150 પિતાવિહોણી દીકરીઓના સમૂહ લગ્નના અદભૂત દ્રશ્યો : પિતા બન્યા મહેશ સવાણી, મુખ્યમંત્રીએ કન્યાદાન કર્યું
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ દીકરીઓના લગ્ન કરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. અબ્રામામાં યોજાયેલા આ સમૂહ લગ્નના પહેલા દિવસે પિતા વિહોણી 150 જેટલી દીકરીઓને લગ્નના તાંતણે બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમૂહલગ્નના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવમાં પ્રથમ દિવસે 150 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. આ 150 પિતાવિહોણી દીકરીઓના પિતા બન્યા હતા મહેશ સવાણી.
સુરતમાં પી પી સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે દીકરી જગત જજની નામ હેઠળ સમૂહ લગ્નનું અબ્રામા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પિતા વિહોણી 300 જેટલી દીકરીના આજે સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે 150 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરાવડાવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ, ધારાસભ્ય ,મેયર સહિત અનેક સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કન્યાદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી મુખ્યમંત્રી આવતાની સાથે કોરોનાને લઇ એક વિશેષ સંદેશો વહેતો કરાયો હતો. કોરોના ગાઈડલાઈનને અમલી માટેની ગર્ભિત ચીમકી આપતો આ સંદેશ માનવામાં આવી રહ્યો છે. જેમાં સ્ટેજ પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા તેમણે માસ્ક પહેરી કાર્યક્રમમાં જોડાયા હતા. જેને લઇ સ્ટેજ પર તમામ મહાનુભાવો પણ માસ્ક પહેર્યા હતા.
Trending Photos