ચપટીમાં દૂર થશે ગૃહિણીની પરેશાનીઓ, આ ટિપ્સથી સરળ થઇ જશે માથાનો દુખાવો લાગતા આ કામ

ગૃહિણીઓ જ નહીં પણ પતિદેવ માટે પણ ઉપયોગી છે નાની નાની કિચન ટીપ્સ. આ ટિપ્સના કારણે રસોડામાં તમને પડતી મુશ્કેલીઓ એકદમ આસાન થઈ જશે. તમે ગૃહિણી છો તો ઘણી વખત રસોડામાં નાની નાની બાબતોથી પરેશાની થતી હોય છે ઘરમાં મેથીની સબ્જી કડવી હોવાથી બાળકો ખાતા નથી તો ઉતાવળમાં લસણના ફોતરા ઉતરતા નથી. પણ આવી જ મૂંઝવણને દૂર કરવા માટે આ ખાસ કિચન ટિપ્સ તમને મદદ કરશે.

ભડથાના રિંગણની છાલ સરળતાથી કેવી રીતે ઉતારશો?

1/9
image

શિયાળાની સિઝનમાં ભડથાના રિંગણને ધોઈને વ્યવસ્થિત સાફ કરી લો પછી તેના ઉપર યોગ્ય રીતે તેલ લગાવી દો. તેલ લગાવવાથી રિંગણ સેકાઈ ગયુ પછી તેની છાલ આરામથી ઉતરી જશે. સામાન્ય રીતે તમે એમ જ રિંગણ સેકશો તો થોડો બળેલો સ્વાદ તેમાં જતો રહેશે અને બાદમાં પાણીમાં ધોવાથી ટેસ્ટ પણ જતો રહેશે. તેથી યોગ્ય રીતે તેલ લગાવી લો. આના સિવાય એક અલગ રીત ભડથાનો સ્વાદ હટકે કરવાની તો. રિંગણને શેક્યા પહેલાં તેમાં એક-બે મોટી ચીરી કરી તેમાં આખા લસણની કળી અને મરચાના એક-બે ટુકડા નાખી લો અને બાદમાં ગેસ પર કે ચૂલા પર ભડથાના રિંગણાને શેકો. આ પદ્ધતિથી ભડથાનો સ્વાદ એકદમ ગામડાના ચૂલામાં બનાવેલા ભડથા જેવો થઈ જશે.

બટાકા પૌઆને સોફ્ટ રાખવા શું કરશો?

2/9
image

ઘરે બટાકા પૌઆ બનાવો ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે તે થોડા સમયમાં જ ચવ્વડ થઈ જાય છે. બટાકા પૌઆ સોફ્ટ રહે તે માટે તમામ સામગ્રીને વધારમાં નાખ્યા બાદ તેના ઉપર પાણીથી ધોએલા પૌઆ નાંખો અને થોડી વાર પછી એક કે બે ચમચી દૂધ નાંખો. દૂધ ગરમ કરીને ઠંડુ કરેલુ કે પછી ઠંડુ લઈ શકો છો. દૂધ નાખ્યા બાદ થોડી વાર પૌઆની કઢાઈને ઢાંકીને 3-4 મિનિટ રહેવા દો. બાદમાં હલાવીને જુઓ તમારા પૌઆ એકદમ છૂટ્ટાછૂટ્ટા અને સોફ્ટ રહેશે.  

પાલકનું શાક બનાવ્યા બાદ કેવી રીતે જાળવશો કલર?

3/9
image

પાલકના પાંદડાને ડાળખીથી અલગ કર્યા બાદ યોગ્ય રીતે ધોઈ નાંખો. જો તમારી પાસે માઈક્રોવેવ ઓવેન છે તો તેને 2 મિનિટ માટે અંદર મૂકી રાખો અથવા ગરમ પાણીમાં નાખી 2 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ એક વાસણમાં ઠંડુ પાણી લઈ થોડી ખાંડ નાખી, આઈસ ક્યુબ નાખી આ અધકચરા બાફેલા પાલકના પાંદડાને ઠંડા પાણીમાં 5થી 7 મિનિટ માટે મૂકી રાખો. બાદમાં આ પાલકનું પનીર કે પછી કોઈપણ શાક બનાવશો તો તેનો ગ્રીન કલર જળવાઈ રહેશે.  

શાકમાં પડેલું વધુ મીઠું અને મરચું કેવી રીતે બેલેન્સ કરશો?

4/9
image

ક્યારેક શાક બનાવતા વખતે મીઠું થોડું વધુ પડી જતુ હોય છે આ માટે શાકની ગ્રેવીમાં 4થી 5 બટેકાના મોટા કટકા કરી તેમાં મૂકી દેવા. અને તપેલી કે કઢાઈમાં બટેકા નાખી તેને 5થી 7 મિનિટ ઢાંકી દેવી, બાદમાં આ બટેકાને અલગ કરી લેવા,. બટેકા વધારાનું મીઠું શોષી લે છે. આ બટેકાને ફેંકવા નહીં તેને અલગ શાકમાં પણ વાપરી શકો છે. આવી જ રીતે જો મરચું વધુ પડી જાય તો તેમાં ફ્રેશ ક્રીમ, દહી અથવા દૂધ વાપરી શકો છો જેથી મરચાની તીખાશ બેલેન્સ થઈ જશે.

મેથીના પાંદડાની કડવાશ કેવી રીતે કાઢશો?

