Asia Cup 2023 Super 4: ભારત Vs પાકિસ્તાનની આ મેચ પણ થઈ જશે રદ્દ! ટીમ ઈન્ડિયા માટે ઊભી થશે મોટી મુશ્કેલી, જાણો કઈ રીતે
India vs Pakistan, Asia Cup 2023 Super 4: હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. એશિયા કપમાં ગઈ કાલે વરસાદના કારણે બંધ રહેલી મેચ આજે રિઝર્વ ડે પર રમાવવાની છે. પરંતુ એવું લાગે છે કે કદાચ આજે પણ મનસૂબાઓ પર પાણી ફરી વળશે.
Trending Photos
IND vs PAK, Asia Cup 2023 Super 4 Reserve Day: ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023ના પોતાના સુપર 4ની પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ દમદાર શરૂઆત કરી પરંતુ મેચે મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ અને વરસાદના કારણે મેચ રિઝર્વ ડે પર ગઈ. રમત અટકી ત્યારે ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન કરી ચૂકી હતી. હવે આ મુકાબલો આજે રિઝર્વ ડે પર પૂરો કરાવવાના પ્રયત્નો થશે. પણ કોલંબોનું હવામાન કઈંક અલગ જ કહી રહ્યું છે. એશિયા કપ 2023ના રિઝર્વ ડેના નિયમ મુજબ આ મેચ આજે એ જ સમયે એટલે કે બપોરે 3 વાગે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.
આ મેચને વનડેનો દરજ્જો મળે તે માટે બંને ઈનિંગમાં ઓછામાં ઓછાી 20 ઓવર પૂરી થાય તે જરૂરી છે નહીં તો ભારત અને પાકિસ્તાન બંનેને મેચ રદ થવાની સ્થિતિમાં 1-1 પોઈન્ટ મળશે. એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરના રોજ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ગ્રુપ એની એક મેચ પહેલેથી જ ધોવાઈ ચૂકી છે.
કેવી છે આજના હવામાનની સ્થિતિ
કોલંબોમાં આજે હવામાન મેચ રમાઈ શકે તેના પક્ષમાં જોવા મળી રહ્યું નથી. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે અને વરસાદ પડવાની શક્યતા 97 ટકા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે બપોરે 3 વાગે મેચ શરૂ થશે ત્યારે હવામાં 81 ટકા ભેજ રહેવાનું અને 99 ટકા વાદળ છવાયેલા રહે તેવું અનુમાન છે. બપોરે 17.9મિમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. સાંજ સુધીમાં વરસાદની શક્યતા 80 જેટલી ઓછી થઈ જશે પરંતુ ત્યાં સુધીમાં 100 ટકા વાદળો છવાઈ જશે.
અત્રે જણાવવાનું કે કોલંબોમાં રવિવારે વરસાદના કારણે મેચમાં 4 કલાક વિધ્ન પડ્યું હતું. આજે બધુ પાર પડશે તો ભારત ગઈ કાલે જ્યાં રમત અટાકવી દેવાઈ હતી ત્યાંથી આજે રમવાનું શરૂ કરશે એટલે કે બપોરે 3 વાગે ભારત 2 વિકેટે 147 રનના સ્કોરથી આગળ વધવાનું શરૂ કરશે.
પાકિસ્તાનની બોલિંગને કરી કડડભૂસ!
અત્રે જણાવવાનું કે ભારતે ગઈ કાલે મેચ શરૂ થઈ ત્યારે તેના બંને ઓપનરો રોહિત શર્મા અને શુભમન ગિલની તાબડતોડ ઈનિંગની મદદથી 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન કરી લીધા હતા. ત્યારબાદ મેચ વરસાદના કારણે અટકી હતી. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 56 રન કર્યા જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રન કર્યા. જેમાં 10 ચોગ્ગા સામેલ છે. બંને બેટર્સની આ ટુર્નામેન્ટમાં આ સતત બીજી અડધી સદી છે. આ અગાઉ રોહિત શર્મા અને ગિલ નેપાળ વિરુદ્ધ અડધી સદી ફટકારીને અણનમ રહ્યા હતા. ટીમે આ મેચ 10 વિકેટથી જીતી હતી.
વરસાદના કારણે જ્યારે મેચ અટકાવી દેવાઈ ત્યારે કે એલ રાહુલ 17 રન અને વિરાટ કોહલી 8 રન સાથે રમતમાં હતા. રિઝર્વ ડે પર આ બંને બેટર ઈનિંગ આગળ ધપાવશે.
મેચ પૂરી ન થઈ તો?
જો મેચ પૂરી ન થઈ તો તેવી સ્થિતિમાં બંને ટીમને 1-1 અંક મળશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ ઝટકો સાબિત થઈ શકે છે. કોલંબોમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. આવામાં જો સુપર 4ની બચેલી અન્ય મેચો પણ રદ થાય તો ભારતીય ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનની મેચ જો વરસાદના કારણે રદ થાય તો પાકિસ્તાનના 2 મેચમાં 3 અંક થશે. સુપર 4માં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતના એક મેચમાં એક અંક રહેશે. હજુ શ્રીલંકાના એક મેચમાં 2 અંકર અને બાંગ્લાદેશના 2 મેચ બાદ શૂન્ય અંક છે. જો સુપર 4ની અન્ય મેચો પણ ધોવાઈ જાય તો આ સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકાના 3-3 મેચ બાદ 4-4 અંક થઈ જશે.
ટીમ ઈન્ડિયાના 3 મેચ બાદ 3 તો બાંગ્લાદેશના 3 મેચ બાદ એક અંક રહેશે. આવામાં શ્રીલંકા અને પાકિસ્તાનને ફાઈનલની ટિકિટ મળી શકે છે. ફાઈનલ પણ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવવાની છે. જો ફાઈનલ પણ વરસાદના કરાણે ન રમાઈ શકે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. એશિયા ક પના 39 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કોઈ પણ ટુર્નામેન્ટમાં સંયુક્ત વિજેતા જોવા મળ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે