Photos : વખાણવા લાયક છે અમદાવાદની સાડી લાઈબ્રેરી, મફતમાં ભાડે આપે છે મોંઘીદાટ સાડીઓ
આશ્કા જાની/અમદાવાદ :સામાન્ય રીતે જ્યારે આપણે લાઈબ્રેરી (Library)શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં માત્ર પુસ્તક લાઈબ્રેરીનો વિચાર આવે છે. પણ અમદાવાદ(Ahmedabad) માં એક લાઈબ્રેરી એવી છે, જે પુસ્તકો નહિ, પણ સાડી આપે છે. આ યુનિક લાઈબ્રેરી વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. કેમ કે તમે આવી લાઈબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું નહિ હોય. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક એવી લાઈબ્રેરી આવેલી છે, જેમાં મોંઘીદાટ સાડીઓ મૂકવામાં આવેલી છે. જેને સાડી લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈબ્રેરી સાડી ભાડેથી આપે છે.
મફતમાં સાડી મળે છે
છેલ્લા 9 વર્ષથી ગ્રામસી સંસ્થા તરફથી સાડી લાઈબ્રેરી ચલાવવામાં આવે છે. જેમાં સ્લમ વિસ્તારની મહિલાઓને એક પણ રૂપિયા લીધા વગર ભાડે સાડીઓ અને ચણીયાચોળી આપવામાં આવે છે. મોંઘી સાડીઓ માત્ર ડ્રાય ક્લીન કરવાની શરતે પહેરવા માટે અપાય છે. તો બહારગામથી ભાડે લેવા માટે આવેલી મહિલાઓને માત્ર 50 રૂપિયા લઈને 10 દિવસ સુધી ભાડે આપવામાં આવે છે. સાડી લાઈબ્રેરી ચાલુ કરવા પાછળ માત્ર એક જ ઉદ્દેશ છે કે, આર્થિક રીતે પછાત મહિલાઓની મોંઘી સાડીઓ પહેવાની ઈચ્છા પૂરી થાય.
18000 સુધીની સાડીઓ અવેલેબલ
આ સાડી લાઇબ્રેરીની વધુ એક ખાસિયત જાણીને તમને નવાઈ લાગશે. સાડી લાયબ્રેરીના સંચાલક માયા જીતીયા કહે છે કે, કે અહી માત્ર મહિલાઓ માટે જ નહિ, પરંતુ પુરુષો માટે પણ કપડા રાખવામાં આવે છે. અહી 50 જેટલી સાડીઓ છે. જેની કિંમત રૂપિયા 250થી લઈને 18000 સુધીની છે. માત્ર આઈડી પ્રૂફના આધારે મહિલાઓ સાડી પહેરવા માટે લઈ જાય છે.
મોંઘીદાટ સાડીઓ પહેરવાનો લ્હાવો
આ લાઈબ્રેરીનું સચાલન 50 જેટલી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના લેડીઝ સર્કલના ચેરપર્સન છવી સંઘવી અને એરિયા ચેરપર્સન કનિકાબેન છે. ગ્રામસી સંસ્થાના કો-ઓર્ડિનેટર નીતા જાદવ કહે છે કે, આ નવતર પ્રયોગના લાભ ઘણી બાધી મહિલાઓ લઈ રહી છે. કેમ કે, આ સ્ટાઈલથી તેમની મોંઘી સાડીઓ પહેરવાની ઈચ્છા પૂરી થાય છે. તેમજ તેઓ અવનવી મોંઘી સાડીઓ વારંવાર પહેરવાનો લ્હાવો લઈ શકે છે. ઘરમાં જે પ્રસંગ હોય તેના અનુરૂપ અને તહેવારના અનુરૂપ પોતાની પસંદની મોંઘી સાડીઓ પહેરી શકે છે. આમ, ગ્રામસી સંસ્થા અને લેડીઝ સર્કલ ગ્રુપનો આ પ્રયાસ આર્થિક રીતે પછાત લોકોના જીવનમાં એક મુસ્કાન આપવાનું કામ કરે છે.
Trending Photos