5/9
image

મેથીના પાંદડા જેટલા કડવા છે તેટલા ગુણકારી છે. તેમ છતાં  બાળકોને તે પસંદ નથી આવતું પણ જો તેની કુદરતી કડવાશ ઓછી કરી દેવામાં આવે તો? માટે મેથીના પાંદડાને વ્યવસ્થિત ચૂટી લો અને બરાબર ધોઈ લો. બાદમાં જે એક વાસણમાં તેમાં ઠંડુ પાણી નાખી થોડુ મીઠું નાખો અને 15 મિનિટ સુધી મીઠાવાળા પાણીમાં મેથીના પાંદડાને ડૂબાડી રાખો. બાદમાં પાણી કાઢી મેથીના પાંદડાને નિતારી લો અને ટેસ્ટ કરી લો પાંદડાની કડવાશ ઓછી થઈ ગઈ હશે જેને બાળકો આરામથી ખાશે.  

લસણના ફોતરાને સરળતાથી કેવી રીતે કાઢશો?

6/9
image

લસણના ફોતરા કાઢવાનું કામ સૌથી મોટો માથાનો દુખાવો છે અને જો લસણની નાની કળીઓ આવી ગઈ તો મોતિયા જ મરી જાય છે. પણ આજે તમને લસણની છાલ કાઢવાની એક સરળ રીત બતાવવા જઈ રહી છું. લસણની કળીઓને ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી રાખો અને બાદમાં બાઉલનું ઢાંકણુ કાઢી લસણની કળીઓને ધીમા હાથે મસળો. એકદમ સરળતાથી લસણની કળીઓમાંથી ફોતરા નીકળવા લાગશે. બીજી રીત એ પણ છે કે લસણની કળીઓને છૂટ્ટીછૂટ્ટી કરી થોડા વાર માઈક્રોવેવ ઓવેનમાં મૂકી દેજો, ગરમીના કારણે ફોતરા એકદમ કડક થઈ જશે અને જલદી નીકળી જશે.  

કોથમીર અને ફૂદીનાની ચટણીનો કલર કેવી રીતે જાળવશો?

7/9
image

કોથમીર અને ફૂદીનાની ચટણી બનાવી ફ્રીજમાં મૂકી રાખતા હોય છે પણ આ ગ્રીન ચટણીનો કલર કેવી રીતે જાળવી રાખવો તે રીત જણાવીશ. જ્યારે પણ કોથમીર કે ફૂદીનાની ચટણી બનાવો તો તેમાં થોડુ દહી નાખી તેને મિક્સચર જારમાં નાખી ગ્રાઈન્ડ કરી લો, દહીંથી આરામથી બે-ત્રણ દિવસ સુધી તમે ચટણીનો સ્વાદ લઈ શકશો. અને બીજી રીત એ છે કે કોથમીર કે ફૂદીનાને ગ્રાઈન્ડ કરતાં પહેલાં તેમાં બરફનો ટુકડી નાખી દો અને બાદમાં ગ્રાઈન્ડ કરો. આમ કરવાથી ઠંડુ ટેમ્પચેર આવશે તો ફૂદીના કે કોથમીરનો કલર બિલકુલ નહીં બદલાય અને ઘણાં લાંબી સમય સુધી તમે ચટણી સ્ટોર કરી શકશો.  

ઢોંસો પેનમાં ન ચોંટે તે માટે શું કરશો?

8/9
image

તમારે ઢોંસો બનાવવો છે તો તે પેનમાં ન ચોંટે તે માટે થોડું પાણી છાંટી દેજો અને એક કોરા કપડાથી સાફ કરીને બાદમાં તેના ઉપર ખીરુ નાખી ઢોંસો બનાવવાનું શરૂ કરજો. સેન્ટરમાં ખીરું નાખી તેને કિનારીથી રાઉન્ડરઉન્ડ હળવા હાથે ફેરવજો જેનાથી ઢોસો એકદમ રાઉન્ડ અને પાતળો થશે. અને બાદમાં જ તેના ઉપર થોડું તેલ નાખજો અને ઢોંસાને તવી પરથી ઉતારજો,. આ પદ્ધતિ મગની દાળના ઢોંસામાં ના વાપરતા. મગની દાળના ઢોંસા બનાવવા તવી પર પહેલા થોડું તેલ નાખવું તો ઢોંસો એકદમ પાતળો, તૂટ્યા વગરનો અને પરફેક્ટ બનશે.

ભીંડાનો કલર જાળવી રાખવા શું કરશો?

9/9
image

ભીંડા જમવા તો ગમે પણ તેની ચીકાસ જો રહી જાય અને તેનો કલર ગ્રીન ન જોવા મળે તો કદાચ ભીંડો ખાવાની એટલી મજા નથી આવતી. આ ભીંડાનો લીલો કલર કેવી રીતે જાળવી રાખવો અને તે પણ તેની ચીકાસ હટાવ્યા વગર તે રીત જણાવીશ. ભીંડાને તમારા મનગમતા આકારમાં કાપી લો. તેને કડાઈમાં થોડુ તેલ નાખી અધકચરુ ફ્રાય કરી લો. બાદમાં તેમાં થોડો આમચૂરનો પાવડર નાખો. બરાબર હલાવી લો પછી તેમાં હળદર સહિતનો તમામ મસાલો નાખી દેવો. આ ટીપ્સથી ભીંડી ક્રિસ્પી રહેશે અને તેનો કલર પણ નેચરલ ગ્રીન જળવાઈ રહેશે.