IND vs SL: શ્રીલંકાને હરાવી ભારત એશિયા કપની ફાઈનલમાં, કુલદીપ યાદવની 4 વિકેટ

Asic Cup 2023: ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતે સતત 13 મેચથી વિજય મેળવતી શ્રીલંકન ટીમનો વિજય રથ રોકી દીધો છે. 

IND vs SL: શ્રીલંકાને હરાવી ભારત એશિયા કપની ફાઈનલમાં, કુલદીપ યાદવની 4 વિકેટ

કોલંબોઃ પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકાને હરાવી સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને લો-સ્કોરિંગ મેચમાં 41 રને જીત મળી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી. 

ઓપનરોએ અપાવી સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં બંનેએ ધમાકેદાર બેટિંગ કરતા 65 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ આઉટ થતા આ ભાગીદારી તૂટી હતી. 

શ્રીલંકન યુવા સ્પિનરનો કમાલ
ઓપનરોની સારી શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો. શ્રીલંકાના 20 વર્ષીય યુવા સ્પિનર વેલાલાગેએ ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વેલાલાગેએ પહેલા ગિલ (19) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી (3) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અડધી સદી ફટકારી વેલાલાગેનો શિકાર બન્યો હતો. 

ભારતે 91 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેએલ રાહુલ (39) અને ઈશાન કિશન (33) વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી થઈ હતી. રાહુલને વેલાલાગાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈશાન કિશન અસલંકાની ઓવરમાં કેચઆઉટ થયો હતો. દુનિથ વેલાલાગેએ હાર્દિક પંડ્યાને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ યુવા સ્પિનરે 10 ઓવરમાં 40 રન આપી પાંચ સફળતા મેળવી હતી. 

રવીન્દ્ર જાડેજા પણ માત્ર 4 રન બનાવી અસલંકાનો શિકાર બન્યો હતો. બુમરાહ અને કુલદીપને અસલંકાએ સતત બોલમાં આઉટ કરી પેવેલિયન મોકલી આપ્યા હતા. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પથુમ નિસાંકા 6 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ દિમુથ કરૂણારત્ને 2 રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. કુસલ મેન્ડિસે 15 રન ફટકાર્યા હતા. તે પણ બુમરાહનો શિકાર બન્યો હતો. સમરવિક્રમાએ 17 રન બનાવ્યા હતા. અસલંકા 22, ધનજંય ડિ સિલ્વા 41 અને કેપ્ટન સનાકા 9 રન બનાવી આઉટ થયો હતો. 

દિનુથ વેલાલાગે 42 રન બનાવી અણનમ રહ્યો હતો. મહેશ તીક્ષ્ણા 2, કુસન રજીથા 1 અને મહેશા પથિરાના 0 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 43 રન આપી ચાર વિકેટ લીધી હતી. જાડેજા અને બુમરાહને બે-બે સફળતા મળી હતી. સિરાજ અને હાર્દિક પંડ્યાના ખાતામાં પણ એક-એક વિકેટ આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news