ભારતનો સતત બીજો વિજય, ટી20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ

બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

ભારતનો સતત બીજો વિજય, ટી20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ

 ફ્લોરિડાઃ  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સિરીઝના બીજા મુકાબલામાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 69 રનથી પરાજય આપીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની અડધી સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા ત્યારે ખરાબ પ્રકાશને કારણે મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ રમત શક્ય ન બનતા ભારતનો ડકવર્થ-લુઇસ નિયમ પ્રમાણે 22 રને વિજય થયો હતો. મહત્વનું છે કે, પ્રથમ ટી20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. 

168 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડીઝ ટીમને પ્રથમ ઝટકો ઈવન લુઈસના રૂપમાં લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે પોતાના બોલ પર લુઇસને શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરના અંતિમ બોલ પર વોશિંગટન સુંદરે સુનીલ નરેનને 4 રન પર બોલ્ડ કરીને વિન્ડીઝને બીજો ઝટકો આપ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ઝટકો નિકોલસ પૂરનના રૂપમાં લાગ્યો હતો. નિકોલસ પૂરન 34 બોલમાં 19 રન બનાવીને ક્રુણાલ પંડ્યાના બોલ પર મનીષ પાંડેના હાથે કેચઆઉટ થયો હતો. આ ઓવરના પાંચમાં બોલ પર ક્રુણાલ પંડ્યાએ રોમેન પોવેલને પણ ફસાવ્યો હતો. પોવેલ 54 રન બનાવી LBW આઉટ થયો હતો. 

વેસ્ટ ઈન્ડિઝે બે વિકેટ ગુમાવ્યા બાદ રોમેન પોવેલ અને નિકોલસ પૂરને સંભાળી અને બંન્નેએ 76 રનની ભાગીદારી કરી હતી. રોમેન પોવેલે 30 બોલમાં પોતાની ટી20 કરિયરની બીજી અડધી સદી પૂરી કરી હતી. પોવેલે આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 

ભારતની ઈનિંગનો રોમાંચ
રોહિત શર્મા (67)ની અડધી સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્મા અને શિખર ધવન (23)એ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. ધવને 16 બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તેને કીમો પોલે બોલ્ડ કર્યો હતો. ધવન આઉટ થયા બાદ રોહિતે કેપ્ટન વિરાટ કોહલી (28)ની સાથે પણ બીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. 

રોહિત ટીમના 115 સ્કોર પર ઓશાને થોમસના બોલ પર આઉટ થયો હતો. રોહિતે 51 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા તથા પોતાના કરિયરની 17મી અડધી સદી ફટકારી હતી. રોહિત આ સાથે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે મેચમાં બીજો છગ્ગો ફટકારવાની સાથે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી દીધો હતો. રોહિત હવે  ગેલના(105 છગ્ગા)થી આગળ નિકળી ગયો છે. ગેલે પરંતુ 58 મેચમાં આટલી સિક્સ ફટકારી છે. 

રોહિત આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા રિષભ પંતે એકવાર ફરી નિરાશ કર્યા અને માત્ર ચાર રન બનાવી આઉટ થયો હતો. તે આઉટ થયા બાદ મનીષ પાંડે પણ છ રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ક્રુણાલ પંડ્યા અને જાડેજાએ આક્રમક બેટિંગ કરતા છઠ્ઠી વિકેટ માટે 24 રનની અણનમ ભાગીદારી કરી અને ભારતનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો. 

ભારતે અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. ક્રુણાલે 13 બોલ પર બે છગ્ગાની મદદથી અણનમ 20 અને જાડેજાએ ત્રણ બોલમાં એક છગ્ગાની મદદથી 9 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓશાને થોમસ અને શેલ્ડન કોટરેલે બે-બે તથા કીમો પોલે એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news