કરોડપતિ પરિવારની વહુ બની ગયા સાધ્વી, જીગીશા શાહ આજથી બન્યા સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી
Vadodara News : બંને પુત્રો બાદ માતા સંયમના માર્ગે નીકળ્યા. વડોદરાના ઉદ્યોગપતિની દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરી અમદાવાદમાં દીક્ષા લીધી. જીગીશા શાહ હવે સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી મહારાજ બની ગયા છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી છે.
સંયમના માર્ગે જીગીશાબેન
જીગીશાબેનના લગ્ન અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલભાઈ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ તેમના પરિવારમાં બે દીકરાનો જન્મ થયો હતો. વર્ષ 2017 માં તેમના બંને દીકરાઓએ દીક્ષા લીધી હતી. ત્યારે હવે માતાએ પણ દીકરાઓને પગલે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં તેમણે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજની દીક્ષા લીધી હતી.
આમ, તેમણે પોતાની વૈભવી સંપત્તિ ત્યજી દેતા એક સેકન્ડનો પણ વિચાર કર્યો ન હતો. તેમની સાથે અમદાવાદમાં દિનેશભાઈ કોઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓઘો ગ્રહણ કરી દિક્ષા લીધી હતી.
કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.
દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય
જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે.
રંગીન કપડા અને વાળનો કરાય છે ત્યાગ
વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.
Trending Photos