જુનાગઢના તબાહીની તસવીરો : વંથલીમાં 14.5, વિસાવદરમાં 13.5, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી
Jungadh Flood Alert : જૂનાગઢ જિલ્લામાં ફાટ્યું આભ... વંથલીમાં સાડા 14, વિસાવદરમાં સાડા 13, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી.... બાદલપરા ડેમના ત્રણ દરવાજા ખોલીને છોડાયું પાણી..
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી. જૂનાગઢના મોટાભાગના જિલ્લામાં 8થી 14.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આખો જૂનાગઢ જિલ્લો પાણી પાણી થયો છે. 14.5 ઈંચ વરસાદ સાથે વંથલી પાણીમાં ગરકાવ થયું છે. તો વિસાવદરમાં પણ 13.5 ઈંચ વરસાદથી જળભરાવ થયું છે. જૂનાગઢ તાલુકા અને શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં પણ 10 ઈંચ વરસાદે વધારી લોકોની મુશ્કેલી વધી છે. તો માણાવદમાં 9 ઈંચ, મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો. માળિયા હાટીના, ભેંસાણમાં પણ 6.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.
જૂનાગઢના- ઘેડના મતિયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ચારેતરફ સ્થળ ત્યા જળ જેવી સ્થિતિ જોવા મળી. ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદ બાદ મતિયાણા ગામની ચારે તરફ પાણી ભરાયા છે. લોકોને ક્યાં જવુ તે સમજાતું નથી.
ભારે વરસાદ બાદ જુનાગઢનું પીપલાણાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. મૃતદેહને ગામમાંથી બહાર લઈ આવવા કેશોદ નગરપાલિકાની ટીમ પહોંચી છે. જોકે, ગામના સ્મશાનમાં પણ પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદ બાદ ઓઝત બે બાદલપરા ડેમમાં નવા નીરની આવક થઈ. ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જિલ્લાનો સૌથી મોટો ડેમ છે, જે ખેડૂતોને સિંચાઇ માટે અને ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. 5400 ક્યુસેકની આવક એટલી જાવક થઈ રહી છે. હાલ રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા છે. પાણી છોડાતા ઓઝત કાઠા ઉપર આવેલ વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. આ પાણી ઘેડ પંથકના ગામોને વધુ પ્રભાવિત કરશે.
ગીર સોમનાથમાંજગવિખ્યાત પ્રાચી માધવરાય મંદિર ભગવાન માધવરાય પાણીમાં ગરકાવ થયા છે. સરસ્વતી નદીમાં પાણી આવતા માધવરાય પાણીમાં ડૂબ્યા છે. ગીરમાં ધોધમાર વરસાદ પડતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે.
જૂનાગઢમાં મજેવડી દરવાજા સામે જૂની ઈમારત વરસાદને કારણે ધસી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મજેવડી દરવાજા પાસે આવેલ એક જૂની અને જર્જરિત ઈમારત ધસી પડી હતી.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આઈસરનું એક વ્હીલ રસ્તામાં ફસાયું હતું. ભારે વરસાદ બાદ રસ્તા બેસી જતા આ ઘટના બની હતી. શહેરના અનેક રસ્તાઓ વરસાદના કારણે બેસી ગયા છે.
હાલ સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષાનો માહોલ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી રીતે તમામ તાલુકામાં ભારે વરસાદ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સાડા 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જુનાગઢ સિટીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢ જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ અને જૂનાગઢના માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 109 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો.
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સાંજના સમયે ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. માળીયા હાટીનામાં સિઝનનો કુલ 241 મિમી વરસાદ નોંધાયો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યુ છે. તો આંબેચા, વીરડી, વડાળા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવામળી છે. માણાવદરનું પાજોદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજોદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્યાં છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને પડી ભારે હાલાકી પડી રહી છે. માણાવદ થી જતો સરાડીયા પોરબંદર હાઇવે બંધ જેવી સ્થિતિમાં ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. માણાવદરનાં પાજોદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા.
Trending Photos