આજથી દેશમાં Unlock 1નો અમલ, આ 5 મોટા ફેરફાર તમારા જીવન પર કરશે ખાસ અસર
Trending Photos
નવી દિલ્હી: દેશમાં આજથી અનલોક 1 (Unlock 1)નો અમલ થઈ રહ્યો છે. જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. સૌથી જરૂરી એ છે કે આ રાહત વચ્ચે પણ યાદ રાખવું જરૂરી છે કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. આથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેના યુદ્ધમાં કોઈ પણ શિથિલતા પ્રદર્શિત કરનારા લોકોને સાવધ કર્યા અને તેમને વધુ સતર્કતા તથા સાવધાની રાખવાનું પણ કહ્યું. તેમણે કહ્યું કે બેદરકારી કે ઢીલું વલણ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
આજથી આ ફેરફાર લાગુ
- દેશમાં અનલોક 1 લાગુ થઈ જશે
- હવે દેશમાં તમે ગમે ત્યાં જઈ શકો છો
- દેશમાં આજથી 200 નોન એસી ટ્રેનો શરૂ થઈ રહી છે
- 20 રાજ્યોમાં વન નેશન વન રાશનકાર્ડ માન્ય થશે
- યુપી રોડવેઝની બસો રસ્તાઓ પર દોડવા લાગશે
કેન્દ્ર સરકારે શનિવારે અનલોક 1ની માર્ગદર્શિકા જાહેર કરી હતી. લોકડાઉન 5.0ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. 30 જૂન સુધી રહેનારા લોકડાઉનને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકા મુજબ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે લોકડાઉનને ખતમ કરવામાં આવશે. દેશમાં ક્યાય પણ અવરજવર પર રોક રહેશે નહીં. 8 જૂનથી દેશમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. પરંતુ રાતે 9 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. સરકારે લોકોને રાહત આપતા પહેલા જ તબક્કામાં શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી છે.
બીજા તબક્કામાં શાળા કોલેજો ખોલવા પર રાજ્ય સરકારો વિચાર કરશે. મેટ્રો, રેલવે અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર ત્રીજા તબક્કામાં જ નિર્ણય લેવાશે. હાલ થિયેટરો, જિમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. પરંતુ ત્રીજા તબક્કામાં તેને ખોલવા પર નિર્ણય લઈ શકાય છે. ખાસ વાત એ છે કે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર બધુ જ બંધ રહેશે. પરંતુ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે બધુ ખોલવામાં આવશે.
ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ બાદ યુપી સરકારે પોતાના રાજ્ય માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુપીમાં બજાર સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી ખુલશે. સલૂન અને બ્યુટીપાર્લર ખોલવાની પણ મંજૂરી અપાઈ છે. રાજ્યમાં રોડવેઝની બસો આજથી દોડશે. તમામ સરકારી ઓફિસોમાં 100 ટકા હાજરી રહેશે. શાળા અને કોલેજો જુલાઈ 2020થી ખોલવામાં આવી શકે છે. પોતાની ગાડીઓથી ફરનારા લોકોએ આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. પાર્ક સવારે અને સાંજે 5થી 8 વાગ્યાથી ખોલવામાં આવશે. દ્વિચક્કી વાહનો પર માસ્ક લગાવીને 2 લોકો મુસાફરી કરી શકે છે. ખેલ પરિસરમાં અને સ્ટેડિયમમાં દર્શકો વગર ખોલવાની મંજૂરી અપાઈ છે.
રેલવેમાં ફેરફાર
1 જૂનથી 200 ટ્રેનોની શરૂઆત થઈ રહી છે. પહેલા દિવસે 145000 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યાં છે. આખા મહિનામાં 30 દિવસમાં 26,00,000 મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે. આરએસી ટિકિટ મેળવનારા પણ મુસાફરી કરી શકશે. વેઈટિંગ લિસ્ટ બહાર તો પડશે પરંતુ ટ્રેનના સમય પહેલા જો ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેઓ મુસાફરી કરી શકશે નહીં.
