Photos: કર્ણાટકમાં ભાજપની સજ્જડ હારના 6 મુખ્ય કારણો, આ ભૂલો એવી ભારી પડી ગઈ...
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ કોંગ્રેસનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ પ્રદર્શન કોંગ્રેસ માટે સંજીવની જેવું કામ કરશે તેમાં કોઈ શક નથી. મતગણતરી હજુ ચાલુ છે. ચૂંટણી પંચની લેટેસ્ટ માહિતી મુજબ કોંગ્રેસ હાલ 24 બેઠકો જીતી ગઈ છે અને 112 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 12 બેઠકો જીતી છે અને 51 બેઠકો પર આગળ છે. જેડીએસ 3 બેઠકો જીતી છે અને 18 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 4 બેઠકો પર આગળ છે. કર્ણાટકમાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની પૂર્ણ બહુમત સાથે જીત અને ભાજપની હારના કારણો પણ ચર્ચાઈ રહ્યા છે. કર્ણાટકમાં ભાજપની ભૂંડી હાર પાછળ કોઈ મજબૂત ચહેરો ન હોવા અને રાજકીય સમીકરણો સાધવામાં નિષ્ફળતા જેવા કારણો મહત્વના ગણાઈ રહ્યા છે. જુઓ ભાજપની જીતના 6 મુખ્ય કારણ...
1. મજબૂત ચહેરો ન હોવો
કર્ણાટકમાં ભાજપની હાર પાછળ સૌથી મોટું કારણ મજબૂત ચહેરો ન હોવાનું મનાઈ રહ્યું છે. યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્મઈને ભાજપે ભલે મુખ્યમંત્રી બનાવ્યા હોય પરંતુ સીએમની ખુરશી પર હતા તો પણ બોમ્મઈનો કોઈ ખાસ પ્રભાવ જોવા મળ્યો નહીં. જ્યારે કોંગ્રેસ પાસે ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્મઈને આગળ કરીને ચૂંટણી મેદાનમાં ઉતારવું ભાજપને ભારે પડ્યું.
2. ભ્રષ્ટાચાર
ભાજપની હાર પાછળ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ મહત્વનો રહ્યો. કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ શરૂઆતથી જ 40 ટકા પે સીએમ કરપ્શનનો એજન્ડા સેટ કર્યો હતો અને ધીરે ધીરે આ મુદ્દો મોટો બની ગયો. કરપ્શનના મુદ્દે જ એસ ઈશ્વરપ્પાએ મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું તો એક ભાજપ ધારાસભ્યએ જેલમાં જવું પડ્યું. સ્ટેટ કોન્ટ્રાક્ટર એસોસિએશને પીએમ સુધી ફરિયાદ કરી નાખી. ભાજપ માટે આ મુદ્દો ગળાની ફાંસ બની રહ્યો અને પાર્ટી તેનો તોડ કાઢી શકી નહીં.
3 રાજકીય સમીકરણો સાધી શક્યું નહીં ભાજપ
કર્ણાટકના રાજકીય સમીકરણો પણ ભાજપ સાધીને રાખી શકી નહીં. ભાજપ ન તો પોતાના કોર વોટ બેંક લિંગાયત સમુદાયને પોતાની સાથે રાખી શકી કે ન તો દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયના હ્રદય જીતી શકી. કોંગ્રેસ મુસ્લિમથી લઈને દલિત અને ઓબીસીને મજબૂતીથી પોતાની જોડે રાખવાની સાથે સાથે લિંગાયત સમુદાયની વોટબેંકમાં પણ સેંધમારી કરવામાં સફળ રહી.
4 ધ્રુવીકરણનો દાવ કામે ન લાગ્યો
કર્ણાટકમાં એક વર્ષથી ભાજપના નેતા હલાલા, હિજાબથી લઈને અજાનના મુદ્દા ઉઠાવતા રહ્યા. ચૂંટણી ટાણે બજરંગબલીની પણ એન્ટ્રી થઈ ગઈ પરંતુ ધાર્મિક ધ્રુવીકરણની આ કોશિશો નિષ્ફળ ગઈ. કોંગ્રેસે બજરંગ દળને બેન કરવાનું વચન આપ્યું તો ભાજપે બજરંગદળને સીધું બજરંગ બલી સાથે જોડી દીધુ અને સમગ્ર મુદ્દાને ભગવાનનું અપમાન ગણાવી દીધુ. ભાજપે ખુબ હિન્દુત્વ કાર્ડ ખેલ્યું પરંતુ આ દાવ કામે લાગ્યો નહીં.
5. યેદિયુરપ્પા જેવા દિગ્ગજ નેતાઓને સાઈડ લાઈન કરવું ભારે પડ્યું
કર્ણાટકમાં ભાજપને ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા આ વખતની ચૂંટણીમાં સાઈડ લાઈન રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર, અને પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદીની ભાજપે ટિકિટ કાપી તો બંને નેતા કોંગ્રેસમાં જતા રહ્યા અને ચૂંટણીમાં ઉતર્યા. યેદિયુરપ્પા, શેટ્ટાર, સાવદી ત્રણેય લિંગાયત સમુદાયના મોટા નેતા ગણાય છે જેમને સાઈડલાઈન કરવા ભારે પડી ગયા.
6. સત્તા વિરોધી લહેરનો કોઈ તોડ ન કાઢી શકી
કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ સત્તા વિરોધી લહેરનો કોઈ તોડ ન શોધવાનું રહ્યું. ભાજપના સત્તામાં રહેવાના કારણે લોકોની તેમના પ્રત્યે નારાજગી હતી. ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હાવી રહી જેને પહોંચી વળવામાં ભાજપ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો.
Trending Photos