અમદાવાદ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસિલ કર્યો, યુદ્ધના ધોરણે બનાવ્યો રનવે
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસિલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે. 600 કારીગરો દ્વારા દિવસરાત મહેનત કરીને 3.5 કિલોમીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 200 થી વધુ મશીનનો ઉપયોગ થયો છે. રનવે 45 મીટર પહોળો છે. જેમાં 9 કિલોમીટરની ડ્રેનેજ લાઈન છે. જેમાં વરસાદનું પાણી નહિ ભરાય.
Trending Photos