Rajkot: રાજકોટની SBI બેંકનો લોકર રૂમ પાણીમાં ગરકાવ, લોકર ધરાવતા લોકોના જીવ અદ્ધર
Rajkot: રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ યથાવત છે. છેલ્લા 96 કલાકથી અવિરત ચાલતા વરસાદથી જીનજીવનને પણ અસર થઈ છે. રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે. વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ સાથે પવન ફુંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના પણ બની છે.
વરસાદી માર
વરસાદી મારની સાથે અનેક શહેરીજનોના જીવ અદ્ધર થઈ ગયા છે. તેનું કારણ છે ભારે વરસાદના કારણે રાજકોટની એસબીઆઈ બેન્કનો લોકર રુમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
2000 જેટલા લોકર
લોકર રુમમાં 2000 જેટલા લોકર છે જે પાણીમાં ડુબી ચુક્યા છે. આ ખબર સામે આવતા લોકરધારકોના જીવ અદ્ધર થઈ ગયા છે.
લોકર રુમ પાણીમાં ગરકાવ
લોકો કિંમતી વસ્તુઓ, દસ્તાવેજ અને રોકડ રકમ લોકરમાં રાખતા હોય છે જેથી તે સેફ રહે પરંતુ લોકર રુમ જ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની કિંમતી વસ્તુઓ પર જોખમ વધી ગયું છે.
પાણીનો નિકાલ
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે. જેમાં રાજકોટ શહેરના ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કનો પણ સમાવેશ થાય છે. બેંક લોકરમાં પાણી ભરાઈ જતા લોકોની ચિંતા વધી ચુકી છે. બેંક તરફથી પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બેંકની જવાબદારી નહીં
બેંક તરફથી એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકર ધારકોના રોકડ-દસ્તાવેજ પલળે તો બેંકની જવાબદારી નહીં રહે. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
રાજકોટમાં આર્મી સ્ટેન્ડ બાય
ભારે વરસાદના કારણે રાજકોટમાં મિલિટરી ફોર્સ, આર્મી મેડિકલ ફોર્સ યુનિટ પણ પહોંચી ચુકી છે. ભારે વરસાદને પગલે રાજકોટમાં આર્મીની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ પૂર ગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના રેસ્કયુ કરવાનું શરુ કરવામાં આવી રહ્યું છે.
Trending Photos