વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો

Madhya Pradesh Tourism: મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે. 

વર્ષે 4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન, કોરિડોર બન્યા પછી શ્રદ્ધાળુઓનો વધ્યો ઘસારો

Mahakal Temple: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. જે ભારતના નક્શામાં વચ્ચે મધ્યમાં આવેલ છે.આ મંદિર સિપ્રા નદીના કિનારે આવેલું છે. આ જ્યોતિર્લિંગની જળાધારી દક્ષિણ દિશામાં આવેલી છે જે અન્ય તમામ જ્યોતિર્લિંગથી વિપરીત છે. અન્ય તમામ જ્યોતિલિંગની જળાધારી ઉત્તર દિશામાં હોય છે.  મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ ભગવાન શિવજીના બધા જ્યોતિર્લિંગમાં સૌથી અદભૂત સ્વરૂપ ગણાય છે. ત્યાં થતી ભસ્મ આરતીની મહિમા સૌથી વધારે છે. જે એક અદભૂત આકર્ષણ જગાવે છે. મંદિરમાં થતા ભગવાનનો શણગાર દર્શન પણ અતિ અદભૂત છે. જ્યાં લોકો સંપૂર્ણ શ્રદ્ધાથી દેશ-વિદેશથી આવે છે. 

4 કરોડ લોકો કરે છે મહાકાલના દર્શન
સમગ્ર વર્ષ દરમ્યાન 4 કરોડ લોકો ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે. મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના અંદાજે 90 હજાર લોકો ઉજ્જૈનની મુલાકાત લે છે. જેનો આંકડો અગાઉ 15 હજાર સુધીનો હતો. એટલે મહાકાલ કોરિડોર બન્યા પછી દરરોજના 75 હજાર શ્રદ્ધાળુ વધુ દર્શને આવે છે. શ્રાવણ માસ અને વાર-તહેવાર પર અંદાજે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉજ્જૈનમાં દર્શને આવે છે. આ વર્ષે ગતવર્ષની સરખામણીએ આ આંકડો વધવાની આશા છે. 

મહાકાલ કોરિડોર છે નવું આકર્ષણ
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર ખાતે મહાકાલ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. આ કોરિડોરની કુલ લંબાઈ 900 મીટરથી વધુ છે અને તેમાં બે ભવ્ય પ્રવેશદ્વાર નંદી દ્વારા અને પિનાકી દ્વારા આવેલા છે. આ કોરિડોરમાં કુલ 108 થાંભલા છે. જેના પર ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ બનાવવામાં આવી છે. આ કોરિડોરને સુંદર લાઇટિંગ અને શિલ્પોથી શણગારવામાં આવ્યો છે. મહાકાલ કોરિડોરમાં દેશનો પહેલો નાઇટ ગાર્ડન પણ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં ભગવાન શિવ સાથે સંબંધિત 200 જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

ઉજ્જૈનના છે વિવિધ નામ
પુરાણો મુજબ ઉજ્જૈનના ઘણા નામ છે  જેમ કે ઉજ્જૈની, પ્રતિકલ્પ, પદ્માવતી, અવંતિકા, ભોગવતી, અમરાવતી, કુમુદવતી, વિશાલા, કુશસ્થતિ વગેરે. શહેર અવંતિ જનપદની રાજધાની બન્યું અને તેથી તે અવંતિકાપુરી તરીકે ઓળખાય છે. ભસ્મ આરતી છે મુખ્ય આકર્ષણ ભસ્મ આરતી એ એક ખાસ પ્રકારની આરતી છે જે ઉજ્જૈનમાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન (સૂર્યોદયના લગભગ બે કલાક પહેલા) કરવામાં આવે છે. પૂજારીઓ પવિત્ર મંત્રોનો જાપ કરતી વખતે દેવતાને પવિત્ર રાખ (ભસ્મ) અર્પણ કરે છે. આરતી સ્પંદનો બનાવે છે જે ભક્તોને તેમની સમક્ષ પરમાત્માની હાજરીનો અહેસાસ કરાવે છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિગની કથા
અવંતી નગરી એટલે હાલની ઉજ્જૈન નગરીમાં એક વિદ્ધાન અને વેદોના જાણકાર બ્રાહ્મણએ વેદપ્રિય રહેતા હતા. તે શિવપૂજા સર્વકાળ આસક્ત હતા. તેઓને ચાર પુત્રો હતા. તે સમયે રત્નામાલા પર્વત પર દૂષણ નામક એક અસુર રહેતો હતો જેને ભગવાન બ્રહ્માએ અજેય થવાનું વરદાન આપ્યું હતું. તેને સમગ્ર વિશ્વમાં ધર્મનો નાશ કરવાનું અને બ્રાહ્મણોને મારવાનું શરૂ કર્યું. તેણે વેદધર્મો તથા સ્મૃતિધમોનેનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ રાક્ષસે પોતાના દૈત્યો દ્વારા અધર્મનો ફેલાવો કરવાનું શરૂ કર્યું. 

બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાત જોઈ ખુબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું આપણી પાસે દૈત્યોનો સામનો કરવા કોઈ સૈના નથી તેથી આપણે સૌ શિવજીની પુજનમાં મગ્ન થઈ તેઓની આરાધના કરીએ. દૂષણ આ જોઈ બ્રાહ્મણોને મારી નાખવાની આજ્ઞા કરી. તે સમયે શિવલિંગના સ્થાને મોટો ખોડા થઈ ગયો. તે ખોડામાંથી ભોળાનાથ મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા. તેઓએ મોટી ગર્જના કરી. જેથી દુષણ દૈત્ય ત્યાં તે ત્યાં ભસ્મ થઈ ગયો અને દૈત્ય સૈનાનો નાશ કર્યો. ભોળાનાથ બ્રાહ્મણો પર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણોએ તેઓને અહીં વાસ કરવા અને સમગ્ર સંસારનો ઉદ્ધાર કરવા કહ્યું. ત્યારે ભોળાનાથે શિવલિંગ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા. જેને આજે મહાકાલેશ્વર જ્યોતિર્લિગ રૂપે આપણે જાણીએ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news