ગુજરાતના આ શિક્ષકને સો સલામ! 4 વર્ષમાં 10 કરોડ બીજનું વિતરણ કરીને પર્યાવરણ બચાવવા અનોખી પહેલ
Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડના યુવાન ગુજરાતી શિક્ષકે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડનાં જંગલોમાં ફરીને દુર્લભ વનસ્પતિ બીજ એકઠા કરી 4 વર્ષમાં 10 કરોડ બીજનું વિતરણ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોમાં કર્યા છે. જેને લઈ આ યુવા શિક્ષકને લોકો બીજ બેન્કર તરીખે પણ ઓળખે છે.
વલસાડના સેગવી ગામ ખાતે આવેલ સર્વોદય હાઈસ્કૂલના ગુજરાતી વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતા નીરલ કુમાર પટેલને ગુજરાતના બીજ બૅન્કર કહીએ તો ખોટું નથી. 28 વર્ષના આ યુવાનએ ગુજરાત રાજ્ય નહિ પરંતુ રાજસ્થાન,મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યોના જંગલોમાં ફરી દુર્લભ વૃક્ષોનાં બીજ એકઠાં કરી સંગ્રહ કર્યા છે અને સાથે નિ:શુલ્ક વિતરણ કરે છે.
4 વર્ષમાં આ યુવા શિક્ષક દ્વારા 10 કરોડ બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. હરતીફરતી ‘બીજ બૅન્ક’ ચલાવતા નીરલકુમાર પટેલનું મૂળ વતન વલસાડ છે, પરંતુ પિતાની નોકરીને કારણે પાલનપુરમાં બાળપણ અને અભ્યાસ કર્યો. પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમી હોવાને કારણે વૃક્ષારોપણને એવાં બધાં કાર્યો કર્યાં. પરંતુ એક વાર તેમણે વનવિભાગની વેબસાઈટ પર રાજ્યનાં દુર્લભ વૃક્ષોની યાદી વાંચી હતી. રાજ્યમાં 100થી વધુ દુર્લભ વૃક્ષો હોવાનું જાણી નીરલ પટેલે 12મા ધોરણમાં જૂના સિક્કા સંગ્રહવાના શોખને દુર્લભ વૃક્ષોનાં બીજનો સંગ્રહ કરવામાં બદલી નાંખ્યો.
દુર્લભ વૃક્ષોને સુલભ બનાવવા માટે જંગલોમાંથી બીજ લાવીને નિ:શુલ્ક વિતરણ કરવાનું કાર્ય શરૂ કર્યું. દાંતામાં શિક્ષકની નોકરી શરૂ થઈ ત્યારે ગુજરાતથી રાજસ્થાન સુધી પથરાયેલી અરવલ્લીની ગિરિમાળાઓ ખૂંદીને બીજ એકઠાં કર્યાં. કોરોના સમયે લૉકડાઉન આવ્યું એટલે જંગલોમાં જવાનું વધુ સરળ બન્યું.
શરૂઆતમાં એટલે કે 2021માં જાતે જ બીજ વાવીને છોડ ઉગાડ્યા. આસપાસ રહેતા ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓને નિ:શુલ્ક બીજ આપ્યા ત્યાર બાદ ધીમેધીમે નિ:શુલ્ક બીજવિતરણની વાત વટવૃક્ષની જેમ આખા રાજ્યમાં ફેલાઈ અને પોસ્ટ કે કુરિયર થકી બીજ મોકલવાનું શરૂ થયું. નીરલ પટેલે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિળનાડુ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં બીજ વહેંચ્યાં છે. વડા પ્રધાન કાર્યાલયમાં પણ બીજ મોકલ્યાં છે સાથે દુબઈ તથા આફ્રિકામાં પણ મોકલ્યાં છે.
Trending Photos