પ્રમુખ સ્વામી નગરનું મુખ્ય આકર્ષણ છે સંત પ્રવેશદ્વાર, કોઈ એન્જિનિયરની મદદ વગર સંતો-સેવકોએ જાતે તૈયાર કર્યો
Pramukh Swami Shatabdi Mahotsav ગૌરવ પટેલ/અમદાવાદ : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદના આંગણે ભવ્ય ઉજવણી થઈ રહી છે. ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે. આ નગર એક અજાયબી જેવું છે. અહી આવનારા દરેક મુલાકાતીને આકર્ષે તેવુ છે. નગર માટે કુલ સાત પ્રવેશદ્વાર બનાવાયા હતા. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એટલે સંત પ્રવેશદ્વાર. ત્યારે આ ભવ્ય સંત પ્રવેશદ્વારને બનાવવા માટે એક વર્ષની મહેનત લાગી છે.
સંત પ્રવેશદ્વાર કુલ 380 ફુટ લંબાઇ અને 35 ફુટ પહોળો તથા 51 ફુટ ઉંચો છે. સંત પ્રવેશદ્વાર પર કુલ 14 સંતોની 28 પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. જેમાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મુક્તાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, ગૌતમબુદ્ધ, સંતરોહીદાસ, રામાનુજાચાર્ય, ગુરુનાનાક, સ્વામી વિવેકાનંદ, સંત તુલસીદાસજી, મીરાબાઇ, નરસિંહ મહેતા, મહાવીર સ્વામી, સંત કબીરની પ્રતિમાનો સમાવેશ થાય છે.
તમામ પ્રતિમાઓ ધાતુની બનાવાઈ છે, જેથી તેને ફરીથી અન્ય જગ્યાએ સ્થાપિત કરી શકાય. આ પ્રવેશદ્વારની ખૂબી વિશે ગ્નાનાનંદ સ્વામીએ ઝી 24 કલાકને જણાવ્યું કે, સનાતન હિન્દુ ધર્મના આ સંતોએ સમાજ ઘડતરનુ મોટું કાર્ય કર્યું છે. તેથી અમે પ્રવેશદ્વાર પર સંતોને સ્થાન આપ્યું છે. સંત દ્વારમાં બારીક કલાત્મક કોતરણી સહિત મયુરની પ્રતિમા રખાઇ છે.
આ ભવ્ય પ્રવેશદ્વારને બનાવવમાં એક વર્ષનો સમય લાગ્યો છે. પરંતુ તેની ખાસ વાત એ છે કે, પ્રવેશદ્વાર બવાવવા માટે કોઇ શિલ્પકારની મદદ લેવાઇ નથી. આ ભવ્ય પ્રવેશદ્વાર સંતો અને સ્વયં સેવકોએ જ તૈયાર કર્યો છે. દ્વાર માટે ઉપયોગમાં લેવાયેલ તમામ મટીરિયલ રીયુઝેબલ છે.
Trending Photos