Photos : દિવાળી વેકેશન મનાવવા ગુજરાતમાં બની રહ્યું છે નવુ ડેસ્ટીનેશન, 15 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે
જયેશ દોશી/નર્મદા :આગામી દિવાળી વેકેશનમાં પ્રકૃતિને માણવા અને શાંતિનો અનુભવ કરવા ઈચ્છતા કુદરતના ખોળે ફરવાવાળા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. કુદરતના ખોળે બિરાજેલ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખૂબ જ મોટું આકર્ષણ છે. પરંતુ હજી બીજા 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. પ્રવાસીઓ બેથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં હરીફરી શકે તેવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. તો બનાવો પ્રોગ્રામ આ દિવાળી વેકેશનમાં નર્મદા જિલ્લાનો. પણ તે પહેલા જાણી લો કે નર્મદા જિલ્લામાં શું નવુ બની રહ્યું છે.
સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જિલ્લામાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને હજી પણ વધારે પ્રવાસીઓ આ જિલ્લામાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વળી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ અહીં રોકાણ કરી શકે તે માટે વિવિધ 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં ખુલ્લા મુકાશે. સૌથી મોટું આકર્ષણ આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ થતું રિવર રાફ્ટિંગનું છે, જે અનોખો રોમાંચ પેદા કરશે. આ રાઇડ સ્ટેટ્યુ ઓફ યુનિટી પરિસરથી માત્ર બે કિલોમીટરના અંતરે ખલવાની ગામે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે શરૂ કરાશે. પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધા છે કે જેમાં ગોડબોલે ગેટમાંથી છૂટતા પાણીના વહેણમાં 5 કિલોમીટર સુધી પ્રવાસીઓ ખાસ બોટમાં પાણીના વહેણમાં ફરશે. 5 કિલોમીટરનું આ અંતર કાપતા લગભગ ત્રણ કલાકના સમયમાં પ્રવાસીઓ અનેરો અનુભવ કરશે. ઉત્તરાખંડથી ખાસ નિષ્ણાતોને બોલાવીને શરૂ કરાયેલું ગુજરાતમાં પ્રથમ વખત આ રિવર રાફ્ટિંગ છે. અહીં ખાસ ટેન્ટ પણ તૈયાર કરવામાં આવશે. જેથી અહીં આવતા અભ્યાસુ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ રાતવાસો પણ કરી શકે.
અન્ય આકર્ષણોની વાત કરીએ તો 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. સાત અલગ અલગ પહાડી વિસ્તારમાં મોટા ડોમ બનાવીને સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાકાહારી પ્રાણી તરીકે હરણની 12 પ્રજાતિઓ ઉપરાંત વિદેશી પ્રાણીઓમાં ઝેબ્રા તેમજ જંગલી પ્રાણીઓ સાથે 1000 જેટલા દેશવિદેશના પક્ષીઓ લાવવામાં આવશે. દોઢ એકરનો એક અને એક એકરનો એક એવા બે ડોમમાં આ પશુ-પક્ષીઓને રાખવામાં આવશે. તેની સાથે જ એક ડાયનોટ્રોલ પણ બની રહ્યો છે. જેમાં ડાયનોસોરની ત્રણ પ્રિતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જે નર્મદા નેસેસ એટલે કે નર્મદા જિલ્લાને લગતા ડાયનોસોર હશે. તે 75 ફૂટ અને બે 30 ફૂટના એમ ત્રણ ડાયનોસોર બનશે. જે નર્મદા ડેમ જતા રસ્તામાં બનાવામાં આવશે.
ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, માત્ર કુદરતી વનસ્પતિઓને જોવા અને માણવાવાળા પ્રવાસીઓ સહીત દરેક પ્રવાસીને આકર્ષે તેવા એક પ્રોજેક્ટના ભાગરૂપે અહીં કેકટ્સ ગાર્ડન પણ આકાર લઈ રહ્યો છે. સાડા ત્રણ એકરમાં અલગ અલગ ત્રણ વિભાગમાં 330 જેટલા કેકટ્સ મૂકવામાં આવ્યા છે, જે અલગ અલગ 17 દેશમાંથી લાવવામાં આવ્યા છે. અહીં 35થી 200 વર્ષના ક્રેકટ્સ પણ ઉપલબ્ધ છે, જેને કારણે અભ્યાસુ પ્રવાસીઓને અહીં ખૂબ મોજ પડશે. તેની બાજુમાં જ બટરફ્લાય પાર્ક પણ બનાવાઈ રહ્યું છે. અહીંથી સ્ટેટ્યુ ઓફ યુનિટી સામેથી જોઈ શકાય છે. આ પતંગિયા ગાર્ડનની વિશેષતા એ છે કે, અહીં 28 જાતના પતંગિયા જોવા મળશે.
સ્ટેટ્યુ ઓફ યુનિટી એક્તાનું પ્રતિક છે. ત્યારે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં અહીં એકતા નર્સરી બનવવામાં આવી છે. આ એક એવી નર્સરી છે કે જેમાં વિવિધ રોપાઓ વેચવામાં આવશે. રાતવાસો કરનારા પ્રવાસીઓ સાંજના સમયે અહીં વિવિધ વસ્તુઓ જોવા મળશે. આદિવાસીઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓની સાથે રાત્રે આદિવાસી નૃત્યની રમઝટ પણ માણવા મળશે.
આમ, નર્મદા કાંઠે કુલ 30 થી 35 નવા પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે, જે પ્રવાસીઓ માટે ખાસ છે. આ સુંદર સ્થળે બે-ત્રણ દિવસનું રાત્રિ રોકાણ થઈ શકે અને સાથે જ સ્થાનિકોને પણ રોજગારી મળે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે.
Trending Photos