કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર

દેશમાં હાલ કોરોના (Corona virus) મહામારીની દહેશત દૂર થઈ નથી ત્યાં તો એક નવી બીમારીએ દેશમાં દસ્તક આપી છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર

નવી દિલ્હી: દેશમાં હાલ કોરોના (Corona virus) મહામારીની દહેશત દૂર થઈ નથી ત્યાં તો એક નવી બીમારીએ દેશમાં દસ્તક આપી છે. દેશમાં મંડરાઈ રહ્યો છે બર્ડ ફ્લૂ (Bird Flu) નો ખતરો. બર્ડ ફ્લૂના ખતરાનો પગલે ગુજરાત સહિત દેશના 6 રાજ્યો અલર્ટ છે. હિમાચલ, મધ્ય પ્રદેશ અને કેરલમાં બર્ડ ફ્લૂ (H5N1)ના કેસ નોંધાયા છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે.  છેલ્લા થોડાક સમયમાં હિમાચલમાં 2300, MPમાં 300 અને ગુજરાતમાં 50 પક્ષીના મોત નીપજ્યા છે. બર્ડ ફ્લૂના વાયરસ ખુબ જ ખતરનાક હોય છે અને તે માણસોને પણ નુકસાન પહોંચાડી શકે છે. 

પક્ષીઓમાંથી મળેલો વાયરસ કેટલો ઘાતક
દેશના અલગ અલગ રાજ્યોમાં મૃત પક્ષીઓમાંથી H5N8 અને H5N1 વાયરસ મળ્યા છે. કેટલીક જગ્યાએ કાગડામાં H5N8 વાળો વાયરસ મળી આવ્યો છે. આ વાયરસ ખુબ સંક્રામક હોય છે. સામાન્ય રીતે તે પક્ષીઓમાં મળી આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ પક્ષીઓથી આ વાયરસ માણસોમાં પ્રવેશે તેવા કોઈ પુરાવા નથી. પરંતુ આમ છતાં બધાએ સતર્ક રહેવાની જરૂર છે. આ વાયરસ પ્રવાસી પક્ષીઓથી ફેલાય છે. ભારતમાં હાલ પ્રવાસી પક્ષીઓની સંખ્યા ખુબ વધારે છે. 

H5N1 વાયરસ ખુબ ખતરનાક
H5N1 થી લઈને H5N5 બર્ડ ફ્લૂ વાયરસને ઘાતક ગણવામાં આવે છે. તે ચેપી પણ છે. જો કે H5N8 એવિયન ઈન્ફ્લૂએન્ઝાથી ફક્ત કાગડાના જ મોત થયા છે. H5N1 વાયરસને WHO ખુબ ખતરનાક ગણે છે. ખાસ વાત એ છે કે આ વાયરસના માણસોમાં પણ ક્યારેક ક્યારેક મળી આવવાની પુષ્ટિ થયેલી છે. જો કે માણસોથી માણસોમાં આ વાયરસના ટ્રાન્સમિશનની પુષ્ટિ થઈ નથી. જો કે માણસો આ વાયરસની ચપેટમાં આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાયરસથી પીડિત 60 ટકા લોકોના મૃત્યુ થાય છે. 

H5N1 કેટલો ચિંતાજનક
WHOના જણાવ્યાં મુજબ મનુષ્યોમાં H5N1 વાયરસનું સંક્રમણ ખુબ જોખમી હોય છે અને તેનાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે તથા મોતનો આંકડો પણ ખુબ વધુ હોય છે. જો H5N1 વાયરસ મ્યુટેટ થાય તો તેનાથી માણસોથી માણસોમાં ટ્રાન્સમિશન થઈ શકે છે. 

મનુષ્યોમાં બર્ડ ફ્લૂના શું લક્ષણ હોય છે
માણસોમાં તેના લક્ષણ ખુબ જ સામાન્ય હોય છે જેમ કે શરદી, સળેખમ, શ્વાસમાં તકલીફ, અને વારંવાર ઉલટી થવી. આ ઉપરાંત માંસપેશીઓમાં ખેંચ, ડાયેરિયા અને છાતીમાં દુખાવો પણ થાય છે. 

2013માં પહેલીવાર માણસથી માણસમાં ફેલાયો હતો બર્ડ ફ્લૂ
પહેલા પક્ષીઓના સંપર્કમાં આવવાથી જ બર્ડ ફ્લૂ ફેલાવવાનું જોખમ હતું. પરંતુ 2013માં ચીનમાં માણસોથી માણસોમાં બર્ડ ફ્લૂ થવાનો મામલો સામે આવ્યો હતો. પિતાથી સંક્રમિત થયેલી 32 વર્ષની મહિલાનું તેનાથી મોત થયું હતું. આ અગાઉ મનુષ્યોના એક બીજાના સંપર્કમાં આવવાથી H9N9 વાયરસ ફેલાવવાના પુરાવા મળ્યા નહતા. 

દેશના અનેક રાજ્યોમાં ફેલાયો બર્ડફ્લૂ!
બર્ડ ફ્લૂના ખતરાનો પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ સહિત દેશના 6 રાજ્યો અલર્ટ છે. હિમાચલ, મધ્ય પ્રદેશ અને કેરલમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે.  આ બાજુ ફ્લૂના કારણે બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં પણ સતર્કતા વર્તવામાં આવી રહી છે. છેલ્લા થોડાક સમયમાં હિમાચલમાં 2300, MPમાં 300 અને ગુજરાતમાં 50 પક્ષીના મોત નીપજ્યા છે. બર્ડ ફ્લૂના વાયરસ ખુબ જ ખતરનાક હોય છે અને તે માણસોને પણ નુકસાન પહોંચાડી શકે છે. 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં અત્યાર સુધીમાં 154 કાગડાઓના મોત નીપજ્યા છે. બર્ડ ફ્લૂની આશંકાને પગલે ઈન્દોરની ડેલી કોલેજ આસપાસના વિસ્તારમાં અલર્ટનેસ વધારી દેવામાં આવી છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશના પૌંગ વિસ્તારમાં સોમવાર સુધીમાં 2300 વિદેશી પક્ષીઓના મોત નીપજ્યા છે. રિપોર્ટ પ્રમાણે મૃતક પક્ષીઓમાં બર્ડ ફ્લૂ હોવાની પૂરી સંભાવના જોવામાં આવી રહી છે. જો કે ભોપાલ મોકલવામાં આવેલા રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ ફ્લૂનો કયો પ્રકાર છે. કેરલમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. તેનામાં હાલને પગલે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. વન, પશુપાલન અને ડેરી વિકાસ મંત્રીએ કહ્યું કે, અલ્લાપુઝા અને કોટ્ટાયમમાં જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. વધુમાં તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં બર્ડ ફ્લૂનો મામલો સામે આવશે, ત્યાં 1 કિલોમીટરના દાયરામાં પક્ષીઓને મારી નાંખવામાં આવશે. 

બર્ડફ્લૂના શંકાસ્પદ કેસ રાજસ્થાન અને ગુજરાતમાં પણ નોંધાઈ ચૂક્યા છે. રાજસ્થાના જયપુર સહિત અન્ય જિલ્લાઓમાં 252 કાગડાઓના મોત થયા છે. એટલું જ નહીં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવામાં પણ 2 જાન્યુઆરીએ 46 ટિટોડી, 3 બગલી અને 3 બતક સહિત 53 પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. પક્ષીઓના મોત મામલે વનવિભાગે તપાસ કરી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચુ કારણ સામે આવી શકે છે. પક્ષીઓમાં ફેલાતો આ વાયરસ ખૂબ ઘાતક છે, અને તે માણસોમાં પણ લાગૂ પડી શકે છે. માટે કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કેસ નોંધાતા જ ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં અલર્ટ અપાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news