વેરાવળનો વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો, પરંતુ પરિવારને તેનું ડેથ સર્ટિફિકેટ મળ્યું

Rajkot Fire Latest Update : રાજકોટના ગેમઝોને 28 લોકોની જિંદગી છીનવી. રાજકોટના મૃતકોમાં માત્ર 28 લોકો જ ન હતા, પરંતું 28 લોકો સાથે જોડાયેલા પરિવારોને જીવતેજીવ મોત મળ્યું છે. તેમના ઘરોમાં હૈયુ હચમચાવી દે તેવો વલોપાત છે. સંતાનો વગર હવે તેમનું શું થશે. ત્રણ દિવસ આ ઘરોમાં કોઈના ગળેથી પાણી નથી ઉતર્યું. ગેમઝોનમાં રમવા ગયેલા લોકો કફન વીંટાળીને પાછા ફર્યાં છે. મૃતદેહોની જગ્યાએ પોટલામાં વીંટાળેલું શરીર પાછુ આવતા માતાપિતા ધબકારો ચૂકી ગયા હતા. આ આગ વેરાવળના દુશારા પરિવારની ત્રણ લોકોની જિંદગી ભરખી ગઈ. વિવેક દુશારા મેરેજ સર્ટિફિકેટ લેવા રાજકોટ ગયો હતો, પરંતુ પરિવારનો દીકરો ડેથ સર્ટિફિકેટમાં પાછો આવ્યો. 

ઘરે પહોંચ્યા નવયુગલના મૃતદેહો

1/7
image

રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડમાં 28 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ હતી. આ હતભાગીઓમાં વેરાવળના યુવક વિવેક અશોકભાઈ દુશારા અને તેનાં પત્ની ખુશાલી વિવેક દુશારાનો પણ સમાવેશ હતો. ચાર દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બંને પતિ-પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રીના મૃતદેહો વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા.

હજી બે મહિના પહેલા જ વિવેક અને ખુશાલીના લગ્ન થયા હતા

2/7
image

આ ઘટનાની કરુણતા તો એવી છે કે મૃતક વિવેકના હજુ બે માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસિયા સાથે લગ્ન થયાં હતાં. લગ્નજીવનમાં હજુ પા...પા પગલી માંડતા આ નવયુગલ અકાળે અવસાન સાથે કાળનો કોળિયો બની ગયું હતું. મૃતક વિવેકના પરિવારમાં માતા-પિતા અને નાની બહેન છે, જે આજે કાળો કલ્પાંત કરી રહ્યાં છે. મોડી રાત્રીના 11:00 વાગ્યા આસપાસ બંનેના મૃતદેહો વેરાવળ ખાતે તેમના નિવાસ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હિન્દુ શાસ્ત્ર મુજબ વિધિ કર્યા બાદ ત્રિવેણી સંગમ ખાતે બંનેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો

3/7
image

મૃતક વિવેકના 2 માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસિયા સાથે લગ્ન થયાં હતાં અને લગ્ન બાદ ખુશાલી પોતાના પિયર રાજકોટ ગઈ હતી. જેથી તેને તેડવા અને મેરેજ સર્ટિફિકેટ કઢાવવા વિવેક રાજકોટ ગયો હતો. આ વચ્ચે પત્ની તથા સાળી ટીશા સાથે વિવેક ગેમ ઝોનમાં ફરવા ગયો હતો. પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હતી. પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું, પરંતુ પરિવારને પુત્રનું ડેથ સર્ટિફિકેટ મળ્યું હતું.  

ખુશાલી અને ટીશાના મૃતદેહો એકબીજા સાથે ચોંટેલા હતા

4/7
image

એવુ પણ જાણવા મળ્યું કે, જ્યારે ખુશાલી અને તેની બહેન ટીશાના મૃતદેહો મળ્યા હતા, તો બંને એકબીજા સાથે ચોંટેલા હતા. મોટી બહેને આગમાં નાની બહેનને બચાવવાન પ્રયાસ કર્યો હતો, જેથી બંનેના મૃતદેહો એકબીજાને સથવારો આપતા હોય તેવા હતા. આ દ્રશ્યો બહુ જ ભાવુક બની રહ્યા હતા. 

25 મૃતદેહોની ઓળખ થઈ

5/7
image

રાજકોટ આગકાંડ અત્યારસુધી 25 લોકોની ઓળખ થઈ છે. મુખ્ય આરોપી અને રાજકોટ ગેમઝોનમાં ભાગીદાર પ્રકાશ હિરન(જૈન)નો  પણ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 25 મૃતદેહોને તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત સરકાર હજી પણ કંઈ મૂંઝવણમાં છે તે સમજાતું નથી. રાજકોટમાં બનેલ અગ્નિકાંડનો મામલામાં હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું હતું. લાયસન્સ અથવા NOC વગરના ગેમ ઝોનના સંચાલકો પર ફરિયાદ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ગેમ ઝોનના સંચાલકો પર ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે રાજકોટના ગેમ ઝોનના સંચાલકો હાલમાં રફુચક્કર થઈ ગયા છે.   

તંત્રના મોતના આંકડા છુપાવી રહ્યું છે

6/7
image

મૃતદેહો અને મોતના આંકડા વચ્ચે વિસંગતતા દેખાતા કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલાએ સવાલો કર્યા કે, રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક મામલે વિસંગતતા સામે આવી રહી છે. FIRમાં 28ના મૃત્યુનો ઉલ્લેખ છે. જ્યારે મૃતદેહો 29 મળ્યા છે. અત્યાર સુધીમાં 25 મૃતદેહો પરિવારને સોંપાયા છે. હજુ 4 મૃતદેહો સિવિલ અને AIIMSના કોલ્ડ સ્ટોરેજમાં છે. જ્યારે રાજકોટ કલેક્ટરના દાવા અનુસાર 27ના DNA ટેસ્ટ થઈ ગયા છે. જેમાંથી 25ના મૃતકોના શબ પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે 2 મૃતદેહો પરિવારને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. .તંત્ર ખરો મૃત્યુઆંક છુપાવતી હોવાનો કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલા દાવો કરી રહ્યા છે. 

તંત્રના મોતના આંકડા છુપાવી રહ્યું છે

7/7
image

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તો ઘટનામાં 44 લોકો પીડિત હોવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ હવે લાપતા લોકોના પરિવારને સંપર્ક કરવાની અપીલ કરી રહી છે. સવાલ એ છે કે આ બધામાં સાચું કોણ? હજુ કેટલા લોકો લાપતા છે? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તંત્ર આંકડા છુપાવી રહ્યું છે કે શું.