5 વનડે, જે ધોનીની આગેવાનીમાં રહ્યાં ટાઈ
એશિયા કપમાં ભારત અને અફગાનિસ્તાન વચ્ચે મંગળવારે દુબઈમાં સુપર-4ની મેચ રમાઈ હતી. રોહિત શર્માની જગ્યાએ આ મેચમાં ધોનીને સુકાન સોંપાયું હતું. ધોનીની આગેવાનીમાં ભારતનો આ 200મો મેચ રહ્યો. અફગાનિસ્તાને આપેલા 253 રનના આપેલા લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 50મી ઓવરના પાંચમા બોલે રવીન્દ્ર જાડેજા (25)ના રૂપમાં પોતાની અંતિમ વિકેટ ગુમાવી અને આખી ટીમ 252 રન પર આઉટ થઈ ગયો હતો. 50મી ઓવર રાશિદ ખાને કરી હતી. આ ઓવરમાં ભારતને જીત માટે 7 રનની જરૂર હતી.
આ પાંચમો અવસર છે, જ્યારે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમનો મેચ ટાઈ રહ્યો. રેકોર્ડ પર નજર કરીએ તો સૌથી વધુ ટાઈ મેચમાં કેપ્ટનશિપનો રેકોર્ડ ધોનીના નામે છે. વેસ્ટઈન્ડિઝના રિચી રિચર્ડસન, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને સાઉથ આફ્રિકાના શોન પોલોકના નામે 3-3 ટાઈ મેચમાં સુકાન સંભાળ્યું હતું. આવો જાણીએ, જ્યારે કઈ ટીમ વિરુદ્ધ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમનો મેચ ટાઈ રહ્યો.
ધોનીની આગેવાનીમાં પ્રથમ ટાઈ વનડે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. બેંગલુરૂમાં આ વિશ્વકપનો મેચ 27 ફેબ્રુઆરી, 2011ના રોજ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ સચિન તેંડુલકર (120 રન, 115 બોલ, 10 ફોર, 5 સિક્સ)ની શાનદાર સદીની મદદથી 49.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 8 વિકેટ પર 338 રન બનાવી શકી હતી. મુનાફ પટેલ દ્વારા કરાયેલી અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડે 13 રન બનાવ્યા, જ્યારે તેને જીત માટે 14 રનની જરૂર હતી.
2011માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર વનડે શ્રેણીની ચોથી મેચ ટાઈ રહી હતી. 11 સપ્ટેમ્બર, 2011ના લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ધોનીના અણનમ 78 અને રૈનાના 84 રનની મદદથી પાંચ વિકેટે 280 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ઈનિંગની 49મી ઓવર ચાલી રહી હતી ત્યારે વરસાદ આવ્યો. જ્યારે મેચ રોકાઈ ત્યારે ઈંગ્લેન્ડ ટીમ 48.5 ઓવરમાં 8 વિકેટ પર 270 રન બનાવીને રમી રહી હતી. ત્યારબાદ મેચ શરૂ ન થયો અને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે મેચ ટાઈ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે આ મેચ કોમનવેલ્થ બેન્ક શ્રેણી દરમિયાન 14 ફેબ્રુઆરી, 2012ના એડિલેડ (ઓસ્ટ્રેલિયામાં) રમાઈ હતી. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ પર 236 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 9 વિકેટ પર 236 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 9 રનની જરૂર હતી. રોમાંચક મેચમાં મલિંગા દ્વારા કરાયેલી અંતિમ ઓવરમી છેલ્લા બોલ પર ભારતને જીતવા માટે 4 રનની જરૂર હતી, પરંતુ ધોની 3 રન બનાવી શક્યો હતો.
આ મેચ 25 જાન્યુઆરી, 2014ના ઓકલેન્ડમાં રમાયો હતો. વનડે શ્રેણીનો ત્રીજો મેચ ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા માર્ટિન ગુપ્ટિલ (111)ની સદીની મદદથી તમામ વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 9 વિકેટ પર 314 રન બનાવી શકી હતી. કોરી એન્ડરસન દ્વારા કરાયેલી અંતિમ ઓવરમાં જીત માટે 18 રનની જરૂર હતી, પરંતુ જાડેજા 17 રન બનાવી શક્યો હતો. અંતિમ બોલ પર 2 રનની જરૂર હતી, પરંતુ માત્ર એક રન બન્યો. આ મેચમાં જાડેજાએ 45 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી અણનમ 66 રન બનાવ્યા હતા.
Trending Photos