સ્વતંત્રતા દિન પર ગુજરાત, ગોધરામાં સૌથી ઊંચો ધ્વજ ફરકાવાયો, તો ક્યાંક સ્મશાનમાં ઉજવણી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતભરમાં આજે વિવિધ સ્થળોએ સ્વતંત્ર્ય પર્વ (Independence Day) ની ઉજવણી સાદગીથી કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અશ્વ પાલક મંડળ દ્વારા અનોખી રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ઘોડાની કાઠીયાવાડી અને મારવાડી નસલ સંદર્ભે લોકોને જાગૃતિ લાવવા માટે ગાંધીનગરના માર્ગો ઉપર અશ્વ કેટવોક કરાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તેઓ દિવાળી, 26 જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે ગાંધીનગરમાં અશ્વ સાથેની વિવિધ હરીફાઈ અને જનજાગૃતિનો કાર્યક્રમ આપતા હોય છે. રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ શહેરના માર્ગો ઉપર રાષ્ટ્રધ્વજ સાથે અશ્વ સવારી ફેરવવામાં આવી હતી.
15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજવંદન કર્યા બાદ કોરોના સંક્રમણ કાળ દરમ્યાન ઉમદા ફરજ બજાવનારા 50 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ભાષણમાં રાજ્ય સરકારની કામગીરી અને સિદ્ધીઓને વર્ણવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, સમગ્ર દુનિયા કોરોના સામે ઝઝૂમી રહી છે. ગુજરાત પોતાની સંકલ્પ સિદ્ધિના આધારે જરૂરથી કોરોનાની લડાઈ સામે જીત હાંસલ કરશે. સુરતમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, વરસાદી વાતાવરણ વચ્ચે ગઇકાલથી જ સુરતના પ્રશાસનના સતત સંપર્કમાં છું. વરસાદ ઓછો થયો છે અને જેથી હવે આ પૂર પણ ઓછા થશે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 2 ઓક્ટોબર સુધીમાં રાજ્યના પાંચ જિલ્લાઓને ડેવલપ કરાશે, જ્યાં ઘર-ઘર સુધી પહોંચતું હશે.
અમદાવાદમાં આજે 74 માં સ્વતંત્રતા દિવસની શહેર કક્ષાના સ્વતંત્ર દિનની રિવરફ્રન્ટ ખાતે ઉજવણી કરાઈ હતી. મેયર બીજલ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મ્યુનિ. કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ઉજવણીમાં કેટલાક અધિકારી માસ્ક વગર જોવા મળ્યા હતા. ફોટો સેશન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો.
આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આજે દેશમાં દરેક સ્થળો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં ત્રિરંગો લહેરાવાયો હતો. આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને મોક્ષધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને માત્ર શાળાના સ્ટાફની હાજરીમાં સ્મશાન ખાતે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને સ્મશાનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે.
મહેસાણાના કડી ખાતે ધ્વજવંદન સમયે યોગ્ય સમયે ધ્વજ ન ફક્યો ન હતો. મહેસાણાના કડીમાં 74માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણીમાં ધ્વજનું મહદઅંશે અપમાન થયેલું જોવા મળ્યું. કડીના તાલુકા સેવાસદન કડી ખાતે પ્રાંત અધિકારીએ ધ્વજ ફરકાવ્યો હતો. કેતકી વ્યાસે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરતા રાષ્ટ્રીય ધ્વજ ફરક્યો જ નહિ અને ધ્વજ નીચે આવ્યો હતો. તો સાથે જ તેઓ માસ્ક વિના ધ્વજ વંદન કરતા અનેક અટકળો વહેતી થઈ હતી.
74માં સ્વાતંત્ર્ય દિને ગોધરામાં સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવાયો હતો. જિલ્લાનો સૌથી ઊંચો 30.5 મીટરનો રાષ્ટ્રધ્વજ ગોધરામાં લહેરાયો હતો. જિલ્લામાં સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજની ડ્રોન કેમેરાથી ઝલક જોવા જેવી બની રહી છે. ગોધરા નગરપાલિકા દ્વારા ગાંધી ચોક ખાતે 30.5મીટર ઉંચો ત્રિરંગો લહેરાવાયો છે. ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી ના હસ્તે ત્રિરંગો લહેવાયો હતો. ગાંધી ચોક ખાતે લહેરાતો રાષ્ટ્રધ્જ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Trending Photos