંગમાં આઉટ થયો હતો. 

ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન ફિન્ચે સદી ફટકારી હતી. આ સિવાય ડેવિડ વોર્નરે 53 રનનું યોગદાન આપ્યું હતું. 

ડેવિડ વોર્નર 53 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આ વિશ્વકપમાં પોતાના 500 રન પૂરા કર્યાં છે. તે આ આંકડા સુધી પહોંચનારો પ્રથમ બેટ્સમેન છે. વોર્નરે આ વિશ્વકપમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે ફિન્ચની સાથે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. ઉસ્માન ખ્વાજા 23 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો હતો. તેણે ફિન્ચ સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. 

વોર્નર આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના 7 મેચોમાં 500 રન છે. તો બીજા નંબરે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન છે. તેણે 6 મેચોમાં 476 રન બનાવ્યા છે. 

એરોન ફિન્ચે આ વિશ્વકપમાં પોતાની બીજી સદી ફટકારી હતી. તે 116 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલ (12) રન પર માર્ક વુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ માર્કસ સ્ટોઇનિસ 8 રન બનાવી રનઆઉટ થયો હતો. 

સ્ટીવ સ્મિથ (38)ને ક્રિસ વોક્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 34 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. પેટ કમિન્સ (1) રન બનાવી આઉટ થયો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી વોક્સે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય જોફ્રા આર્ચર, મોઇન અલી, માર્ક વુડ અને બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી હતી. 

પ્લેઇંગ- XI 
ઈંગ્લેન્ડ- જોની બેયરસ્ટો, જેમ્સ વિન્સ, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ. 

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, જેસન બેહરનડોર્ફ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન.

ટાઇટલની પ્રબળ દાવેદાર મનાઇ રહેલી યજમાન ટીમે હવે અંતિમ-4મા પોતાની જગ્યા પાક્કી કરવા માટે બાકી ત્રણમાંથી બે મેચ જીતવી પડશે. ઈંગ્લેન્ડ માટે આ કામ સરળ નથી કારણ કે તેણે ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ અને ભારતનો સામનો કરવાનો છે. છેલ્લા 27 વર્ષોમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મેચ જીતી શકી નથી. 

બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તે છ મેચોમાં પાંચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના ઓપનિંગ બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. 

ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કના નેતૃત્વમાં બોલરોએ પણ સારૂ પ્રદર્શન કરતા મહત્વના સમયે વિકેટ ઝડપી છે. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસની વાપસીએ ઓસ્ટ્રેલિયાને વધુ મજબૂત બનાવી છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનું હાલનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી 10 મેચોમાંથી 9માં હારનો સામનો કરવો પડ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news