નર્મદા નદીની પરિક્રમાનો સમય આવી ગયો, આ તારીખથી શરૂ થશે, એક મહિના સુધી ચાલશે
Narmada Parikrama : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોઈ મા નર્મદાની પરિક્રમાનો સમય આવી ગયો, નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે
Trending Photos
Maa Narmada : ચૈત્ર નવરાત્રિ શરૂ થતી હોઈ ગુજરાતની પવિત્ર નદી મા નર્મદાની ફરી એકવાર પરિક્રમા કરવાનો સમય આવી ગયો છે. આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સરસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત રહેશે, આ પરિક્રમા ૮મી એપ્રિલથી ૮મી મે, ૨૦૨૪ સુધી એક મહિનો ચાલશે. પરિક્રમાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પ્રારંભ કરે અને પૂર્ણ કરે તેવી અપીલ કરાઈ છે. આ માટે નર્મદા પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંયુક્ત વહીવટી તંત્ર ટીમ દ્વારા રામપુરા-શહેરાવ-રેંગણઘાટ પર કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી અને પરિક્રમાવાસીઓને છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ અને પગપાળા પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું રૂબરુ નિરિક્ષણ કર્યું હતુ.
માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાંક સૂચનો કર્યા હતા.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ પરિક્રમા ૮મી એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય. વહીવટી તંત્ર દ્વારા પુરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પુરતો સહયોગ આપશે તેેમ પણ જણાવ્યું હતું.
ચૈત્ર મહિનાની પરિક્રમા એટલે નાની પરિક્રમા
સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. ત્યારે જ્યાંથી માં નર્મદા ઉત્તરવાહિની થાય છે, એટલે કે નાંદોદ તાલુકાના રામપુરા કીડીમકોડી ઘાટની ચૈત્ર માસની એકમથી ચૈત્ર માસની અમાસ સુધી એટલે કે 30 દિવસ આ પરિક્રમા કરવામાં આવે છે. જેને નર્મદા નદીની નાની પરિક્રમા કહેવામાં આવે છે. આ પરિક્રમાની શરૂઆત 8 એપ્રિલથી થશે. મોટી સંખ્યામાં લોકો મા રેવાની પરિક્રમા માટે નીકળી પડે છે. એક મહિનાના સમયગાળામાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળે છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.
શું છે નાની પરિક્રમા અને મોટી પરિક્રમા
આ પરિક્રમાના રૂટની વાત કરીયે તો, રામપુરા ગામથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરા, માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણ-વાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીયે ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ ગણાઈ છે. જ્યારે મોટી પરિક્રમા એટલે કે અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા શરૂ થતી હોઈ છે. જો આ કરવી હોઈ તો 36 હજાર 600 કિલોમીટરની પરિક્રમા છે. જેને પુરી કરતા લગભગ 3 વર્ષ અને 6 મહિના જેટલો સમય લાગે છે.
ચૈત્ર મહિનાની પરિક્રમાનું મહત્વ
જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતા લગભગ 5 થી 7 કલાકનો સમય લાગે છે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો લાભ ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ લઈ રહ્યા છે.
આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે