સવર્ણ અનામત: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી માંગ્યો જવાબ, જો કે હાલ રોક નહીં

સામાન્ય વર્ગને 10 ટકા અનામતની વ્યવસ્થાને પડકારતી અરજીઓ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી.

સવર્ણ અનામત: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી માંગ્યો જવાબ, જો કે હાલ રોક નહીં

નવી દિલ્હી: સામાન્ય વર્ગને 10 ટકા અનામતની વ્યવસ્થાને પડકારતી અરજીઓ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની પેનલે 10 ટકા અનામત પર જો કે રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. સવર્ણોને નોકરીઓમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાના મામલે યુથ ફોર ઈક્વિલિટી સહિત અન્ય અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ અરજીમાં બંધારણમાં સંશોધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. અરજીમાં કહેવાયું છે કે આ સંશોધન સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ છે અને આર્થિક આધાર પર અનામત આપી શકાય નહી. 

બિનસરકારી સંગઠન યુથ ફોર ઈકક્વિલિટી અને કૌશલ કાંત મિશ્રાએ અરજીમાં આ બિલને રદ કરવાની ભલામણ કરતા કહ્યું છે કે એકમાત્ર આર્થિક આધાર પર અનામત આપી શકાય નહીં. આ બિલથી બંધારણના પાયાના માળખાનો ભંગ થાય છે કારણ કે ફક્ત સામાન્ય વર્ગ સુધી જ આર્થિક આધાર પર અનામત સીમિત કરી શકાય નહીં અને 50 ટકા અનામતની મર્યાદા ઓળંગી શકાય નહી. 

અત્રે જણાવવાનું કે મોદી સરકારના માસ્ટર સ્ટ્રોક તરીકે જોવા મળી રહેલા સવર્ણ અનામત બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કરી નાખ્યા છે. આ સાથે જ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. સરકારે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. 3 રાજ્યોએ તેને લાગુ પણ કરી દીધુ છે. જેમાં ગુજરાત, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સામેલ છે. 

આ બિલ મુજબ અનામતનો ફોર્મ્યુલા 50 ટકા+10 ટકા રહેશે. જે લોકોની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે તેને અનામતનો લાભ મળશે. જે સવર્ણો પાસે ખેતી માટે 5 એકરથી ઓછી જમીન હશે તેમને અનામતનો લાભ મળશે. આ અનામતનો લાભ સવર્ણ મેળવી શકશે. જેમની રહેણાંક જમીન 1000 વર્ગ ફૂટથી ઓછી હશે. 

જે સવર્ણો પાસે અધિસૂચિત નગરપાલિકા વિસ્તારમાં 100 ગજથી ઓછાના રહેણાંક પ્લોટ છે તેઓ અનામતનો લાભ લઈ શકશે. આ ઉપરાંત જે સવર્ણો પાસે બિન અધિસૂચિત નગર પાલિકા વિસ્તારમાં 200 ગજથી ઓછા રહેણાંક પ્લોટ છે તેમને પણ અનામતનો લાભ મળશે.

બંધારણમાં સામાજિક અસમાનતા છે અનામતનો આધાર
હકીકતમાં બંધારણમાં અનામતની જોગવાઈ સામાજિક અસમાનતાના આધારે છે. જ્યારે મોદી સરકારનો આ નિર્ણય આર્થિક આધાર પર સવર્ણોને અનામત આપવાનો છે. બંધારણ મુજબ આવક અને સંપત્તિના આધારે અનામત આપી શકાય નહી. બંધારણની કલમ 16(4) મુજબ અનામતનો આધાર ફક્ત સામાજિક અસમાનતા જ હોઈ શકે છે. 

હાલમાં પછાત વર્ગોની કુલ અનામતની ટકાવારી 49.5 ટકા છે. જેમાં અનુસૂચિત જાતિ (એસસી)ને 15 ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) 7.5 ટકા, અનામત ળે છે. જ્યારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને 27 ટકા અનામત મળે છે. વર્ષ 1963માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અનામતની મર્યાદા સામાન્ય રીતે 50 ટકાથી વધારી શકાય નહીં. 

આ બાજુ સુપ્રીમ કોર્ટે પણ પોતાના અગાઉના તમામ ચુકાદામાં કહ્યું છે કે આર્થિક આધાર પર અનામત આપવી એ સમાનતાના મૂળ અધિકારનો ભંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news