આ વિસ્તારોમાં પુર આવશે, 10 ઇંચથી વધુ વરસાદ પડશે, આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Heavy Rains: હવામાન વિભાગની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ વરસવાની આગાહી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, કચ્છ, અમરેલી, ઉના, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. કચ્છના માંડવીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. બોટાદમાં પણ સારો વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.
સવારે છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, પોરબંદર અને બોટાદમાં વરસ્યો હતો. બપોર બાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.
આ સાથે રાજકોટના જસદણ સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ. જૂનાગઢના મજેવડી સહિતના ગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મોટી ભરતીના કારણે દરિયો તોફાની બન્યો છે. દમણનો અદભુત નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ છવાયો છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વડિયા શહેર સહિત ડોળિયા, માંડળ, મોરંગી ડુંગરમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. આ સાથે સાવરકુંડલા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યા. લાઠી, બાબરા, ધારી, વડીયા વિસ્તારમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ થયો. તો ધારી અને બાબરા પંથકમાં પણ બપોર બાદ વરસાદી માહોલ છવાયો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. સમગ્ર અમરેલી પંથકમાં વરસાદી માહોલ છવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.
વડોદરા થો઼ડા વરસાદે ભરાયા પાણી
અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે. રાત્રી દરમિયાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. પણ બીજી તરફ વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસાની ઋતુનાં પહેલાં વરસાદમાં જ તંત્રની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
સામાન્ય વરસાદમાં જ કોયલી વિસ્તારની અનેક સોસાયટીના ગેટ પર વરસાદી પાણી ભરાય જતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. તંત્રના પ્રીમોન્સુન કામગીરીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાતા કોયલીની મિત અને શિવમ રેસીડેન્સીના રહિશો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી
કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ વરસશે.
આજે નર્મદા, તાપી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતી કાલે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે, વાવણી લાયક વરસાદ થાય.
Trending Photos