કઈ રીતે કરોડો ઘર સુધી પહોંચી દૂરદર્શનની પ્રસારણ સેવા? જાણો દૂરદર્શન વિશેની જાણી અજાણી વાતો
1959માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે દિલ્હીના આકાશવાણીના સ્ટુડિયોમાંથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે દુરદર્શનનો શુભારંભ થયો હતો. અઠવાડિયામાં બે દિવસ માટે તેના પરથી સમાજશાસ્ત્રના એકએક કલાકના કાર્યક્રમોનું પ્રસારણ થતું હતું.
Trending Photos
રાજન મોદી, અમદાવાદઃ 15 સપ્ટેમ્બર 1959ના દિવસે ભારત સરકારે દૂરદર્શન કે જેને આપણે હાલ ટૂંકમાં ડીડી કહીએ છીએ તેની શરૂઆત કરી હતી. દિલ્હીથી સરકારી ટીવીની શરૂઆત થઈ હતી. 5 કિલોવૉટના નાનકડા ટ્રાન્સમિટર અને કામચલાઉ ધોરણે ઊભા કરાયેલા સ્ટુડિયોમાંથી પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ હતી અને 1982 સુધીમાં ડીડી રાષ્ટ્રીય પ્રસારણકર્તા બની ચૂક્યું હતું.
*યાદગાર લોગો-
“DD eye” એટલે કે બ્રહ્માંડની આંખ જેવો લોગો NIDમાં ભણેલા દેવાશિષ ભટ્ટાચાર્યે 1970ના દાયકામાં તૈયાર કર્યો હતો. NID તરફથી જુદીજુદી ડિઝાઇન આપવામાં આવી હતી, તેમાંથી આ લોગો ઇન્દિરા ગાંધીએ પસંદ કર્યો હતો. મે 2019માં ભારતીય રાષ્ટ્રીય પ્રસારણની સર્વોચ્ચ સંસ્થા પ્રસાર ભારતીએ DDના નવા લોગોની પાંચ નવી ડિઝાઇન શોર્ટલિસ્ટ કરી હતી.
*નાના પાયે શરૂઆત-
- 1959માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે દિલ્હીના આકાશવાણીના સ્ટુડિયોમાંથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે દુરદર્શનનો શુભારંભ થયો હતો. અઠવાડિયામાં બે દિવસ માટે તેના પરથી સમાજશાસ્ત્રના એકએક કલાકના કાર્યક્રમોનું પ્રસારણ થતું હતું.
- 1965માં સવારે અને સાંજે કાર્યક્રમો સાથે રોજિંદા પ્રસારણની શરૂઆત થઈ. પાંચ મિનિટનું સમાચાર બૂલેટિન પણ શરૂ થયું. આગામી વર્ષોમાં રોજના ચાર કલાકનું પ્રસારણ થવા લાગ્યું.
- 1975માં મુંબઈ અને અમૃતસર સહિત સાત નવા શહેરોમાં પણ હવે DDનું પ્રસારણ થવા લાગ્યું.
- 1976માં આકાશવાણીથી હવે DDને અલગ વિભાગ કરવામાં આવ્યો.
- 1982માં રાષ્ટ્રીય પ્રસારણની શરૂઆત થઈ, ભારતીય ઘરોમાં રંગીન ટીવી પહોંચવા લાગ્યા
- 1984માં હવે DD નેટવર્કમાં હવે DD 2 હાલ જે DD Metro તરીકે ઓળખાય છે સહિત નવી ચેનલો શરૂ થઈ.
- 1991માં કેબલ ટીવીની શરૂઆત થઈ અને ખાનગી ટીવી ચેનલ્સને મંજૂરી મળી અને તે સાથે દૂરદર્શનના દર્શકગણમાં ઘટાડો થવા લાગ્યો.
- 2004માં DD તરફથી DD Free Dish શરૂ કરવામાં આવી, જે ભારતની એક માત્ર ફ્રી DTH સર્વિસ છે.
- 2016માં DD Free Dishને અપગ્રેડ કરીને Insat-4B ઉપગ્રહમાંથી Gsat-15 ઉપગ્રહ પર લઈ જવાઈ, જેથી તેની DTH ફ્રી સર્વિસ પર વધુ ચેનલ્સ ઉમેરી શકાય.
*સિમાચિહ્નરૂપ કાર્યક્રમો-
- 1967: ખેડૂતો અને ગ્રામીણ દર્શકો માટેનો કૃષિ દર્શન કાર્યક્રમ પ્રજાસત્તાક દિનથી શરૂ થયો; જે ભારતનો સૌથી લાંબા સમયથી ચાલતો કાર્યક્રમ બની ચૂક્યો છે.
