ગરવી ગુજરાતના સમૃદ્ધ ગામડા....કોઈનું નામ રામાયણ, મહાભારત, આલુ, ખાખરા, ઢોંસા, હાથી, ભિંડી તો કોઈનું નામ ચુડેલ!
ગુજરાતની ગણતરી એક સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે. જ્યાં 34 જિલ્લાઓમાં 18 હજારથી વધુ ગામડાઓ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીના 57 ટકા લોકો હજુ પણ ગામડામાં વસે છે. ત્યારે આટલા બધા ગામડાઓમાં તમને એવા એવા નામો જોવા મળશે જે નવાઈ પમાડશે. તો ખાસ જાણો ગુજરાતના કેટલાક ગામડાઓના અજીબોગરીબ નામ.
ચુડેલ ગામ
છોટાઉદેપુરના જેતપુર પાવી તહસીલમાં ચુડેલ નામનું એક ગામ છે. સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ અહીં કોઈ ચૂડેલ નહતી પરંતુ વર્ષો પહેલા અહીં ચૂડીઓ બનતી હતી. ચૂડી એટલે કે બંગડીઓનો વેપાર થતો હતો. આથી આ ગામનું નામ ચુડેલ પડ્યું છે. ચુડેલ નામનું બીજુ ગામ સુરતના માંડવી તાલુકામાં પણ છે જેનું નામ બદલવાનો પ્રસ્તાવ ત્યાના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં અરજી કરી કર્યો હતો. આ અંગે સંસદમાં પણ રજૂઆત થઈ હતી. પરંતુ આ બાબત રાજ્ય સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર સામે પણ પછી રજૂઆત થઈ હતી. ચુડેલ ગ્રામ પંચાયતે ગામનું નામ ચંદનપુર કરવાની અપીલ કરી હતી.
એક સરખા નામવાળા ઘણા ગામ
રાજ્યમાં 55 જેટલા નવાગામ, 35 કોટડા નામના ગામ, 39 રામપુરા ગામ, 29 વાવડી, 29 પિપલિયા, 28 વાસણા નામના ગામડા છે. આ ઉપરાંત લાડવા, ઢોંસા, કાંદા, તુવેર, ભાત અને ભિંડી નામના પણ ગામ છે.
શહેરો પર ગામ
ગુજરાતમાં દેશ વિદેશના શહેરોના નામ ઉપર પણ ગામડા છે. જેમ કે ડાંગ જિલ્લામાં આવેલું ઘાના ગામ, લિમખેડામાં આવેલું સિંગાપુર ગામ, કડી-આનંદમાં આવેલું મણિપુર ગામ, રાધનપુરનું અલાહાબાદ ગામ, જસદણનું અજમેર, કેશોદનું ચંડીગઢ, ઝઘડિયાનું ઈંદોર, પોરબંદર સાણંદનું શ્રીનગર, માંડવી-મહુઆનું પુના, રાધનપુરનું કોલ્હાપુર, વિસાવદર-જામકંડોરણાનું દાદર, ગોંડલનું બાંદરા.
શાકભાજી, દાળના નામ પર ગામ
શાકભાજી અને દાળના નામ ઉપર પણ ગામડાના નામ પડેલા છે. જેમ કે ખેડબ્રહ્માનું તુવેર, દસ્ક્રોઈનું ભાત, વઢવાણનું રાઈ, નખત્રાણાનું તલ, નાંદોદનું ગુવાર, ખંભાળિયાનું ભિંડી, ધારીનું ઝીરા, વગેરે.
અનેક રસપ્રદ નામો
આ ઉપરાંત એવા અનેક રસપ્રદ નામો તમને જોવા મળશે જેમ કે ડેડિયાપાડા- દ્વારકાનું લાડવા ગામ, ભૂજનું ઢોસા, ટંકારા-ધ્રોલનું ખાખરા, છોટાઉદેપુરનું ગાંઠિયા, બોરસદનું દિવેલ, માંડવી-માણાવદરનું શેરડી, પાવી-જેતપુરનું કાંદા ગામ. આ ઉપરાંત દેડકા, માસા, કૂકડા નામના ગામ છે. ઘોડા નામના 7 ગામ અને ઘોડી નામના 3 ગામ પણ છે. રાજકોટ-વડોદરા નામના પણ 3-3 ગામ, રાવલ, મેવાડા, આલુ, ખાખરા, વાઘણ, હાથી, રામાયણ, મહાભારત જેવા નામના ગામડા છે.
Trending Photos