ગુજરાતમાં પણ માર્ગદર્શિકા જાહેર
- તારીખ 1 જૂનથી 30મી જૂન સુધી લોકડાઉનનો સમયગાળો વધારાયો છે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત વસ્તુઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવે છે.
- ગુજરાત સરકાર જિલ્લાવાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની જાહેરાત કરશે. આ યાદી સમયાંતરે અપડેટ થતી રહેશે.
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
- રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે
- સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
- સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
- મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત
- મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
- સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ
- સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર 1લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
- ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે
- હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ 8મી જૂન સુધી ચાલુ નહીં થાય.
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
- આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે
- શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે
- લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર
- સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે
- કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે
- માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, 65 વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ
- 8 જૂનથી શેમાં મળશે છૂટછાટ?
ગાઈડલાઈન્સ મુજબ આ વસ્તુઓમાં છૂટછાટ મળશે
રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, હોટલ, ક્લબ, મોલ્સ, મોલ્સની દુકાનો, રીટેલ શોપ, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળો, (મોટા પાયે લોકોના જમાવડા ન થવા જોઈએ), ફેરિયાઓને છૂટ, ચાની કીટલીઓ, પાનની દુકાનો (ફક્ત ઘરે લઈ જવા માટે), પરમીટ હોલ્ડર દારૂની દુકાનો ખુલશે. સલૂન, પાર્લર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, લાઈબ્રેરી (60 ટકા કેપેસિટી સાથે), જીએસઆરટીસી બસો દોડશે, 50 ટકા કેપેસીટી સાથે અમદાવાદમાં (કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર) અન્ય વિસ્તારોમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર 60 ટકા કેપેસિટી સાથે, કુલ 3 લોકોની મંજૂરી સાથે રિક્ષાઓ, ટેક્સીઓ, વગેરેમાં છૂટ મળશે.
શું બંધ રહેશે
શિક્ષણ સંસ્થાઓ, જીમ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ, લોકોના જમાવડા, ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજન, સ્વિમિંગ પૂલ, પાર્ક, ઝૂ, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક, આર્કિયોલોજિકલ સાઈટ્સ, બીચ, જાહેર સ્થળો બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં મળી આ રાહત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન 30 જૂન સુધી લંબાવવા દરમિયાન નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં સરકાર દ્વારા અપાયેલી છૂટછા અંગે કહ્યું કે લોકોએ નવું જીવન શરૂ કરતા સાવધાની રાખવી જોઈએ. રાજ્ય સરકારે મોટી રાહત આપતા સવારની સેર અને સાઈકલિંગ જેવી શારીરિક ગતિવિધિઓ માટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યા છે. જ્યાં અત્યાર સુધી 68,168 કેસ સામે આવ્યાં છે અને 2197 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
જુઓ LIVE TV
તામિલનાડુમાં પણ લોકડાઉન લંબાવાયુ
તામિલનાડુ સરકારે કોરોના વાયરસના ચેપને કાબુમાં કરવા માટે લોકડાઉનને 30મી જૂન સુધી લંબાવ્યું છે. જો કે સરકારે જાહેર જગ્યાઓ પર પરિવહન સુવિધાને આંશિક રીતે બહાલ કરવાની અને કાર્યસ્થળ પર વધુ કર્મચારીઓને મંજૂરી આપવા સહિત કેટલીક છૂટછાટ આપી છે. રાજ્યમાં 22,333 કેસ છે.
દિલ્હી સરકારના અધિકારીએ કહ્યું છે કે તેઓ નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને અન્ય એનસીઆર શહેરોથી લોકોને આંતરરાજ્ય મુસાફરી કરવાની મંજૂરી આપવાના પક્ષમાં છે કારણ કે તબક્કાવાર છૂટ આ મહિનેથી શરૂ થઈ રહી છે. દિલ્હીમાં કોવિડ 19ના કેસ વધીને 19,844 થયા છે. અને દેશમાં તે ત્રીજા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે