Photos : ગુજરાતના આ શહેરમાં વેચાઈ રહી છે માત્ર 14 રૂપિયા કિલોના ભાવે ડુંગળી
નવનીત દલવાડી/ભાવનગર :હાલના સમયમાં ડુંગળીના ભાવ (Onion Price) આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી 80 થી 100 રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવારથી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ વિખેરી નાંખ્યું છે. ત્યારે ભાવનગર (Bhavnagar) ના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી માત્ર 14 રૂપિયે કિલોના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડિહાઈડ્રેટ (Dehydrated Onion) કરેલી આ ડુંગળી માત્ર ૩ મિનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે. હાલ આ ડુંગળી રસોઈ માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
ભારત દેશના દરેક પરિવારમા ડુંગળીનો રોજિંદા જીવનના ખોરાકમાં ઉપયોગ કરે છે. અગાઉના સમયમાં 5 થી 10 રૂપિયે કિલો મળતી ડુંગળી હાલના સમયમાં તેની મહત્તમ સપાટી પર પહોંચી છે. હાલ માર્કેટમાં ડુંગળી 80 થી 100 રૂપિયાના કિલોના ભાવે બજારમાં છૂટક ભાવે વેચાઈ રહી છે. જેને લઇ સામાન્યથી લઇ ગરીબ પરિવાર માટે ડુંગળીનો રોજિંદો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. શાકભાજી કરતા પણ મોંઘા ભાવની ડુંગળી ખરીદી કરવી એ ગરીબ પરિવારનું ગજું નથી. ત્યારે આ તમામ લોકોને રાહત મળે તેવા સમાચાર ભાવનગરથી મળ્યાં છે.
ભાવનગરનું મહુવામાં દેશના 75% જેટલા ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે. જેમાં ડુંગળીને પ્રોસેસ કરી તેણે સૂકવવામાં આવે છે. મહુવાના વેપારીઓ જ્યારે માર્કેટમાં ડુંગળી 5 થી 10 રૂપિયે કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ હોય છે, ત્યારે હજારો ટન ખરીદી કરી લે છે. બાદમાં તેને ડિહાઈડ્રેશનની પ્રોસેસ દ્વારા સૂકવી દેવામાં આવે છે. જેમાં સાત કિલો ડુંગળીને સુકવી નાખતા તેમાં 1 કિલો સૂકી ડુંગળી રહે છે. આ ડુંગળીને કિબલ કહે છે. જેનો વધુ પડતો ઉપયોગ વિદેશોમાં અને દેશમાં મસાલા બનાવતી કંપનીઓ, અન્ય પ્રોડક્ટના લોકો તેમજ હોટેલમાં ઉપયોગ કરવામાં આવે છે. આ સૂકી ડુંગળીને ગરમ પાણીમાં માત્ર ૩ મિનીટ પલાળી રાખવાથી તે ફરી પોતાનો ઓરિજનલ ટેસ્ટ અને સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આમ, ડુંગળીનો ખોરાકમાં વપરાશ કરી શકાય છે. ત્રણ મિનીટ ગરમ પાણીમાં પલાળી રાખતા ડુંગળી આ પાણી શોષીને ફરી હરીભરી બની જાય છે તેવું ડિહાઈડ્રેશન પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈ કોરાડીયા કહે છે.
આ કિબલ ડુંગળીનું ચલણ હજુ ભારતમાં ખાસ નથી. ત્યારે જો વિદેશમાં આ કિબલ ડુંગળીને ઉપયોગમાં લેવામાં આવતી હોય તો આપણી સરકારે પણ હાલ આ ડુંગળીને ઉપયોગમાં લેવાય તેવા શક્ય પ્રયાસો હાથ ધરવા જોઈએ. જો સરકાર આ બાબતે પ્રયાસ કરે તો દુકાનો-મોલમાં આ સુકી ડુંગળી(કિબલ) નું વેચાણ થઇ શકે છે અને લોકો સસ્તી ડુંગળી કાયમી આરોગી શકે તેમાં કોઈ શંકા નથી.
Trending Photos