વડોદરાની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી રૂપાણી, મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત

વડોદરામાં આવેલી આકાશી આફતના ત્રીજા દિવસે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે વડોદરાવાસીઓને જણાવ્યું કે, 31 જુલાઈથી જ શહેરની ચિંતા શરૂ કરી હતી. અમારા કારણે અહીં ચાલી રહેલી રાહત-બચાવ કામગીરીમાં વિધ્ન ન પડે તેના કારણે તરત જ આવ્યા ન હતા. વડોદરામાં એક દિવસમાં આખી સીઝનનો 20 ઈંચ વરસાદ પડી જવાના કારણે પૂર આવ્યું હતું. 
 

વડોદરાઃ વડોદરામાં આવેલી આકાશી આફતના ત્રીજા દિવસે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે વડોદરાવાસીઓને જણાવ્યું કે, 31 જુલાઈથી જ શહેરની ચિંતા શરૂ કરી હતી. અમારા કારણે અહીં ચાલી રહેલી રાહત-બચાવ કામગીરીમાં વિધ્ન ન પડે તેના કારણે તરત જ આવ્યા ન હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસદાના કારણે વિસ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું અને શહેરમાં પૂર આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પણ સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરમાં 4000થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા છે. NDRFની 11 ટીમ શહેરમાં રાહત-બચાવ કાર્યમાં જોતરાયેલી હતી. (ફોટો સાભારઃ ANI)

રેસ્ક્યુ કામગીરી પૂર્ણ, રિલીફ કામગીરી શરૂ થશેઃ મુખ્યમંત્રી

1/4
image

વડોદરા ખાતે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, શહેરમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂરમાં મૃત્યુ પામનારા લોકોના પરિજનોને રૂ.4 લાખની આર્થિક સહાય અપાશે. જે લોકોનો વેપાર થઈ શક્યો નથી, ધંધામાં નુકસાન થયું છે તેમને આવતીકાલથી કેસડોલ આપવામાં આવશે. ઘરવખરીના નુકસાનનો સર્વે કરીને પણ લોકોને આર્થિક સહાય ચૂકવાશે. વડોદરા માટે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. 

સફાઈ કામગીરી માટે 98 હેલ્થ ટીમ વડોદરામાં નાખશે ધામા

2/4
image

રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરમાં સફાઈની કામગીરી અને રોગચાળો ફાટી ન નીકળે તેની દેખરેખ રાખવા માટે આરોગ્ય વિભાગની 98 ટીમો આવતીકાલથી કામે લાગી જશે. આ ટીમો ડોર ટૂ ડોર ફરીને લોકોને આરોગ્ય વિષયક સેવાઓ આપશે. શહેરમાં હજુ 20 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે. આ પાણી ખેંચવા માટે 100થી વધુ પંપ કાર્યરત કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, MGVCLના 58 ફીડર બંધ હતા, જેને કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં પણ ટ્રાન્સફોર્મર ખરાબ થયા છે, તેને રિપેર કરીને આવતીકાલ સુધીમાં લોકોને વીજળી મળતી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે.   

NDRFની ટીમ રહેશે સ્ટેન્ડબાયઃ સીએમ

3/4
image

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાની રાહત કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં પૂરના પાણી સાથે તણાઈ આવેલા મગરોના રેસ્ક્યુ માટે વન વિભાગની 12 ટીમને વડોદરા મોકલવામાં આવી હતી. શહેરમાં 150 ઝાડને રસ્તા પરથી દૂર કર્યા છે અને હજુ 70 ઝાડ હટાવાના બાકી છે. આ સાથે જ તેમણે વડોદરાવાસીઓને અપીલ કરી છે કે, જેમના વાહન બંધ થયા છે અને રસ્તા પર પડેલા છે તેઓ પોતાના વાહન ઝડપથી રસ્તા પરથી ખસેડી લે, જેથી વાહન-વ્યવહાર પૂર્વવત થઈ શકે. શહેરમાં NDRFની 11 ટીમ રાહત-બચાવ કામગિરી માટે આવી હતી. હવામાન વિભાગે હજુ વધુ વરસાદની આગાહી કરી હોવાના કારણે NDRFની ટીમ શહેરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

શાળા-કોલેજો સોમવારથી શરૂ થશે

4/4
image

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, શહેરની અનેક શાળાઓ અને કોલેજોમાં પણ પૂરનાં પાણી ઘુસી ગયાં હતાં. આ કારણે શનિવારે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શનિવારે શાળા-કોલેજોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સોમવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા, કોઈએ ખોટી અફવા ફેલાવી હતી. આજવા ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, લોકોને 3 દિવસ ચાલે તેટલી કેસડોલ આપવામાં આવશે.