Churma na Ladoo: આ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ચુરમાના લાડુ, ગણેશ ચતુર્થી પર બાપ્પાને કરો અર્પણ
Churma na Ladoo: ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી નિયમિત તેમની પૂજા અર્ચના કરે છે. સાથે જ તેમને અલગ અલગ ભોગ ધરાવે છે. જેમાં ખાસ હોય છે ભગવાન ગણેશને પ્રિય ચૂરમાના લાડુ. મોટાભાગના ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે ચૂરમાના લાડુ બને છે. આજે તમને ચુરમાના પરફેક્ટ લાડુ કેવી રીતે બનાવવા તે જણાવીએ.
Trending Photos
Churma na Ladoo: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. ગણેશ ઉત્સવ 10 દિવસ ચાલે છે. આ સમય દરમિયાન લોકો ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી નિયમિત તેમની પૂજા અર્ચના કરે છે. સાથે જ તેમને અલગ અલગ ભોગ ધરાવે છે. જેમાં ખાસ હોય છે ભગવાન ગણેશને પ્રિય ચૂરમાના લાડુ. મોટાભાગના ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે ચૂરમાના લાડુ બને છે. આજે તમને ચુરમાના પરફેક્ટ લાડુ કેવી રીતે બનાવવા તે જણાવીએ. અહીં દર્શાવેલી સામગ્રીના પરફેક્ટ માપ સાથે જો તમે લાડુ બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ બેસ્ટ લાડુ બનીને તૈયાર થશે.
ચુરમાના લાડુ માટેની સામગ્રી
ઘઉંનો કરકરો લોટ - 500 ગ્રામ
ઘી - અડધો કપ
તળવા માટે ઘી - 300 ગ્રામ
ગોળ - 250 ગ્રામ
હુંફાળું પાણી - 3/4 કપ
જાયફળ અને એલચીનો પાવડર - અડધી ચમચી
ખસખસ જરૂર અનુસાર
ચુરમાના લાડુ બનાવવાની રીત
સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં ઘી ઉમેરી સારી રીતે મસળી લો. ઘી લોટમાં સારી રીતે લાગી જાય પછી તેમાં ધીરે ધીરે હૂંફાળું ગરમ પાણી ઉમેરી કડક લોટ બાંધો. જ્યારે લોટ તૈયાર થઈ જાય તો તેમાંથી નાના નાના મુઠીયા બનાવીને તેને 15 મિનિટ માટે ભીના કપડાથી તેને ઢાંકીને સાઈડ પર રાખો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલા લોટના મુઠીયા તેમાં ધીમા તાપે તળી લો.
તૈયાર કરેલા મુઠીયાને ઠંડા થાય પછી ટુકડા કરીને મિક્સરમાં કરકરું પીસી લો. લાડુ બનાવવા માટેનું ચૂરમું તૈયાર થઈ જશે. તૈયાર કરેલા ચુરમાને એક વાસણમાં કાઢી સાઈડ પર રાખો. હવે અન્ય એક વાસણમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય પછી તેમાં ગોળ ઉમેરો અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને ધીરે ધીરે હલાવતા રહો. ગોળને વધારે પકાવવો નહીં. ગોળ ઓગળી એટલે તેમાં થોડા પાણીના છાંટા નાખી ગોળને ચૂરમાના મિશ્રણમાં રેડી દો. સાથે જ તેમાં જાયફળ અને એલચીનો પાવડર ઉમેરો, જો લાડુમાં ડ્રાયફ્રુટ ઉમેરવા હોય તો આ સ્ટેજ પર ઉમેરી દેવા. ત્યારબાદ ધીરે ધીરે બધી વસ્તુને મિક્સ કરી લો. જ્યારે ચુરમું થોડું ઠંડુ થાય એટલે તેમાંથી નાના-નાના આકારના લાડુ તૈયાર કરી લો. તૈયાર કરેલા લાડુ પર ખસખસ લગાવી ગણપતિ બાપ્પાને ધરાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે