જુનાગઢના ભવનાથના મેળા માટે સંતોની જાહેરાત : વિધર્મીઓની બગ્ગીમાં નહિ નીકળે રવેડી

Mahashivratri 2024 : માર્ચ મહિનામાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે, જેને હવે માંડ એક મહિનો માંડ બાકી છે. પણ તંત્રમાં જોઈએ એવો સળવળાટ ન દેખાતાં ભૂતનાથનાં મહંત મહેશગીરીજીની આગેવાની નીચે ભવનાથમાં વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરે એક બેઠકનું આયોજન કરાયું હતું 

જુનાગઢના ભવનાથના મેળા માટે સંતોની જાહેરાત : વિધર્મીઓની બગ્ગીમાં નહિ નીકળે રવેડી

Junagadh News : 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો પર્વ છે. આ પર્વ શિવભક્તો માટે ખાસ ગણાય છે. ત્યારે જુનાગઢના ભવનાથનો મેળો ભક્તો માટે અનેરું મહત્વ ધરાવે છે. અહીં મહાશિવરાત્રીએ દૂરદૂરથી ભક્તો આવે છે. ત્યારે સાધુ સંતો દ્વારા શિવરાત્રિને મેળો લઇ ખાસ બેઠકનું આયોજન કરાયુ હતું. જેમાં મહાશિવરાત્રી મેળામાં સાધુ સંતોને થતી મુશ્કેલી, અન્નક્ષેત્રો ચલાવવામાં પડતી મુશ્કેલી, લોકોને થતી અગવડ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. વહીવટી તંત્રને સમસ્યાઓનો ઉકેલ કરવા નિર્ણય લેવાયો હતો. સાધુ સંતોના સૂચનોને જૂનાગઢના ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ તેમજ અગ્રણીઓએ માન્ય રાખ્યા હતા. તેમજ કેટલાક મહત્વના નિર્ણયો પણ આ વર્ષના ભવનાથના મેળા માટે લેવામાં આવ્યા છે. 

અન્નક્ષેત્રોમાં સામાન માટે મેળામાં વાહનોની અવરજવર વધુ હોય છે, તેથી આ અવરજવર ઓછી થાય એ માટે નિર્ણય લેવાયો કે, સરકાર દ્વારા ટેમ્પરરી ગોડાઉન ઉભુ કરાશે. જેમાં ગેસ સિલિન્ડર, કાચી સામગ્રી, શાકભાજી મળી રહેશે. આ ઉપરાંત ઈમરજન્સી માટે ભવનાથથી બહાર સુધી જવા વૈકલ્પિક રસ્તો રાખવો. અધિકારીઓની ગાડી પરિવારો માટે વારંવાર આવજા ન કરે તેના પર ખાસ નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું કે, સાધુ સંતો વિધર્મી લોકોની બગીઓમાં બેસી રવેડીમાં નહિ નીકળે. આખા મેળામાં સ્પીકર મૂકી ધાર્મિક સંગીત જ વગાડવામાં આવશે. આ ઉપરાંત સાધુ સંતોએ કેટલીક માંગ કરી કે, મેળાની વ્યવસ્થા માટે કોઈ અનુભવી અધિકારીની નિમણુંક કરવામાં આવે. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં યોગ્ય પોલીસ સુરક્ષા આપવામાં આવે. તેમજ ભવનાથના મેળા દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને બોલાવવામાં આવે. 

આ ઉપરાંત ‘આઈ લવ girnar’ નામે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવે છે. જેથી ભવનાથમાં આવનારા ભક્તો તેનો લાભ લઈ શકે. કુંભ મેળાની જેમ સાધુ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે. તેમજ પાણી, સ્વચ્છતા અને ટોઇલેટની સુવિધા ઠેર ઠેર ઊભી કરવામાં આવે જેથી ગંદકી ન ફેલાય. આમ, સાધુ સંતોની આ પ્રકારની માંગો અને અપેક્ષાઓને વહીવટી તંત્ર સુધી પહોંચાડવા સત્તાધીશોએ બાંહેધરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news