Parshuram Jayanti: વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે કેમ કર્યો હતો 21 વખત ક્ષત્રિયોના વંશનો વધ, જાણો રોચક કથા
આજે વિષ્ણુ ભગવાનના અવતાર અને મહાદેવના શિષ્ય એવા ભગવાન પરશુરામની જયંતી છે. ત્યારે ભગવાન પરશુરામ વિશેની કથા પણ જાણવા જેવી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. પરશુરામ જયંતી દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામએ મહાદેવના શિષ્ય બનીને કઠોર તપસ્યા કરીને તેમની પાસે ધનુષ્ય વિદ્યા શીખી હતી. ત્યાર બાદ મહાદેવે તેમને પરશુ નામના ઘાતક અસ્ત્રની ભેટ આપી હતી. અને કહ્યું હતુંકે, આ પરશુનો ઘા કોઈ દિવસ ખાલી નહીં જાય. બસ એ સાથે મહાદેવે તેમનું નામ બદલીને તેમને પરશુરામ નામ આપ્યું હતું. વિષ્ણુ પુરાણમાં ભગવાનના અલગ અલગ અવતારોની વાત કરવામાં આવી છે. જેમાં પરશુરામ અવતારનું પણ સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું.
પરશુરામજીને લગતી ઘણી કથાઓ છે, જેમાંથી એક કથા અનુસાર ભગવાન પરશુરામે 21 વાર ક્ષત્રિય કુળનો સર્વનાશ કર્યો હતો. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પૌરાણિક કથા અનુસાર, પરશુરામે ક્ષત્રિય કુળનો નાશ કર્યો ન હતો, પરંતુ હૈહય વંશનો વિનાશ કર્યો હતો.
પૌરાણિક કથા અનુસાર, હૈહય રાજવંશના રાજા સહસ્ત્રાર્જુન પોતાના બળ અને ઘમંડને કારણે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો પર અત્યાચાર કરતો હતો. એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સાથે પરશુરામજીના પિતાના આશ્રમમાં પહોંચ્યા. મુનિએ ચમત્કારિક કામધેનું ગાયનું દૂધ આપીને રાજા સહિત તમામ સૈનિકોની ભૂખ શાંત કરી.
કથા અનુસાર કામધેનુંના ચમત્કારથી પ્રભાવિત થઈ રાજા સહસ્ત્રાર્જુનને લાલચ થઈ અને બળપૂર્વક ભગવાન પરશુરામના પિતા પાસેથી તેમની ગાય છીનવી લીધી. ભગવાન પરશુરામને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે રાજાનો વધ કર્યો. એવું કહેવામાં આવે છે કે, રાજા સહસ્ત્રાર્જુનના પુત્રોએ તેમના પિતાનો બદલો લેવા ભગવાન પરશુરામના પિતાનો વધ કર્યો હતો. પતિના વિયોગમાં ભગવાન પરશુરામની માતા સતી થયા હતા. એવું માનવામાં આવે છે કે, પિતાના શરીર પરના 21 ઘાને જોઇ ભગવાન પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે, તેઓ આ વંશનો નાશ કરશે. આથી જ ભગવાન પરશુરામે 21 વખત હૈહય રાજવંશનો અંત કર્યો.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ZEE News આની પુષ્ટિ આપતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે