નાની ઉંમરમાં આવતા હાર્ટએટેક બચવું હોય તો આટલુ કરો, લાંબુ જીવી જશો
Heart Attack : છેલ્લા કેટલાક સમયથી જે રીતે કિશોર વયના છોકરા હાર્ટ એટેકને કારણે અકાળે મૃત્યુને ભેટી રહ્યા છે, તેને જોતાં ગરબા રમતી વખતે સાવચેતી જાળવવી જરૂરી છે. અહીં ગરબા અને હાર્ટ એટેકને સાંકળીને વાત એટલા માટે કરાઈ છે, કેમ કે છેલ્લા 10 દિવસમાં ગરબા રમતાં રાજ્યમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ અનેક યુવાનો આવી રીતે જીવ ગુમાવી ચૂક્યા છે. 16 વર્ષથી લઈને 30 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગરબા રમતાં જ રાજ્યમાં 21 વર્ષ અને 24 વર્ષના બીજા બે યુવાનોએ પણ જીવ ગુમાવ્યા છે. આ યુવાને અગાઉથી હાર્ટની સમસ્યા હોય તેવી પણ શક્યતા છે. જો કે લક્ષણોના અભાવે તેમને સમસ્યાની જાણ ન થઈ શકી.
જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા 19 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને તે ફરી ક્યારેય જાગી ન શક્યો. 19 વર્ષનો વિનીત કુંવરિયા છેલ્લા કેટલાક સમયથી નવરાત્રિ માટે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. ઉંમર નાની હોવાથી ઉત્સાહ પણ ભરપૂર હતો. જો કે તેને ખબર નહતી કે આ પ્રેક્સિટનું પરિણામ તે નહીં જોઈ શકે.
હાર્ટની સમસ્યાના મુખ્ય કારણો
કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કસરતનો અભાવ, હાર્ટને લગતી સમસ્યાની અવગણના
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો તેજસ પટેલ જણાવે છે કે, હજુ કોલેજ પૂરી ન કરી હોય, તેવો યુવાન ગરબા રમતાં ઢળી પડે, તે વાત ચિંતાજનક છે. આવા કિસ્સા દેખાડે છે કે હાર્ટની સમસ્યાઓ યુવાનો માટે સાયલન્ટ કિલર બની રહી છે. ગરબા તો એક પ્રકારની શારીરિક કસરત જ છે, ત્યારે સવાલ એ થાય કે ગરબા રમતી વખતે કોઈ કેવી રીતે જીવ ગુમાવી શકે. જો કે આમ થઈ રહ્યું છે. આ પ્રકારના બનાવો માટે કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે. ધૂમ્રપાન અને કસરતનો અભાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટને લગતી સમસ્યા હોય, પણ તેને અવગણવામાં આવે, ત્યારે તે ઘાતક સાબિત થાય છે.
હાર્ટને કેવી રીતે બચાવશો
યુવાનો નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે. બ્લડ પ્રેશર અને સુગર માપતા રહેવું જોઈએ. જંકફૂડની જગ્યાએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. વ્યસનથી દૂર રહેવું
તબીબોનું માનીએ તો યુવાનોને હ્દય સંબંધિત જે તકલીફો સામે આવી રહી છે, તે કાર્ડિયાક એરેસ્ટ હોવાની પ્રબળ શક્યતા છે. જેમાં હ્દયને લોહી પહોંચાડતી નળીઓમાં લોહીના ગઠ્ઠા થઈ જતાં હ્દય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ જીવ ગુમાવે છે.
હાર્ટની સમસ્યાને દૂર રાખવાનો સૌથી મોટો ઉપાય, તેનો અટકાવ છે. આ માટે હ્દયની સ્થિતિને જાણવી જરૂરી છે. તબીબોની સલાહ છે કે યુવાનો હેલ્થ ચેકઅપ કરાવે તે હિતાવહ છે. બ્લડ પ્રેશર અને સુગરને પણ માપી લેવું જોઈએ. આ ઉપરાંત જંકફૂડની જગ્યાએ આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. વ્યસનથી દૂર રહેવું પણ અનિવાર્ય છે. ગરબાની સ્પર્ધામાં ઉતરતા પહેલાં પણ ધ્યાન રાખવું જોઈએ.
એવું નથી કે હાર્ટની સમસ્યાને કારણે દરેક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, ઘણા લોકો સમયસર સારવારને કારણે બચી પણ જાય છે. એવામાં CPR સહિતની પ્રાથમિક સારવાર નિર્ણાયક સાબિત થાય છે. ત્યારે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ કરેલી પહેલને રાજ્યના તમામ ગરબા આયોજકોએ અનુસરવા જેવી છે. ગરબા રમવા પોતાનામાં અનોખો અનુભવ છે. પણ સાથે જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સાવચેતી સાથેની ઉજવણી વ્યક્તિનો જીવ બચાવી શકે છે.
Trending Photos