- 1976: લાડૂ સિંહ ટેક્સીવાલા નામની પ્રથમ ટીવી સિરિયલ DD પર શરૂ થઈ
- 1982: લોકપ્રિય કાર્યક્રમ ચિત્રહાર શરૂ થયો; છ વર્ષ પછી રંગોલી નામનો કાર્યક્રમ શરૂ થયો
- 1984: ભારતની સૌ પ્રથમ લાંબી હપ્તાવાર સિરિયલ હમ લોગ શરૂ થઈ. મધ્યમ વર્ગના જીવન સંઘર્ષોની વાત કરતી સિરિયલ 154 હપ્તાઓ સુધી ચાલી હતી.
- 1987-1990: રામાનંદ સાગરની રામાયણ (1987-88) અને બી. આર. ચોપરાની મહાભારત (1988-90) સિરિયલ દર્શકોમાં છવાઈ ગઈ અને દર્શકગણ અને આવકના નવા વિક્રમો થયા. આર.કે. નારાયણની વાર્તાઓ પરથી બનેલી 1987માં આવેલી માલગુડી ડેય્ઝ સિરિયલ પણ દર્શકોને ગમી.
- 1994: કાલ્પનિક કથા ચંદ્રકાંતા પરથી બનેલી સિરિયલ DD National પર દર રવિવારે સવારે શરૂ થઈ
- 1997: હિન્દીમાં બનેલી પ્રથમ સુપરહીરો શક્તિમાન સિરિયલ DD National પર શરૂ થઈ. મુકેશ ખન્ના અભિનિત સિરિયલ બહુ લોકપ્રિય બની પણ બાળકો તેમના જેવા જોખમી સ્ટંટ કરવા લાગ્યા તેના કારણે વિવાદો પણ થાય હતા.
*દૂરદર્શનનું પ્રથમ-
- પ્રતીમા પુરી: 1965માં DDએ પાંચ મિનિટના સમાચાર બૂલેટિન શરૂ કર્યા તેના પ્રથમ સમાચાર વાચક બન્યા.
- શાહરુખ ખાન: આગળ જતા સુપરસ્ટાર બનેલા શાહરુખે અભિનયની શરૂઆત DD Nationalની ફૌજી સિરિયલથી 1989માં કરી હતી.
- કેરન લ્યુનેલ: લિરિલ સાબુની પાણીના ધોધમાં નહાતી અને નૃત્ય કરતી જાહેરખબરની કન્યા તરીકે જાણીતી થઈ. તેની પ્રથમ જાહેરખબર 1985માં લિન્ટાસે તૈયાર કરી અને ટીવી પર કર્મશિયલ તરીકે રિલિજ થઈ. આ જાહેરખબરમાં કેરનને માત્ર બેકઅપ મૉડલ તરીકે શૂટના સ્થળે સાથે લઈ જવામાં આવી હતી, પણ તેની અદાકારી જ છવાઈ ગઈ.
*દૂરદર્શનની લોકપ્રિય ધૂન-
દૂરદર્શનને યાદ કરાવી દે તેવી તેની સિગ્નેચર ટ્યુન 1976માં પંડિત રવિ શંકર અને ઉસ્તાદ અલી અહમદ ખાને તૈયાર કરી હતી. 2011માં આવેલી ફિલ્મ જિંદગી ના મિલેગી દૂબારામાં હૃતિક રોશન આ યાદગાર ધૂનને યાદ કરે છે અને તેને રજૂ કરે છે તે પણ યાદગાર છે. માર્ચ 2019માં DD Newsના પ્રારંભિક મ્યુઝિક પર અનોખી રીતે ડાન્સ કરતો @Vaishakhdancer09નો વીડિયો સોશલ મીડિયામાં વાઇરલ થયો હતો.
*આજનું દૂરદર્શન-
આટલા વર્ષો દરમિયાન દૂરદર્શનનું નેટવર્ક ખૂબ જ વિસ્તરણ પામ્યું છે અને અત્યારે 36 સેટેલાઇટ ચેનલ્સ છે અને ફ્રી DTH સર્વિસ પર તેની જ 110 ચેનલોનું પ્રસારણ થાય છે. આકાશવાણીના નાનકડા સ્ટુડિયોમાંથી શરૂ થયેલું દૂરદર્શન આજે દેશના ખૂણેખૂણે ફેલાઈ ગયું છે અને તેના 66 આધુનિક સ્ટુડિયો સેન્ટર્સ બન્યા છે. રાજ્યોની રાજધાનીમાં મોટા 17 સ્ટુડિયો આવેલા છે અને અન્ય નગરોમાં 49 સ્ટુડિયોમાંથી દુરદર્શનનું પ્રસારણ થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે