આ આગાહીથી ઉડી જશે ગુજરાતીઓની ઉંઘ! રાજ્યના 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 4માં અપાયું ઓરેન્જ એલર્ટ
Gujarat Monsoon 2023: આજથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે 6 કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 4 ઈંચથી વધુ અને ભુજમાં 2.36 ઈંચ વરસાદ વરસ્યો છે, તો 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે.
હવામાન વિભાગે અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અમદાવાદમાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરના એસ.જી હાઇવે પર વિઝિબિલિટી લો થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કચ્છના ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે. તો ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Trending Photos