ઓબામાના પુસ્તકમાં સોનિયા ગાંધી પર દાવો, 'આ' કારણસર મનમોહન સિંહ બન્યા હતા PM

સંસ્મરણમાં ઓબામાએ રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના એક પેજ પર ઓબામાએ લખ્યું છે કે ભારતનું રાજકારણ હજુ પણ જાતિ, ધર્મ અને પરિવારની આજુબાજુ ઘૂમી રહ્યું છે. જો કે આ સંદર્ભમાં એમ કહી શકાય કે ડો.મનમોહન સિંહની પીએમ તરીકેની પસંદગી તેનાથી અલગ દેશની પ્રગતિની દિશામાં થયેલો એક પ્રયત્ન હતો.

ઓબામાના પુસ્તકમાં સોનિયા ગાંધી પર દાવો, 'આ' કારણસર મનમોહન સિંહ બન્યા હતા PM

નવી દિલ્હી: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા(Barack Obama)ના સંસ્મરણ('A Promised Land')ની હાલ ભારતમાં ખુબ ચર્ચા થઈ રહી છે. જ્યારથી ગત અઠવાડિયે તેમના પુસ્તકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી સામે આવી ત્યારથી આ ચર્ચા શરૂ થઈ છે. હવે રાજકારણ અને વિદેશની નીતિના જાણકાર તેની વ્યાખ્યા અને સમીક્ષા કરી રહ્યા છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'એ ઓબામાની સંસ્મરણની સમીક્ષા કરી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિએ દુનિયાભરના રાજનીતિક નેતાઓ ઉપરાંત અન્ય વિષયો પર પોતાના અનુભવ શેર કર્યા છે. 

સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ
સંસ્મરણમાં ઓબામાએ રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના એક પેજ પર ઓબામાએ લખ્યું છે કે ભારતનું રાજકારણ હજુ પણ જાતિ, ધર્મ અને પરિવારની આજુબાજુ ઘૂમી રહ્યું છે. જો કે આ સંદર્ભમાં એમ કહી શકાય કે ડો.મનમોહન સિંહની પીએમ તરીકેની પસંદગી તેનાથી અલગ દેશની પ્રગતિની દિશામાં થયેલો એક પ્રયત્ન હતો. પરંતુ તેની સાથે એ પણ સત્ય છે કે તેઓ પોતાની લોકપ્રિયતાના કારણે પ્રધાનમંત્રી નહતા બન્યા પરંતુ તેમને સોનિયા ગાંધીએ પીએમ બનાવ્યા હતા. આ અંગે એકથી વધુ રાજનીતિક વિશેષજ્ઞોએ સ્વીકાર્યું છે કે સોનિયા ગાંધીએ મનમોહન સિંહની પસંદગી ખુબ સમજી વિચારીને કરી હતી. મનમોહન સિંહ એક એવા વડીલ શીખ નેતા હતા કે જેમનો કોઈ રાષ્ટ્રીય રાજનીતિક આધાર નહતો. આવા નેતાથી તેમનો પોતાના 40 વર્ષના પુત્ર રાહુલ માટે કોઈ રાજકીય ખતરો દેખાતો નહતો. કારણ કે ત્યારે તેઓ તેમને મોટી ભૂમિકા માટે તૈયાર કરી રહ્યા હતા. 

એ જ પ્રકારે રાહુલ ગાંધી વિશે ઓબામાનું કહેવું છે કે 'તેમનામાં એક એવા ગભરાયેલા અને અનગઢ વિદ્યાર્થીના ગુણ છે જેણે પોતાનો આખો પાઠ્યક્રમ પૂરો કરી લીધો છે અને તે પોતાના શિક્ષકને પ્રભાવિત કરવાની ચાહત ધરાવે છે પરંતુ તેમનામાં વિષયમાં મહારથ હાંસલ કરવાની યોગ્યતા કે પછી ઝનૂનની કમી છે.' 

ઓબામાની 768 પાનાની આ સંસ્મરણ આજે 17 નવેમ્બરે બજારમાં એન્ટ્રી કરશે. અમેરિકાના પહેલા આફ્રિકી-અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના કાર્યકાળમાં બેવાર 2010 અને 2015માં ભારત પ્રવાસ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news