Photos : મેલબોર્નને પણ ટક્કર મારશે અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, કાઉન્ટડાઉન અંતિમ તબક્કામાં

ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ. હાલ તો મોટેરા સ્ટેડિયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મેદાનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ મેદાનમાં સીટિંગ એરેન્જમેન્ટ રેડી થઈ રહી છે. ખુરશીઓ મૂકાઈ રહી છે, તો સાથે જ પીચ પણ ઓલમોસ્ટ રેડી થવા આવી છે. 

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ. હાલ તો મોટેરા સ્ટેડિયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મેદાનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ મેદાનમાં સીટિંગ એરેન્જમેન્ટ રેડી થઈ રહી છે. ખુરશીઓ મૂકાઈ રહી છે, તો સાથે જ પીચ પણ ઓલમોસ્ટ રેડી થવા આવી છે. 
 

1/5
image

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રૂપિયા 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવી રહ્યું છે. મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર આકાર પામી રહ્યું છે, જેની ક્ષમતા 1,10,000 જેટલી થવા જઈ રહી છે. જે અગાઉ આશરે 54,000 જેટલી જ હતી. નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની ખાસિયતની વાત કરીએ તો, સમગ્ર સ્ટેડિયમમાં ક્યાંય પિલ્લર નહીં જોવા મળે જેના કારણે મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના મેચ જોઈ શકાશે. BOSSના મ્યુઝિક સીસ્ટમ સાથે સમગ્ર સ્ટેડિયમ સજ્જ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ પણ બનાવાઈ રહ્યા છે. આ કોર્પોરેટ બોક્સને અલાયદી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મેદાનમાં LED લાઈટ પણ લગાવવામાં આવશે. સાથે જ લાઈટને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તેના માટે બે મોટા જનરેટર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. 

2/5
image

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ મેદાન બનીને તૈયાર થઈ રહ્યું છે. હાલ જુદા જુદા પ્રકારની માટીના માધ્યમથી ICCના નિયમો મુજબ પીચનું નિર્માણ થઈ રહ્યું છે. પીચની અને આસપાસના મેદાનની વાત કરીએ તો વરસાદ બંધ થયા બાદ થોડી જ મિનીટોમાં રમત ફરી શરૂ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેના માટે મેદાનની નીચે અલગ જ પ્રકારની ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી છે. આ મેદાન અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો માટે યાદગાર પણ રહ્યું છે. હવે જલ્દી જ ફરી એકવાર મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટરો તેમજ ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર બનવા જઈ રહ્યું છે.  

3/5
image

હાલમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ખુરશી મૂકવાનું કામકાજ ચાલી રહ્યું છે. અંતિમ ફિનીશીંગ આપવાનું કામ તેમજ કોમેન્ટ્રી બોક્સ પણ તૈયાર કરાવાઈ રહ્યું છે. મેદાનમાં ત્રણ જુદા જુદા પ્રકારની ખુરશી મેદાનના જુદા જુદા ભાગમાં મૂકવામાં આવશે. તો અહીં પહોંચવામાં અને પોતાની બેઠક શોધવામાં કોઈ દર્શકોને મુશ્કેલી ન સર્જાય તે માટે સરળ વ્યવસ્થા કરાશે. જે મુજબ દર્શક કોઈ પણ ગેટમાંથી મેદાનમાં પ્રવેશી શકશે. સાથે જ પોતાની બેઠક સુધી પહોંચી શકે તેવું આયોજન કરાઈ રહ્યું છે. મેદાનમાં પ્રવેશવા માટે હાલ એક મુખ્ય દ્વાર તો રહેશે. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ મેદાનની પાછળના ભાગથી પણ દર્શકોને બહાર તરફ જવા માટેનો માર્ગ આપવામાં આવશે. 20 જેટલા ખેલાડીઓ એક સાથે પોતાની કીટ મૂકી શકે તેવી વ્યવસ્થા સાથે 4 જેટલા તમામ સુવિધાઓથી સજ્જ ડ્રેસિંગરૂમ પણ બનાવાઈ રહ્યાં છે. સાથે જ પ્રેક્ટિસ માટે પણ અલગ પીચ બનાવાઈ રહી છે.

4/5
image

અમદાવાદ ખાતેના મોટેરા સ્ટેડીયમ ખાતે માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ એક ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવાઈ રહ્યું છે. આ ક્લબ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ તથા વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમ જેવી કે પુલ, ટેબલ ટેનીસ, કેરમ, ચેસ રમી શકાય તેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ આ ક્લબ હાઉસમાં 55 જેટલા ભવ્ય રૂમ પણ બનાવાઈ રહ્યા છે, જે આ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થઇ જશે. તો સાથે જ હોકી, કબડ્ડી, ખો ખો જેવી રમતો માટે પણ અલગ જ એક મેદાનની વ્યવસ્થા કરાઈ છે. ઓલિમ્પિક સાઈઝના આ તમામ મેદાન બનાવાઈ રહ્યા છે, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવાનો છે.  

5/5
image

અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ ક્ષમતાની દ્રષ્ટિથી જોતા આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટું હશે. જેની ક્ષમતા આશરે 1 લાખની છે. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની હશે. હાલમાં GCAના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણી અને સંયુક્ત સચિવ જય શાહ દ્વારા સમયાંતરે મેદાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સમયસર મેદાન બનીને તૈયાર થાય તેવા પ્રકારની કામગીરી ઝડપથી કરાવાઈ રહી છે.