ચક્રવાત ફાની: IPSએ લોકોને હાથ જોડીને કહ્યું, 'તોફાન આવે તે પહેલા જતા રહો સુરક્ષિત સ્થળો પર'

પ્રચંડ અને શક્તિશાળી વાવાઝોડું ફાની આખરે ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ગંભીરતાને ધ્યાનમાં લેતા સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. એક 10,000 ગામડાઓ અને 52 જેટલા શહેરો આ ચક્રવાતની ચપેટમાં આવી જાય તેવી આશંકા છે. આ દરમિયાન તોફાનની ઝડપ 225 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. તોફાન અગાઉ જ ઓડિશાના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાયો અને વરસાદ પણ પડી રહ્યો હતો. IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. 

ઘરે ઘરે જઈને લોકોને કરી ભલામણ

1/5
image

ચક્રવાત ફાની ટકરાયું તે અગાઉ સમગ્ર પ્રશાસન લોકોને સમુદ્રમાં અને કાંઠા વિસ્તારોમાં ઊભી થઈ રહેલી ભયાનક સ્થિતિ અંગે લોકોને જાણ કરી રહ્યું છે. ચક્રવાતના કારણે ઓડિશા, આંધ્ર  પ્રદેશ, અને પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યાં છે. બ્રહ્મપુરના એસપી, આઈપીએસ પિનક મિશ્રા વરસાદમાં જ લોકોના ઘરે ઘરે જઈને તેમને સુરક્ષિત સ્થળે જવા માટે ભલામણ કરી રહ્યાં છે. 

પડકાર ઝીલવા એનડીઆરએફ તૈયાર

2/5
image

ફાનીને પહોંચી વળવા માટે એનડીઆરએફની 81 ટીમો તહેનાત કરાઈ છે. આ ટીમોમાં ચાર હજારથી વધુ વિશિષ્ટ કર્મીઓ સામેલ છે. ચક્રવાત ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કરે તેવી આશંકા છે. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું કે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 50 ટીમ પહેલેથી તહેનાત છે. જ્યારે 31 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. ઓડિશામાં પુરીની આસપાસ અત્યાધુનિક સાધનસામગ્રીથી લેસ 28 ટીમો તહેનાત છે. 

આ જ રીતે આંધ્ર પ્રદેશમાં 12 ટીમો અને પ.બંગાળમાં છ ટીમો તહેનાત છે. બાકીની ટીમો કે જેમા પ્રત્યેક ટીમમાં લગભગ 50 કર્મીઓ સામેલ છે તેમને આ રાજ્યોમાં તહેનાત કરાયા છે. ટીમો વધારાની બોટ, સેટેલાઈટ ફોન, ચિકિત્સક સાધનો, દવાઓ, પિકઅપ વાહનો, અન્ય ગેઝેટ્સથી લેસ છે. (તસવીર-સાભાર આઈએએનએસ)

તોફાને પુરીના દરિયાકાંઠાના વિસ્તારે આપી દસ્તક

3/5
image

શુક્રવાર સવારે પુરીના દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાન ટકરાઈ ચૂક્યું છે. બપોર સુધીમાં ત્યાં રહે તેવી શક્યતા છે. પુરીમાં આ ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ ચાલુ છે. સરકારે 11 લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.  (તસવીર-સાભાર રોયટર્સ)

ઓડિશાના દરિયાકાંઠે સવા 9 વાગે ટકરાયું તોફાન

4/5
image

આ તોફાન પુરીની પાસે દરિયાકાંઠે સવા 9 વાગે ટકરાયું છે. અત્યંત પ્રચંડ ચક્રવાતની ઓડિશાના તટ પર ટકરાવવાની પૂરી પ્રક્રિયા 4-5 કલાક સુધી ચાલશે.   

ટ્રેન અને વિમાન સેવા બંધ

5/5
image

ચક્રવાત ફાનીના કારણે ઓડિશામાં આગામી બે દિવસ ટ્રેન અને વિમાન સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે તેવી આશંકા છે. લગભગ બે દાયકાનું સૌથી શક્તિશાળી આ તોફાન શુક્રવારે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું. કોલકાતા-ચેન્નાઈ માર્ગ પર 220થી વધુ ટ્રેનો શનિવાર સુધી રદ કરાઈ છે. ઉડ્ડયન નિયામક ડીજીસીએ જાહેરાત કરી કે ભુવનેશ્વર એરપોર્ટ પર વિમાનોની અવરજવર શુક્રવારે બંધ રહેશે. આ સાથે જ અલગ અલગ ડોમેસ્ટિક એરલાઈન્સનું સંચાલન પણ પ્રભાવિત થયું છે. ચક્રવાતથી પ.બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તામિલનાડુ પણ પ્રભાવિત થવાની સંભાવના છે. (તસવીર-આઈએએનએસ)