ઠંડીથી જવાનોને રક્ષણ આપતા હેબીટાટનું અમદાવાદમાં નિર્માણ, ગુજરાત યુનિ. અને ભારતીય સેના વચ્ચે MOU
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં વાયબ્રન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સ્વાભાવિક રીતે અનેક MOU થનાર છે, ત્યારે લદાખ -સિયાચીન જેવા અતિશય ઠંડા અને મુશ્કેલ જગ્યાઓ પર દેશની રક્ષા કરતા જવાનો માટે હેબીટાટ બનાવાયું છે. આ વિશેષ હેબીટાટ માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય સૈન્ય વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MOU થયા છે. માઇનસ 60 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ સૈન્યના જવાનોને રક્ષણ મળે અને સરળતાથી તેવો તેમની ફરજ બજાવી શકે એવી સુવિધાઓ હેબીટાટમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
તમને જણાવી દઈએ કે માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે, એવી વિષમ પરિસ્થિતિઓમાં આ હેબીટાટ સૈન્યના જવાનોને રક્ષણ આપશે. ભારતીય સૈન્યની જરૂરિયાત મુજબ નાની - મોટી ડિઝાઇન બનાવી જવાનોનો સમાવેશ કરી શકાય એવું ફલેક્સિબલ હેબીટાટ તૈયાર કરાયું છે.
અતિશય ઠંડા વિસ્તારોમાં સૈન્યના જવાનોના રહેવા માટે અપાતી સુવિધા તૈયાર કરવી મુશ્કેલ હોય છે, જે સમસ્યાના નિરાકરણ રૂપે આ હેબીટાટમાં એકપણ બોલ્ટનો ઉપયોગ કરાયો નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા હેબીટાટનું એક પ્રોટોકોલ 1 વર્ષ અગાઉ લદાખમાં મુકવામાં આવ્યું હતું, જેમાં જરૂરી ફેરફાર કરીને ફર્સ્ટ મોડલ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં ઉભું કરાયું છે.
20 સૈન્યના જવાનો રહી શકે તેવી સુવિધાઓ સાથે હાલ ગુજરાત યુનિવર્સિટીમાં હેબીટાટ બનાવીને ઉભું કરાયું છે. અતિશય ભારે પવન ફૂંકાય અથવા હિમવર્ષા થાય એવી સ્થિતિમાં આ હેબીટાટ દેશની સરહદોની રક્ષા કરતા ભારતીય જવાનો માટે રાહતરૂપ સાબિત થશે. સિયાચીન જેવા વિસ્તારમાં અનેક વખત રેડિયો કનેક્ટિવિટી અથવા ઓડિયો - વીડિયો કનેક્ટિવિટી ખોરવાઈ જતી હોય છે એના સમાધાનના ભાગરૂપે આ હેબીટાટ સાથે સેટેલાઈટ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
હેબીટાટમાં સેટેલાઈટ કનેક્ટિવિટી આપવા ઈસરો સાથે મળીને કરાઈ છે, ખાસ કામગીરી આ હેબીટાટમાં સોલાર ઉર્જાના ઉપયોગથી લાઇટની સુવિધા તેમજ ટીવી સહિત તમામ એન્ટરટેઇનમેન્ટની ફેસિલિટી ઉપલબ્ધ થશે. લદાખ જેવા વિસ્તારોમાં અંદાજે 325 દિવસ સૂર્યના કીરણો મળતા હોવાથી ઇલેક્ટ્રિસિટી, ડીઝલ અને કેરોસીનની ખપતથી બચવા વિશેષ સૌરઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હેબીટાટમાં સામાન્ય તાપમાન જાળવી શકાય એ માટે બહારની તરફથી હિટર લગાવામાં આવ્યું છે. હેબીટાટની અંદરની તરફ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ જાણી શકાય તેવી સુવિધાઓ પણ મુકાઈ છે.
આગ લાગવાની સ્થિતિમાં ફાયર એલાર્મ સહિત સંપૂર્ણ ફાયર સેફટીની સુવિધાઓ મુકવામાં આવી છે. સિયાચીન જેવા વિસ્તારોમાં પીવા માટે પાણી મળી રહેવું પણ મુશ્કેલ બને છે ત્યારે હિટર સાથે વિશેષ પાણીની ટેન્ક મુકાઈ છે. જ્યાં સતત માઇનસમાં તાપમાન રહે એવા સરહદીય વિસ્તારોમાં મળ - મૂત્રનો યોગ્ય નિકાલ ખૂબ મુશ્કેલ સાબિત થાય છે. આવી પરિસ્થિતિમાં હેબીટાટમાં વિશેષ ટોયલેટ તૈયાર કરાયું છે, જેમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે નિરાકરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ચીન સાથે સરહદીય તણાવ વધ્યા બાદ અગાઉ કરતા વધુ સંખ્યામાં ભારતીય સૈન્યનો ખડકલો હાલ સિયાચીન સહિત લદાખ, અરુણાચલ પ્રદેશ જેવા સરહદીય વિસ્તારોમાં કરાયો છે, ત્યારે જવાનોને ત્યાં તમામ સુવિધા આપવી અનેક વખત મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિઓમાં માત્ર એક દિવસમાં માઇનસ 60 ડિગ્રી તાપમાનમાં પણ સૈન્યના જવાનોને રક્ષણ મળે, તેમજ જીવનજરૂરી તમામ સુવિધાઓ મળી રહે અને સૈન્યને પોતાના જવાનો સાથે ઓડિયો - વિડીયો તેમજ રેડિયો સિગ્નલની કનેક્ટિવિટી મળી રહે એવી સુવિધાઓ સાથે હેબીટાટ બનાવાયું છે.
આવી સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર કરાયેલું આ હેબીટાટ દેશમાં પ્રથમ કે જેનો ઉપયોગ ભારતીય સૈન્યના જવાનો માટે થશે. આ હેબીટાટનો ઉપયોગ ભવિષ્યમાં લદાખના રહેવાસીઓ પણ કરી શકે એવા આયોજનો પણ હાથ ધરાશે.
Trending Photos