સુનિલ અરોરાની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુનિલ અરોરાની નિમણૂક કરાઈ છે
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સુનિલ અરોરાની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ નિવૃત્ત થવા જઈ રહેલા વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતનું સ્થાન લશે. સુનિલ અરોરા 2 ડિસેમ્બરના રોજ ચાર્જ સંભાળશે.
વર્તમાન ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત 1 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે 1 સપ્ટેમ્બર, 2017ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો હતો. રાવતે ચૂંટણી પ્રક્રિયામાં VVPAT મશીનનો ઉપયોગ શરૂ કરાવ્યો હતો. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) સામે ફરિયાદો ઊભી થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે ફેક ન્યૂઝ પણ બંધ કરાવ્યા હતા, કેમ કે તેની સીધી અસર ચૂંટણી પ્રક્રિયા ઉપર પડતી હતી.
આ સાથે જ નિવૃત્ત થઈ રહેલા ચૂંટણી કમિશનરે એ બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી એક સાથે યોજવી શક્ય નથી. તેના માટે પહેલાં એક વ્યવસ્થિત માળખું તૈયાર કરવું પડશે.
સુનીલ અરોરા 1980 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેમણે નાણા, કપડા અને આયોજન પંચ જેવા મંત્રાલયો અને વિવિધ વિભાગોમાં વિવિધ પદ પર સેવાઓ આપી છે. 1999-2002 દરમિયાન તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સંયુક્ત સચિવના પદ પર કામ કરી ચૂક્યા છે. અરોડા 5 વર્ષ સુધી ઈન્ડિયન એરલાઈન્સના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક પણ રહ્યા છે.
રાજસ્થાનમાં ધોલપુર, અલવર, નાગોર અને જોધપુર જેવા જિલ્લાઓમાં તેઓ કામગીરી કરી ચૂક્યા છે. વર્ષ 1993-1998માં તેઓ મુખ્યમંત્રીના સચિવ પદે હતા. 2005-2008 દરમિયાન તેઓ રાજ્યના મુખ્ય સચિવ પણ બન્યા હતા. તેમણે રાજ્યના માહિતી અને જનસંપર્ક, ઉદ્યોગ અને રોકાણ જેવા વિભાગોમાં વિવધ પદોની જવાબદારી સંભાળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે