MP: ભાજપના આ MLA ઝૂંપડીમાં રહે છે, લોકો ફાળો ભેગો કરીને બનાવી રહ્યાં છે ઘર 

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે સીતારામ આદિવાસી. આ ધારાસભ્ય પોતાના પરિવાર સાથે એક ઝૂંપડીમાં રહે છે. સ્થાનિક લોકો નથી ઈચ્છતા કે તેમના આ ધારાસભ્ય કાચા મકાનમાં રહે. આથી લોકો ભેગા થઈને ફંડ ઉઘરાવી રહ્યાં છે અને હવે તેમાથી સીતારામ માટે પાક્કુ મકાન બનાવવામાં આવી રહ્યું છે. 
MP: ભાજપના આ MLA ઝૂંપડીમાં રહે છે, લોકો ફાળો ભેગો કરીને બનાવી રહ્યાં છે ઘર 

ભોપાલ: મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે સીતારામ આદિવાસી. આ ધારાસભ્ય પોતાના પરિવાર સાથે એક ઝૂંપડીમાં રહે છે. સ્થાનિક લોકો નથી ઈચ્છતા કે તેમના આ ધારાસભ્ય કાચા મકાનમાં રહે. આથી લોકો ભેગા થઈને ફંડ ઉઘરાવી રહ્યાં છે અને હવે તેમાથી સીતારામ માટે પાક્કુ મકાન બનાવવામાં આવી રહ્યું છે. 

આ વાત તમને અચરજમાં નાખી શકે છે પરંતુ હકીકત છે. હાલના સમયમાં આ રાજ્યનો એક ધારાસભ્ય પોતાના પરિવાર સાથે ઝૂંપડીમાં રહે છે. સીતારામ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે ભાજપે આ રાજ્યમાં છેલ્લા 15 વર્ષ શાસન કર્યું. રાજ્યને વિક્સિત બનાવવાનો દંભ ભર્યો અને ચોથીવારની ચૂંટણીમાં પણ રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ વચનો આપ્યાં હતાં. 

સીતારામે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શક્તિશાળી નેતા રામનિવાસ રાવતને માત આપી હતી. સીતારામની આ સતત ત્રીજી ચૂંટણી હતી. તેઓ સતત બેવાર હાર્યા અને ત્રીજીવાર ચૂંટણીમાં આખરે તેમણે જીત મેળવી. તેમની રહેણી કરણી એકદમ સીધી સાદી છે. હાલના દિવસોમાં તેઓ સાંજના સમયે પોતાની ઝૂંપડી બહાર ખાટલા પર બેસીને ઠંડીમાં તાપણામાં હાથ પગ સેકતા જોવા મળશે. તો સવારમાં તમને શાલ ઓઢીને સૂર્યનો તાપ ખાતા અને પોતાના લોકોની વચ્ચે જોવા મળશે. આ એક સામાન્ય નજારો છે. 

સીતારામનું કહેવું છે કે તેમની પાસે રૂપિયા નથી. આથી તેઓ પરિવાર સાથે કાચા મકાનમાં રહે છે. અગાઉ તેઓ કોંગ્રેસના સભ્ય હતાં પરંતુ ત્યાં બહુ મહત્વ મળ્યું નહીં તો તેઓ ભાજપમાં આવી ગયાં. બે ચૂંટણી હાર્યા પરંતુ ત્રીજી ચૂંટણીમાં તેમને જીત મળી છે. 

ધારાસભ્ય સીતારામને પસંદ  કરતા ધનરાજનું કહેવું છે કે તેમના જનપ્રતિનિધિ ઝૂંપડીમાં રહે તે તેમને ગમતું નથી. આ જ કારણે તેમણે ફાળો ભેગો કરીને પાકુ મકાન બનાવવાની યોજના બનાવી છે. જેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. 

સીતારામ કરાહલ વિકાસખંડના પિપરાની ગામના રહીશ છે. આ ગામમાં હવે તેમના માટે પાકુ મકાન બનાવવામાં આવી રહ્યું છે. તેઓ પોતે કહે છે કે લોકોએ મદદ પેટે 500-1000 રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં અનેક સ્થળો પર સિક્કાને પણ તોલવામાં આવ્યાં. આ રકમથી મકાન નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 

સ્થાનિક લોકોનું કહેવું છે કે સીતારામ હંમેશા તેમના માટે સંઘર્ષ કરે  છે. જ્યાં જરૂર પડે ત્યાં તેઓ સાથે જવામાં ખચકાટ અનુભવતા નથી. આથી તેઓ ઈચ્છે છે કે ધારાસભ્ય તેમની વચ્ચે રહે અને આ જ કારણે લોકોએ તેમના માટે મકાન બનાવવા ફાળો ભેગો કર્યો છે. 

સીતારામના પત્ની ઈમરતીબાઈનું કહેવું છે કે તેમના પતિ અને પરિવાર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે. હવે દિવસો ફર્યા છે. આશા છે કે આવનારા સમયમાં તેમની સ્થિતિ સુધરશે અને જીવન સુખમય બનશે. સીતારામ તો જનતાના કામને જ પોતાનું કામ ગણે છે. આથી જનતા પણ તેમને પોતાના માને છે. 

(ઈનપુટ-આઈએએનએસ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news